હાહાકાર
હાહાકાર
પ્રેમથી વરસવાને બદલે મેહુલાં,
વરસ્યો તું અનરાધાર,
ચારે બાજુ જળ પ્રલય કરીને,
મચાવ્યો છે તે હાહાકાર...
ખેતરો ધોયા, ગામો ડૂબાડ્યાં
માનવ થયો નિરાધાર,
પશુ પંખી સૌ ગમગીન બનીને,
વહાવે છે અશ્રુની ધાર,
શિક્ષણ અટક્યું, રસ્તાઓ તૂટ્યાં,
વાહનો ફસાયા મઝધાર,
ચારે બાજુ જળ પ્રલય કરીને,
મચાવ્યો છે તે હાહાકાર...
સબૂર કર મારા વ્હાલા મેહુલાં,
તું સમગ્ર સૃષ્ટિનો છો આધાર,
નદીઓ છલકાવી, ગાંડીતૂર બનાવી,
પૂલ અને ઘરો તોડ્યાં અપાર.
અટકાવ તારી આ વિનાશક વૃષ્ટિને,
દયાની જ્યોત પ્રગટાવ,
ચારે બાજુ જળ પ્રલય કરીને,
મચાવ્યો છે તે હાહાકાર...
ગરીબોની રોજી રોટી છીનવી તે,
કરી દીધાં સૌને બેકાર,
ભૂખ્યા-તરસ્યાં ટળવળે છે સૌ,
માનવતાની ધારા તું વહાવ.
કર જોડી વિનંતી કરે છે "મુરલી",
સંકેલી લે તારી માયાજાળ,
ચારે બાજુ જળ પ્રલય કરીને,
મચાવ્યો છે તે હાહાકાર.
