ખેડૂત
ખેડૂત
સજાવે અન્નથી ખેડૂત મારી રોજની થાળી,
કરે છે રાત દિવસ એક એના રક્તને બાળી.
રહે આખો દિવસ એ ખેતરે હો' ટાઢ કે તડકો,
સમયને બાંધતો એના શરીરે એ કમર વાળી.
સહુ ખાતા રહે ખોરાક સુખે ઘરમાં શાંતિથી,
એ ખાતો વૃક્ષના છાંયે હમેશાં મોલને ભાળી.
ભરેલાં પેટ કરશે ઓડકારો એ.સી.માં બેસી,
કરે આરામ એ તો આંગણામાં ઢોલિયો ઢાળી.
પડે પ્રસ્વેદ એનાથી ધરા સીંચે હમેશાં એ,
થયેલા મોલ પર એ સ્નેહ વરસાવે છે પંપાળી.
બધાં અરમાન એનાં હોય ધરતી સંગ જોડાયાં,
છતાં કરતો રહે છે કેમ હત્યા ખુદની કંટાળી.
રહ્યો એ દેશનો આધાર આદિને અનાદિથી,
કરે ખુશહાલ સૌને એ જ સાચો છે જીવનમાળી.
કૃષિના કાયદાઓથી થયો નાખુશ અહીં ખેડૂત,
પડી છે આશ પર એની ઉઠાવો કામળી કાળી.