જિંદગી આઈ લવ યુ
જિંદગી આઈ લવ યુ
દર્દ તનનું, દર્દ મનનું, દર્દ જિંદગીનાં અભાવોનું,
સ્પર્શે ક્યાં એ આતમને, શીખવે થોડું ખમી ખાવાનું,
કરવા તન મનને મજબૂત આનંદમાં સદા રહેવાનું,
દુ:ખની સામે આંખો કાઢી હિંમતથી લડી લેવાનું,
યોગને પ્રાણાયામને દિનચર્યામાં શામેલ કરવાનું,
ક્યારેક લગાવવી દોડ તો ક્યારેક ઝડપથી ચાલવાનું,
લાગે ભૂખ ત્યારે સદા આરોગ્યપ્રદ ભોજન કરવાનું,
થાય મન કયારેક ભેળ, પાણી-પૂરી ઝાપટી લેવાનું,
બેસી રહીને સદાય શરીરને અદોદળુ ના કરવાનું,
નાચવું, કૂદવું મગન થઈને તાતાથૈયા કરી લેવાનું.
હોય હૈયામાં ખૂબ પીડા તો મિત્રને ખભે રડી લેવાનું,
રહેવું ના કદી એકલપેટા, પરિવારમાં ભળી જવાનું.
વહેંચીને સૌને ખુશી ગમતાંનો ગુલાલ કરી લેવાનું,
અણમોલ આ જિંદગીને આઈ લવ યુ કહી દેવાનું.