વ્હાલા વાલમ
વ્હાલા વાલમ
એય સાંભળો ને કંઈક કહુ આજ,
પ્રેમની યાદો ફરી તાજી કરું,
તમોનું નામ સાંભળી ખબર નહીં,
ભીતર ત્યારે શુ ખળભળ્યુ ને,
હૈયે ઓચિંતું કંઈક ખીલ્યું !
શુકનવંતા શ્રી સવા ને શ્રીફળ સાથે,
જલના સાત સાત ઘૂંટડે ભવોભવનું,
મુજથી તુજનું જોડાણ જોડાયું.
વીંટી પહેરાવતી ઘડીએ મારા ધ્રુજતા હાથને,
હળવે પંપાળેલો એ આપનો પ્રથમ સ્પર્શ,
હજુ એવો જ લીલોછમ તરવળે.
વિચારતી હું શું કોઈ સાવ આમ અચાનક,
એકેક ધબકારે કબજો કરી જાય ખરું ?
ત્યાં જ ફરી થામ્યો હાથ ને લીધા ફેરા ચાર,
એ સિંદૂર ને ચૂડી-ચાંદલો મંગળસૂત્ર,
પહેરાવી પત્ની રૂપે મુજને ત્યારે પામી,
અખંડ સૌભાગ્યવતીના રૂડા આશિષ.
લઈ કુમકુમ કેરા પગલે અહીં આવી હું,
ને ઓચિંતા આવી ચહેરો અડકયો તમેં,
હતી બંધ આંખો મારી ને તમે સાવ લુચ્ચા,
ટેરવે ટેરવે સ્પર્શી વ્હાલ નિતારતા.
સુખ દુઃખ દર્દ દુઆ સઘળું વહેંચી,
એકમેકની બાહોમાં શૂન્ય થઈ જતા,
દહાડા મહિના વર્ષો આમ જ વીતતા,
પ્રેમની ગુઢતા આપણે વધુને વધુ પામતા.
અતૃપ્ત મારા અભરખાને તૃપ્ત કરીને,
માતૃત્વનું ફૂલ ખોળે ધરી ધન્ય મુજને કરી,
નાનીમોટી તકરાર જ નજીક રાખતી વળી,
સમયને હાથતાળી દઈ છટકાવતી.
ચાર ચાર વર્ષનો સંગ આજ પાંચમે પ્રવેશ્યો,
દો ને ત્યારે વચન આવતા પચાસ વર્ષ આમ જ,
કરચલી વાળો હાથ મારો ઝીલશો ને ?
હૈયા ના તાર રણકાવી મને સમાવશોને ?
વળતી ભેંટમાં હું બોખલા મોઢે'ય વ્હાલ કરીશ,
અરે ક્યાં ખોવાઈ ગયા ?
તમેય બાથ ભરી ફરી કહોને,
"મારી વ્હાલી, લગ્નજયંતીની શુભકામના"