હરેક કળીએ કર્યો અદ્ભૂત શૃંગાર
હરેક કળીએ કર્યો અદ્ભૂત શૃંગાર
આથમે શશી ને ઊગે દિવાકર,
કેવી સોહામણી લાગે આ સવાર !
સાત ઘોડાનો રથ લઈ આવે સૂર્ય દેવતા,
દૂર કરવા આ પૃથ્વીનો અંધકાર,
કિલ્લોલ કરે પંખી, છોડી અવની ઊડે આકાશ,
પંખીના આ આગમને જોને કેવું સુંદર સોહાય આ અંબર,
કેવી કરામત છે કુદરતની ! ફૂલો ઝાકળે ન્હાય,
જોને આ હવા ફૂલો મહેક્યાની લાવે અદ્ભૂત ખબર,
બાગમાં જોને આજે ફૂલોની જાણે બારાત આવી છે !
હરેક કળીએ કર્યો છે જાણે અદ્ભૂત શૃંગાર !
અવનીની હસીન સુંદરતાથી હિલ્લોળે ચડી આ અલબેલી સરિતા,
મળવા સાગરને જોને થઈ ગઈ એ અધીર,
ખડે પગે ઊભી છે ડાળની આ શાખાઓ,
ઝૂકી ઝૂકી આ સૂરજનો કરે આતિથ્ય સત્કાર,
આ સૂરજ ચાંદને આપે અશ્રુ ભીની વિદાય,
આ અંધાર કરે અજવાળાંનો ભવ્યાતિભવ્ય
આદર સત્કાર,
જોઈ પરોઢનું પ્રાકૃતિક સૌંદર્ય લાગે એવું,
જાણે ઈશ્વરે કર્યો છે કોઈ ચમત્કાર !
