ઈશ્વર કરે ફરી મળી જાય આ રાજપાટ
ઈશ્વર કરે ફરી મળી જાય આ રાજપાટ
નથી ભૂલાતી એ મઘમઘતી સુંગધથી તરબતર યાદોની ક્ષણો,
જે મિત્રો સાથે વિતાવેલ હતી એ સુંદર પળો,
દુનિયામાં અમારું પણ હતું ક્યાંક રાજપાટ,
મારે કરવી છે એવા મિત્રોની વાત,
રૂપિયાની ચાર ચોકલેટ લઈ, એક એક બધા ખાતા,
ફાઈવ સ્ટાર હોટેલ કરતા પણ મોંઘી હતી અમારી એ પળ,
એક સાયકલના અડધી કલાકના વારા કરતા,
પ્લેનની મુસાફરી કરતા પણ મોંઘી હતી એ પળ,
લંચ બોક્સમાંથી એક સાથે મરચા વળી આંબલીની મજા અનોખી હતી,
એવી મજા ક્યાં પિત્ઝા બર્ગરમાં ક્યાં મળે !
કેવી સુખદ અનોખી હતી એ પળ !
એ આંબાની ડાળ સરોવરની પાળ,
નદીમાં કૂદકા મારવા જેવી મજા,
ક્યાં આ મોંઘા રિસોર્ટમાં મળે છે !
કેવી સુંદર અનુભૂતિ કરાવતી હતી એ પળ,
એ ચોમાસાની સાંજે ગરમ મકાઈ ને ચા સાથે હોય મિત્રોની ટોળકી,
એ ચા એ મકાઈમાં મજા હતી,
એ ક્યાં દુનિયાના કોઈ ખૂણામાં મળે છે !
કદી ન ભૂલાય એવી હતી અમૂલ્ય પળ,
ખોવાયું અમારું એ રાજપાટ,
આકાશમાં અમારા કાગળના વિમાનો ઊડતા,
વરસાદના પાણીમાં પણ અમારા વહાણો તરતા,
કેવી સમૃદ્ધિ હતી એ પળ,
ખૂબ જાહોજલાલી હતી,
મિત્રોની મોટી ફોજ હતી,
ક્યાંય દુઃખ કે હતાશાનું નામોનિશાન નહોતું,
કેવી અણમોલ હતી એ પળ,
ખૂબ સમૃદ્ધ હતા અમે પણ !
ખૂબ ધનવાન હતા અમે પણ,
દુનિયાની ભીડમાં જવાબદારીના મેળામાં,
ક્યાંક ખોવાયું અમારું રાજપાટ ?
ઈશ્વર કરે કાશ ! ફરી મળી જાય અમારું રાજપાટ !
