STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

બિચારો કવિ

બિચારો કવિ

1 min
554

મિત્રો,

આજના સમયમાં કાવ્યનું મહત્વ ઘટતું જાય છે. જે વાચન રસિયાઓ છે તેઓ નવલકથા અથવા અન્ય ગદ્ય વાંચવામાં રસ લેતા હોય છે. ટીવી જોવામાં અથવા કમ્પ્યૂટરમાં સમય પસાર કરતા હોય છે. આવા સમયે જે નિજાનંદ ખાતર કવિતા લખતો હોય એ કવિ તો પોતાની મસ્તીમાં આનંદ લઈ લેતો હોય છે, પરંતુ જેને કવિતા લખીને કંઈક કરવાની તમન્ના હોય તેની દશા દયનીય બની જતી હોય છે. કવિતા લખવી સહેલી નથી. તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, પોતાની જાતને ભૂલી જવી પડે છે. તો ચાલો માણો એક ગંભીર છતાં હસાવતી હઝલ.

આધારેય નિરાધાર બિચારો કવિ,

કરતો રહે વિચાર બિચારો કવિ.


ખુદને ભૂલે ત્યારે માંડ બને કાવ્ય,

આનંદ પામે અપાર બિચારો કવિ.


બનેલી રચના સુઅક્ષરે મઠારે,

મોકલે એને બહાર બિચારો કવિ.


મોકલેલ રચના આવે ઝટ પાછી,

સાભારનો સહે ભાર બિચારો કવિ.


તોયે આ વીરલો હિમ્મત ન હારતો,

ફરીથી ભૂલે સાભાર બિચારો કવિ.


વિચારમાં ડૂબતો, ભાન ભૂલી જતો,

શબ્દ ગોઠવે ધરાર બિચારો કવિ.


કલ્પનાની પાંખે ઊડે આગળ ઘણો,

એમાં ચૂકે રફતાર બિચારો કવિ.


ધ્યાનમુદ્રામાં બેસે, જાણે હોય જોગી,

દિલે ચૂકે ધબકાર બિચારો કવિ.


જઠરાગ્નિ પણ ત્યારે શાંત થૈ જતો,

સ્વપ્ને પામે ઓડકાર બિચારો કવિ.


સંસારમાં હોવા છતાં દેખાય જુદો,

અથડાતો વારંવાર બિચારો કવિ.


રચના પ્રસિદ્ધિ માટે રહે બેચેન,

તોયે પામે ન સ્વીકાર બિચારો કવિ.


મહેફિલની વાતે દોડી જતો ઝટ,

સ્થાન પામવા લાચાર બિચારો કવિ.


કોઈ વળી કદીક આપી દે જો દાદ,

ગણે મોટો ઉપકાર બિચારો કવિ.


ચડે આડો કલ્પનાલોકના મારગે,

તો થૈ જાય હદપાર બિચારો કવિ.


‘સાગર’ ગુજરાનનાં ભલે હો’ સાંસાં,

કાવ્યો મોકલે લગાતાર બિચારો કવિ.


- કદી કવિની તપશ્ચર્યા જો ફળે,

તો સ્વર્ગ મળ્યાનો આનંદ મળે.-


Rate this content
Log in

Similar gujarati poem from Comedy