વાંસળી
વાંસળી
વાંસ લઇને એક નાનો છેદ કરવો છે,
સૂર ઉઠશે તો પ્રણયનો વેદ કરવો છે.
હોઠ પર રાખી જરા હળવે રહી ફૂંકું,
શ્વાસ મારો પ્રેમથી ત્યાં કેદ કરવો છે.
વાટ જોઈને તમારી હું હવે થાકી,
વાંસળીના સૂર રેલી ખેદ કરવો છે.
હું હવે તો ક્યાં રહી છું હું ભળી તુજમાં,
યાદમાં લાવી તને ક્યાં ભેદ કરવો છે!
બંધ આંખે ભીતરે નાખી નજર મારી,
દિલનું ખોલી દ્વાર બસ સંવેદ કરવો છે.