યાદ રાધા આવશે
યાદ રાધા આવશે
હોઠ ધરશે વાંસળી તો યાદ રાધા આવશે,
ઓઢશે જો કામળી તો યાદ રાધા આવશે,
લાખ કાગળ વાંચતા પણ યાદ ના આવી તને,
વાંચશે જો આંખડી તો યાદ રાધા આવશે,
રોજ સુંદર વાધ્ય વાગે દ્વારકાનાં મંદિરે,
પણ રણકશે ઝાંઝરી તો યાદ રાધા આવશે,
સ્વર્ણનાં સિંહાસને બેસે ભલે એ રોજ પણ,
બેસશે જો ડાળખી તો યાદ રાધા આવશે,
રાજપથ પર ચાલતા ઠોકર કદી વાગે નહીં,
વાગશે જો કાંકરી તો યાદ રાધા આવશે.