બદલાતી સુરત
બદલાતી સુરત
વન હતું કેવું નવલું નિરાળું
હરિત હૂંફાળું હોંશ હરિયાળું,
તુલસી આંબા લીલા લીમડા
વડલા પીપળા પીળા ખીજડા,
ચકલી પોપટ મેના મોર
કોકિલ કરતા મધુર શોર,
બંદર સસલા ને શિયાળ
હરણ શ્વાન છે ઓશિયાળ,
કાગે નિમંત્ર્યા બે ત્રણ બાજ
લૂંટવા પારેવાની લૂખી લાજ,
લોમડીએ નોતર્યા દીપડા
વન પધાર્યા પલ્લવ કપડાં,
કાઢી આંબા બાવળ રોપ્યા
તુલસી કાઢી આવળ ચોંપ્યા,
દીપડા રાજા લાવ્યા સંત્રી
બાજ બન્યા ગામના મંત્રી,
સિપાહી નિમાયા ચિત્તા ચાર
નીતિ નિયમના વાગ્યા બાર,
વન બન્યું ભેંકાર વગડો
રોજ સવારે ઊગતો ઝગડો,
બચ્યા એટલા ઉડ્યા પંખી
સૂકાયા તરુવર જળ ઝંખી,
પ્રાણી સર્વે કસાઈ વાડે
અરુણ્ય રુદનથી ગયું ખાડે,
વન હતું કેવું નવલું નિરાળું
થઈ ગયું આજ ઓશિયાળું.