આવ્યાં છે
આવ્યાં છે
કસોટી કાળ પૂરો થયે, પ્રગટે ભગવાન જેમ,
મારા જીવનમાં એ સનમ તમે, આવી ગયા છો તેમ
આવી ગયા છો તેમ...
સૂકી ધરા પર મેઘ અનરાધાર આવ્યાં છે
જાણે ભક્તને મળવા સ્વયં કિરતાર આવ્યાં છે...
હજુ પણ આંખ પર મારી મને વિશ્વાસ ના થતો
હકીકત છે, ભ્રમ છે આ, કે છે ફક્ત યાદો...
જાણે સ્વપ્ન મારા થતા બધા સાકાર આવ્યાં છે
જાણે ભક્તને મળવા સ્વયં કિરતાર આવ્યાં છે...
તમારા આગમનથી જગ આ આખું જળહળા થાતું
તમારા તનની ખુશ્બુ છે કે અત્તર મદમાતું ...
ભરી લો શ્વાસમાં સોડમ, સુગંધના દાતાર આવ્યાં છે,
જાણે ભક્તને મળવા સ્વયં કિરતાર આવ્યાં છે...
જરા સરખા પણ સ્પર્શથી છૂટે છે કંપારી,
ગમે છે પણ ના સહેવાય, છે એવી સ્થિતિ મારી...
મારી પ્રતીક્ષા દેવા પુરસ્કાર આવ્યાં છે,
જાણે ભક્તને મળવા સ્વયં કિરતાર આવ્યાં છે...
સૂકી ધરા પર મેઘ અનરાધાર આવ્યાં છે,
જાણે ભક્તને મળવા સ્વયં કિરતાર આવ્યાં છે.