આંગળી
આંગળી
આંગળા ચાટ્યે પેટ ન ભરાય એટલે અંગુઠો લીધો
હથેળી, તળિયાને અંગુષ્ઠ દીકરો એક ખોટનો દીધો,
આંગળી ચીંધવાનું પુણ્ય મળે એટલે છે દીકરી ચાર
તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા નાની નાર,
અંગુઠો બતાવવાનો માણસે કર્યો શાને આવિષ્કાર
સીધી આંગળીએ ઘી નીકળે તો કોઈ ના રહે બેકાર,
આંગળી દેતાં પહોંચો પકડી લ્યે એવો છે એ ગળેપડુ
પાંચેય આંગળીએ દેવ પૂજ્યા ને મળ્યું નખનું કપડું,
આંગળીથી નખ વેગળા રહે, પાંચે ય આંગળી ઘીમાં
આંગળીના વેઢે ગણાય એટલાં થોડાં છે સત્કર્મ ધીમા,
આંગળી કરવાની પહેલીથી છે બુરી ટેવ ને હાયહોય
જવા દ્યો ભાઈ કાંઈ પાંચે ય આંગળી સરખી ન હોય,
આંગળા ચાટ્યે પેટ ન ભરાય એટલે અંગુઠો લીધો
એકલવ્યે દાનમાં અંગુઠા છાપને રાજ્ય મુગટ દીધો.
