છે ચોમાસાની ભાતું
છે ચોમાસાની ભાતું


કોણ વરસતું? કેમ વરસતું?
એ અચરજ ના સમજાતું
ઝીલ્યું જ્યાં આ ઝરમર ઝરમર
દોટ જ દે ધસમસતું
સોળિયું સગપણ કેમ વલવલતું…ના જ મને સમજાતું (૨)
કોણ ફરફરે હાથ ધરું ત્યાં?
મખમલિયું શરમાળું
મૌસમ છેડે ભાવ ભરીને
કોણ ઝૂમતું ટહુકતું ?…ના જ મને સમજાતું (૨)
કોણ વરસતું બંધ નયનમાં?
છબછબિયે છલકાતું
ભીતર પિપાસા દે સંદેશા
કેમ નભ દીસે મદમાતું?….
ના જ મને સમજાતું (૨)
સાગર લહેરોના સરવાળા
હજુય ગણવા અધૂરાં
કેમ કરીને આ ગણવી ફરફર
કોણ કળશે આ ભોળી વાતું…ના જ મને સમજાતું (૨)
વરસ્યા છો તો થાવ જ રેલો
છે ચોમાસાની ભાતું
લીલું ભીંનું સૌને ગમતું
આજ મને સમજાતું (૨)
કોણ વરસ્યું ? કેમ વરસ્યું ?
ધસમસતું ધખધખતું ..આજ ટહુકતું સમજાતું
કોણ એ મદમાતું (૨)