ઈશ્વરની ફરિયાદ
ઈશ્વરની ફરિયાદ
કેવી સરસ ધરતી આપી,
ફળ ફૂલ આપ્યા,
સુંદર પહાડો ને નદી આપી,
કલરવ કરતા પંખીઓ આપ્યા,
મહેકવા માટે ફૂલ આપ્યા,
તરસવા માટે રણ આપ્યું,
વરસવા માટે આકાશ આપ્યું,
સમસ્યાઓના ઉકેલ માટે બુદ્ધિશાળી મગજ આપ્યું,
પૃથ્વી પર રાજા બનાવી ને મોકલ્યો તને,
મારા સર્જનને હું જ ના સમજી શક્યો,
પણ હે માનવ !
ફળો આપતા વૃક્ષને કાપીને,
તું તડકાની ફરિયાદ લઈને આવે છે
નદીમાં ગંદકી ઠાલવી,
બીમારીઓની ફરિયાદ લઈને આવે છે,
ધરતી પર ચારેબાજુ પ્રદૂષણ ફેલાવી,
ગ્લોબલ વોર્મિંગની ફરિયાદ લઈને આવે છે,
કેવું સુંદર હૈયું આપ્યું હતું તને !
તેમાં પણ તે નફરત ઈર્ષ્યા અદેખાઈ ભરી ને દૂષિત કરી નાખ્યું,
પછી લડાઈ ઝઘડાઓની ફરિયાદ લઈને આવે છે,
હે માનવ મે તો તને ચોખી ધરતી ચોખ્ખું મન આપ્યું,
પણ તું એને દૂષિત શા માટે કરે ?
ખજાનો આપ્યો તને ધરતી પર,
ખજાનાની ચાવી આપી,
બેફામ ખજાનો લુંટવા બુદ્ધિરૂપી ચાવી આપી,
તો પછી આમ કશું ના મળ્યા ની ફરિયાદ કેમ ?
સફળતાનો જશ તું લેતો,
ગર્વથી કોલર ઊંચો કરીને ફરતો,
તો નિષ્ફળતાનો દોષ મને કેમ ?
હું ક્યાં કહું છું છપ્પન ભોગ મને ધરાવો !
મારા જ બાલુડાઓ અહી ભૂખ્યા કેમ ?
બધું જ આપ્યું તને,
તો આમ ફરિયાદ કેમ ?
વૃક્ષોને તું કાપે,
નદીને તું દૂષિત કરે,
ફૂલોમાંથી અત્તર બનાવે,
દરિયાને પણ તું દૂષિત કરે,
પહાડ ને પણ ખોદી નાખે,
તને બનાવ્યો પ્રકૃતિનો રક્ષક,
પણ તું કેમ બની ગયો ભક્ષક ?
