બુધિયો અને ગાંધીજી
બુધિયો અને ગાંધીજી
બુધિયો ચાલ્યો નિશાળે, ખભે દફતર બાંધી,
રસ્તામાં મળ્યા એને આપણા સૌના ગાંધી.
બુધિયો પૂછે કેમ છો બાપુ ?
આજે એક વાત પૂછું?
બાપુ કહે હા પૂછને બેટા.
બુધિયો કહે તમે તો કેવા નેતા.
વાતો તમારી ચોપડીમાં ઘણી થાય
તે મારાથી પરીક્ષામાં તો ના લખાય.
આખા પાઠો ગોખવા પડે,
નોંધપોથીઓ પણ લખવી પડે.
બાપુ કહે ના..ના... દીકરા,
મારા ઉપદેશ તો ઘણા સહેલા.
હંમેશા સાચું જ બોલાય,
ચોરી તો કદી ન થાય.
અહિંસાના ભણી લો પાઠ,
ને દેશસેવાની વાળો ગાંઠ.
પ્રામાણિકતાના લો કસમ,
સ્વચ્છતાનું દેશને આપો વચન.
આટલું કરશો તો મારુ જીવન સમજાઈ જશે,
તમારું ભવિષ્ય પણ બદલાઈ જશે.
