જિંદગી કાળી હશે કોને ખબર?
જિંદગી કાળી હશે કોને ખબર?
જિંદગી કાળી હશે કોને ખબર?
લાગણી બાળી હશે કોને ખબર?
સાથ રહેવાની હવે સાતે જનમ,
ટેવ તેં પાળી હશે કોને ખબર?
'કે નસીબે આપતી વેળા નિયતિ,
ચારણે ચાળી હશે કોને ખબર?
હાથતાળી આપશું ભેળા થઈ,
હાથમાં તાળી હશે કોને ખબર?
પાનખરની છે વ્યથા આ ઝાડને,
ક્યાં નમી ડાળી હશે કોને ખબર?
પૂછવા આવે કહે કે કેમ છો?
ગાંઠ ત્યાં વાળી હશે કોને ખબર?
આ હૃદયમાં જ્યાં ભરી રાખી "ખુશી",
ક્યાં જઈ ગાળી હશે કોને ખબર?