ડાળીએ ડાળીએ ફૂટી વસંત
ડાળીએ ડાળીએ ફૂટી વસંત
એક પતંગિયું આવી ને બેઠુ મારા ઝરૂખે,
જાણે વસંતનાં વધામણાની ખબર દઈ ગયું મને,
એક કોયલ આવી મારા આમ્ર વનમાં,
મીઠા ટહુકાથી ખુશીઓ ભરી ગઈ મારા તન મનમાં,
વસંતના આગમનની વધામણી દઈ ગઈ મને,
આ બાગની કળી ફૂલ બની ગઈ,
સુંદર મજાનો સંદેશો દઈ ગઈ,
છોડો બાંધેલી પૂર્વ ગ્રહની ગાંઠ તો સંબંધોમાં મીઠી સુંગંધ પ્રસરાય,
જો ને આ બાગ કેવો મલકાય,
જાણે સ્મિત એની આંખોમાં છલકાય,
ઉદાસીએ મારા હૈયેથી લીધું રાજીનામું,
જ્યારથી વસંતે આપ્યું મારું સરનામું,
આ અતરની શીશી એ કર્યો આપઘાત,
જ્યારથી આ ફૂલો આવ્યા અત્તર બની ઘસી પોતાની જાત,
આ વસંતે ચીતરી સુંદર અનોખી ભાત,
ખોબલે ખોબલે ધરતીને રૂપ આપ્યું,
આજે ખૂબ ખુશ છે જગતનો તાત,
નિસર્ગ એ કર્યો નશો,
આ ડાળીઓ જો ને ઝૂલે શરાબીની જેમ,
ડાળી ડાળી પર ફૂટી વસંત,
એમ કવિનાં હૃદયમાં પણ ફૂટી વસંત,
શબ્દો શબ્દો ફૂટી નીકળ્યા,
લખાઈ ગઈ વસંતની ગઝલ,
જો ને આખું બ્રહ્માંડ છે આજે ખુશીમાં મગન,
કેસૂડે કરી કમાલ,
જાણે વગડે મચાવી ધમાલ,
જાણે વસંતની લઈને આવ્યો છે એ ટપાલ.
