રાધા માધવ
રાધા માધવ
રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં
ત્યાં માધવની વેણું ઊઠી વાગી
બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાં
ને,રાધા પણ ઝબકીને જાગી...
મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના
ને,રહું આઠે પ્રહર હું આનંદમાં
અભરખાના વન તો અડાબીડ ઊગ્યાં
તને પામવાં દોડું વૃંદાવનમાં
ગોકુળ,વૃંદાવનની આવજામાં ક્યાંથી
દ્વારિકાની લગની તને લાગી....
કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે
મ્હેકીં ઊઠ્યું વાંસવન
રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી
વ્યાકુળ થૈ ગ્યું તન,મન
રાજા રણછોડ ક્યારે વ્રજમાં પધારશો
રાધાની અરજી અનુરાગી.