બરડો
બરડો
ગોળ મથાળાં શિખરે આભ છે જેની પાઘ
બરડે પથ્થર ભૂખરાં બેલા બહુ બિન ડાઘ,
કરોડરજ્જુ સમ બરડો ને આભપરા શીશ
નેસડાં જીવતાં આપતાં વળી વેણું આશિષ,
જાંબુવંતી ગુફા ભોં ભૂતામ્બીલીકા અભિલેખ
ધૂમલી મંહી નવલખો મહેલ જેવો આલેખ,
જામ ને રાણા બરડા જોગી જોડિયા ભાઈ
કરમદા આમળા રાયણ જાંબુ નીપજે માઈ,
બિલેશ્વરી જોઘરી નદી નાનકી ઝરણે જાય
ચોટલીયો સાપમાર ગરુડ મીઠાં ગીત ગાય,
વસે વળી મનખો ને નીલગાય ચિંકારા વરૂ
ડુંગરે ઝાઝાં ઝાડી ઝાંખરાં ચરુ મળે અવાવરું,
વસ્તી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ
ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો પેટ,
ગોળ મથાળાં શિખરે આભ છે જેની પાઘ
ભમે વગડે ભેંસો ડાલામથ્થી જાણે વાઘ.
