ડર
ડર
શું નથી મારી પાસે ?
પૈસો- સંપતિ
સત્તા-તાકાત
રૂપ-યૌવન
પ્રેમ- સંબંધ
બધું ફરે છે મારી આસપાસ
સુખનાં સિંહાસને બેઠલો હું
તોય કેમ આશંકિત છું ?
દુ:ખ આવીને કેમ ટપલી દાવ કરતું રહે છે ?
સુખ એ મારો ભ્રમ છે ?
હું બેચેન છું
વ્યાકુળ છું
ખાલીખમ છું,
કયો ડર મને સતાવે છે ?
કશુંક તૂટવાનો કે છીનવાઈ જવાનો ?
ના, હું ડરું છું,
મારી જાતથી
ચહેરા પરનું મહોરું હટવાની ચિંતાથી
મારી માસ્ટરી છે,
આખી દુનિયા સાથે સંવાદ સાધવામાં
પણ વાત નથી કરી શકતો સ્વ સાથે
જોઈ નથી શકતો મારી જાતને
કરું છું હું મારી અંદર ડોકિયું
ખરતાં જાય છે આવરણો
ઉઘડતાં જાય છે મારા ક્રૂર રહસ્યો
કંપી ઊઠું છું હું મારું અસલી રૂપ જોઈને,
ખરેખર હું જ છું આ ?
મને શરમ આવે છે મને ઓળખવાની
હટી જશે અંતર ચહેરાં અને મ્હોરા વચ્ચેનું અંતર
આવી જશે નગ્નતા સપાટી પર
વિખેરાઈ જશે સજ્જનતાની જાળ
તેથી જ દુનિયાથી નહીં
ડરું છું ખુદથી.
