હૈયું મારું હરખાય છે
હૈયું મારું હરખાય છે
સ્મરણે આવે ગામડું ત્યાં, આંખ મારી હરખાય છે.
ભોળા મનેખના ભાવ ભાળી, હૈયું મારું હરખાય છે.
છાણ, માટીએ લીંપ્યાં આંગણ, ટોડલિયે ટહુકાર,
મીઠડો રૂડો આવકાર ભાળી, હૈયું મારું હરખાય છે.
વહેલી પરોઢે પ્રભાતિયાના, સૂરો રૂડા રેલાય,
કંચન બેડે પનિહારી ભાળી, હૈયું મારું હરખાય છે.
છાણ વાસીદા, દોહવું, વલોવવું, દળવું, ખાંડવું કેવાં રૂડા કામ !
મંદિર સમી દિવ્યતા ભાળી, હૈયું મારું હરખાય છે.
કૂવા કાંઠે, સીમ શેઢે, પાદર, ખળે માનવ મેળા જામે,
દિલથી દેતાં કૃષક ભાળી, હૈયું મારું હરખાય છે.
રંગે ભર્યાં રૂપાળા ગામડાં, ઉત્સવ રૂડા ઉજવાય,
સાચુકલા માનવ ભાળી, હૈયું મારું હરખાય છે.
આછા ગવન ને કાપડાં જીમ્મીએ, શોભતી ગુર્જર નાર,
કાંબી, કડલાના શણગાર ભાળી, હૈયું મારું હરખાય છે.
સાસુ વહુ ને નણદી મળી કરતાં મીઠી ગોઠડી,
સંયુક્ત કુટુંબ સંગે ભાળી, હૈયું મારું હરખાય છે.
મા ભારતીને દીપાવનારા, દર્પણ રૂડા ગામ,
ઈશ પરોણો બનતો ભાળી, હૈયું મારું હરખાય છે.
