હોય તેવું લાગે છે
હોય તેવું લાગે છે
શ્વાસ લીધા પછી થાક ઘણો વર્તાય છે
નક્કી કંઇક ભેળસેળ થઈ હોય તેવું લાગે છે.
અર્ધ બિડાયેલી કળીને ખીલવાને કેટલી વાર ?
તેના મન પર ઝાકળનો ભાર હોય તેવું લાગે છે.
ખરી પડેલા ફૂલોમાં ખુશ્બુ તો હજી અકબંધ છે
પાનખર નહીં પણ વીતેલી વસંત હોય તેવું લાગે છે,
અણી કાઢી એ કે તરત જ બટકાઈ જાય છે
જિંદગી બટકણી પેન્સિલ હોય તેવું લાગે છે.
વિશાળ ઝંખનાઓ હૃદયના ખૂણામાં સંગ્રહિત છે
રાત્રિને હવે શમણાંઓનો થાક હોય તેવું લાગે છે.
મોતી સંતાઈ ગયા છે છેક ઊંડે દરિયામાં
પરપોટાથી છીપલા દબાયેલા હોય તેવું લાગે છે.
સૂરજ તો આથમી રહ્યો છે છેક સંધ્યાટાણે
ટમટમતા દીવાને અજવાળાનો થાક હોય તેવું લાગે છે.
