અસમાનતા
અસમાનતા


મેદાને ક્યાંક ડુંગર મોટા તો ક્યાંક ખીણ ઊંડી,
ધનવાન થોડા ને ગરીબ જાજા એ વાત ભૂંડી,
દિકરો જન્મે રાજી ને દીકરી જન્મે થાય દુઃખી,
વિચાર્યું નહિ દિકરો વહુ વગર કેમ થાશે સુખી,
ગામડા થઇ ગયા ઉજ્જડ ને શહેર ભારે ગીચ,
અહીં જન્મે તો ઉચ્ચ કોઈ ત્યાં જન્મે તો નીચ,
મુઠ્ઠીભર લોકોને દરરોજ નાહવા જોઈએ હોજ,
કેટલાયને લોટો પાણી લાવવું લાગે છે બોજ,
કોઈની થાળીમાં વધે બત્રીસ ભાતના ભોજન,
વળી કોઈને દોડવું પડે એક રોટી માટે જોજન,
મળતા નથી ખેતીવાડીનું કામ કરવા મજૂર,
બેકારોની ભીડ લાગી ઓફિસે કરવા જીહજુર,
ગામ નિશાળ ખાલી ને નાના ઉદ્યોગ છે બંધ,
ફાલ્યા મોટા ઉદ્યોગ ને શહેરમાં ભણવા અંધ,
જાત જાતની ખાઈ થાય છે દિવસ રાત મોટી,
રામબાણ ઈલાજની કોઈ ધ્યાનમાં નથી ગોટી.