હેરિટેજ સીટી - અમદાવાદ
હેરિટેજ સીટી - અમદાવાદ
મોડી રાતે ઊંઘ આવી ને, સવારે મળી ગઈ આંખો,
કૈં વિધ સપનાં જોયાં ત્યાં તો, મનને લાગી પાંખો !
સ્હેજ સરખા જાણીતા ચહેરા, આવ્યા નજર સામે,
ધીમું હસીને કહેવા મથતા, જાણ્યે ને અજાણ્યે !
"કોણ છો સૌ તમે ?" પૂછી બેઠી હું ભૂલી વિવેક,
અરે ! કાં ન ઓળખ્યા અમને, મળે તું દિન ને રૈન !
"ભૂલી ગઇ બેટા પરદાદાને, રોજ જતી નદી પાર,
એલિસબ્રિજ બંધાવ્યો'તો મેં, હું દાદા હિંમતલાલ !
&
nbsp;
પગે લાગી ત્યાં હું ને, આવ્યાં ઝળઝળિયાં આંખમાં,
ખટાંગ ! કરતો ચીપિયો વાગ્યો, વાગ્યાં ઢોલ-શરણાઇયાં !
"માણેકબુઆ તમે ? તમારી વાતો મેં બહુ સાંભળી,
કેવી રીતે બાંધી તમે, ચટાઇ જાદુઈ તમારી ?"
ખડખડાટ હસ્યાં તેઓ, ત્યાં નોબત મોટી વાગી,
ખુદ બાદશાહ અહમદશાહની આવી લાગી સવારી !
નતમસ્તક થઈને જોઈ રહી'તી હું આ સૌ નઝારો,
અમદાવાદનાં ઘડવૈયાનાં દર્શનનો મળ્યો જે લ્હાવો !
આ શહેરની જાહોજલાલી છે આ વીરોને આભારી,
ફરજ બની છે, આપણાં સૌની, તેને દઈએ વધારી !