તમે આવશો, ને….
તમે આવશો, ને….
તમે આવશો, ને અજવાળાં થશે,
પ્રેમનાં બુઝાયેલાં દીપ ઝળહળાં થશે.
તમે આવશો, ને પાનખરમાં વસંત થશે,
હૈયામાં ખુશીની ઊર્મિઓ ફરીથી જવલંત થશે.
તમે આવશો, ને હૃદયમાં કેટલો તે ભવ્ય આનંદ હશે,
કે આપની વધામણીમાં વિશ્વ પણ વિસરાઈ જશે.
તમે આવશો, ને તમારો કેવો તે મીઠો રણકાર હશે,
અહા ! વ્યક્ત કરું હું, પણ શબ્દોય ખૂટી જશે.
તમે આવશો, ને ખિન્ન હૃદયની કેડીઓમાં પગરવ થશે,
જીવતરની સૂકી શાખાઓ પર પ્રણયના કલરવ થશે.
તમે આવશો, ને પ્રિતવર્ષાની એ હેલી આવશે,
કરમાયેલા હોઠોને ફરી એકવાર હસાવશે.
તમે આવશો, ને પ્રણયવૃક્ષો નવપલ્લવિત થશે,
તમારી શોધમાં ભટકતું આ મન હવે એકચિત્ત થશે.
તમે આવશો, ને પથિકને જાણે પંથ મળી જશે,
વિરાહરાત્રીઓ હવે મિલનપુંજમાં ઓગળી જશે.
તમે આવશો, ને એક ધારા જાણે સરિતા થશે,
છૂટી-છૂટી પંક્તિઓ આખરે હવે કવિતા થશે.
તમે આવશો, ને ઉત્સાહના પાર સૌ શિખર થશે,
આ બેદિલ કવિ હવે વર્ષો પછી બેફિકર થશે.
તમે આવશો, ને ઉપવનમાં ઉમંગની બહારો રેલાશે,
હૈયાની શુષ્ક કોતરો હવે ‘પ્રેમનિર્ઝર’થી ઉભરાશે.

