દીકરી પ્રેમ
દીકરી પ્રેમ
આજ તારી શૈશવ સ્મૃતિમાં નિહાળતા તુજને
લાડલી એકેએક અહેસાસ ફરી સ્ફુરે મુજને,
કારમી પ્રસુતિ પીડા પણ ત્યારે સહેલી લાગી
હાથમાં ઝીલી ત્યારે પ્રતિબિંબ પપ્પાનું લાગી,
સિંહણ મારી રડીને ઘર આખું માથે લેતી
વળગાડું મારી છાતીએ ત્યારે તને હાશ થતી,
દાદાદાદીની દુલારી એના બાગની તું ક્યારી
પૂજતા તને માની જગતજનની માત પ્યારી,
લક્ષ્મી મારી લક્ષ્મી કરતા આરતી તારી ઉતારતા
વરદાન છો ઈશ્વરનું તું એવું સૌને કહેતા ફરતા,
મૂર્તિપૂજાના વિરોધી ઘરમાં સાક્ષાત તું પૂજાણી
કોમળ ચરણ ધોઈ કરતા નવાવર્ષની ઉજાણી,
વર્ષો વીતતા જાણે સંધ્યા મહીં નિશા બદલાય
જોઈ તને યુવાનીના ઉંબરે હૈયું મારુ મલકાય,
નહોતી કરવી ઢીંગલી તને ખોળેથી દૂર
પણ થવાનું હતું ત્યારે કોઈ બીજાનું નૂર,
કંકુથાપા દઈ ચાલી ઘરનું ફળિયું લઈને
પાનેતરમાં ચાલી પ્રીતનું સરનામું લઇને,
વળાવી તુજને આંખલડી હજીયે ભીની છે
સ્મૃતિપટે એકેક યાદ તારી હજીયે તાજી છે.