દરિદ્રતા
દરિદ્રતા
નગરનાં ઊંચા મિનારા દેવળે
રાજમહેલે વીજ બિંબ ઝળહળે
ક્ષુબ્ધ ક્ષુધાતુર રિક્ત પેટે બળે,
છેવાડે ગગનચુંબી છે પૂતળાં
તાજિર મિષ્ટ પ્રસાદે રાતળાં
નગરજન ભૂખ્યાં પેટે પાતળાં,
દીવાના દીવાન પાળે સો શ્વાન
શીત સ્નાન જળથી ધોળે વાન
કુમળી કન્યાને પીંખતા હેવાન,
નગરચર્યા રસાલા સંગ રાજા
વાગતાં ઊંચા સૂરે રોજ વાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા,
વજીર પ્રાસાદે પારેવાં પરણે
હજૂરિયા પડતાં સુવર્ણ ચરણે
વેઠિયાં પ્રસ્વેદે શ્યામ વરણે,
નગરનાં ઊંચા મિનારા દેવળે
ખુશામતખોરો શું બેવડા વળે
જ્યાં લાચાર ભૂખે બેવડાં વળે,
રાજમહેલે વીજ બિંબ ઝળહળે
વેદના રંક દિલે ત્યાં ટળવળે
સંવેદનાથી સિંહાસન ખળભળે,
ક્ષુબ્ધ ક્ષુધાતુર રિક્ત પેટે બળે
જાગે જનજન જો ઉદ્ધારક મળે
સ્વબળે ખરી પળે શું નું શું બળે.
