હું કોણ છું ?
હું કોણ છું ?


એક સ્ત્રીને માતૃત્વ તરફ
દોરી જનાર કેડી જ છું ને?
એના હાડ, માસ, લોહીમાં
કબ્જો કરી જગ્યા બનાવું છું.
વધતા જતા એના પેટ સાથે
બેચેની મારી વધતી જાય છે,
સાચું કહું શા માટે ?
એ સ્ત્રીના સાસુ રહ્યા ને
એ કહેતા'તા રૂડોરૂપાળો કાનો
જણજે મારો વંશ વધારજે!
તમે જ કહો દાદી કહેવાની
હિંમત કેમ કરું હું??
કેટલું રડું, આક્રંદ કરું, વલોપાત કરું
કવચને ભેદતા મારા ડૂસકાં દબાઈ જાય.
"એય.. સાંભળો આ નટખટ કેટલું ફરકે છે
લાતો મારી મારી બહાર આવવા મથે છે"
ને વ્હાલથી એ માણસ હાથ ફેરવતો જ્યારે
ગર્ભ દેનારી મા ના સમ મનેય રડવું આવતું
બહારની હરખઘેલી તાલાવેલી વધતી
ક્યારેક આ જમાનાના થ્રિડી સોનોગ્રાફી
મને ધુજાવી ડરાવી ધમકાવી જતા.
ને પેલા બેય મારી તંદુરસ્તી જોઈ ઠરતા
સામે માસે મને આવકારવા સીમંત આવ્યું
લાલો લાલો ગણગણાટ ફરી મેં સાંભળ્યું
"મારે તો દીકરી જ જોઈએ મારી ઢીંગલી"
આ શબ્દો સાંભળી લાગણીઓ વહેતી ગઈ
લગ્ન જેવા પવિત્ર સંબંધના વચનની
પૂર્ણતા આખરે થવા જઈ રહી હતી
કેટલું મન થતું આ દુનિયામાં દોડી આવવાનું
મા ની છાતીએ વળગી ધાવવાનું,
પપ્પાના નવા કપડાં ભીંજાવવાનું,
ગટર, ડસ્ટબીન, કે બાંકડે મળતા
નવજાત ફૂલો કેટલાય રઝળતા
એ સાંભળી હતપ્રત હું ટૂંટિયું વાળી 
;
વિચારું "આ દુનિયા આટલી ગંદી છે?"
પાપ છે કહી છુટ્ટા થઈ જાય આ
બેપગા પશુ માનવ કહેવાય ક્યાંથી?
મારા જેવા એ બાળકની માસુમ
પીડા મને સતત અહેસાસ કરાવતી
કે હું સુખી છું સુખી છું સુખી છું
એની જગ્યાએ હું હોત તો ?
કોઈ રાક્ષસી હાથે મારો ઘા કર્યો હોત તો?
વિચારી નાયડો જકડી ગુમસુમ પડી રહી
થોડીજવારમાં ચપચપ મશીનના અવાજો
દર્દમાં કણસતી આળોટતી માની ચીસો
કાતરની કરામતો શરૂ થઈ જાણે
તાકામાંથી મીટર કપડું કાપવું હોય
થનાર પિતાની બેચેની અને ચિંતા
આ બધું થોડીજવારમાં મહેસુસ થયું
આ કવચને તોડી બહાર આવવાનું હતું
નવ માસને આઠ દા'ડે ગર્ભ છોડીને
મારુ દબાવેલું ડૂસકાએ રુદન બની
આખા વોર્ડને ગજાવી નાખ્યું
પીડા સહેતી જનની મને દેખી
પાગલ થઈ હરખે વળગી પડી
બહારથી દોડીને આવતા પપ્પા
ચુંબનથી મને નવડાવતા રહ્યા
માને કપાળે વ્હાલ કરી આભાર માની
અપલક મને નીરખી પપ્પા દોડ્યા ને
બહાર એક ઘરડી સ્ત્રીને વળગી પડ્યા
"મારી શેરની આવી ગઈ..એ લક્ષ્મી છે"
મીઠાઈઓથી મોઢા સૌ મીઠા કરતા
શુભકામનાઓનો ધોધ વ્હાવતા
હું બધું છોડી મારી માના ધાવણથી
તૃપ્ત થતી રહી હૂંફ પામતી રહી
વિધાતાને આભાર માની કહેતી રહી
"હા, હું દીકરી છું.
નસીબદાર દીકરી છું."