જો કમળમાં ...
જો કમળમાં ...
જો કમળમાં કેદ ભમરો પ્રાકૃતિક વર્તન કરે,
નીર સરવરના સમંદર થઈ નવા નર્તન કરે.
આભલુંયે થનગની ઝુકી ગયું અવની ઉપર,
રંગને ધોળી ઉષા રંગીન પરિવર્તન કરે.
છીપલીમાં અવતરેલા મૌક્તિકોની માળ લઈ
માછલી જાગી પહેલા સૂર્યને અર્પણ કરે
હેલ લઈને વાદળી આકાશના પગમાં પડી,
એક ટીપું ઇન્દ્ર લે ને સતગણું વર્ધન કરે.
સાંજનું એકાંત ઓઢી વૃક્ષ પર પંખી-યુગલ,
ચાંચમાં લઈ ચાંચ નીડમાં પ્રીતના નર્તન કરે.
ક્ષુબ્ધ સાગર પથ્થરો માથે પટકાતો શીશ ને,
ક્ષાર ભીતર પીને મીઠાં જળનું સંવર્ધન કરે