30 જાન્યુઆરી
30 જાન્યુઆરી
"હે રામ"
એ આશ્રમમાં પ્રવેશ છે, એક ઈચ્છા મનમાં લઈને,
ઈચ્છા છે બાપુનું ચિત્ર બનાવવાની, હા એક ચિત્રકાર છે.
બ્રશ અને રંગો લઈને એ તૈયાર બેઠો છે,
સાંજ ઢળી રહી છે, એ વિચારે છે,
હમણાં બાપુ આવશે પ્રાર્થના માટે..
એણે જોયું બાપુ આવી રહ્યાં છે,
બધા એમને અનુસરતા પાછળ આવી રહ્યાં છે.
એ બ્રશ હાથમાં લે છે, અરે.......
મારી અને બાપુને વચ્ચે આ કોણ આવી ગયું ?
એ મનમાં જ ધુંધવાય છે.
ફરી એ નજર કરે છે...
એણે ગોઠવેલા સફેદ કેનવાસ પર.
ત્યાં, અચાનક જ ધાંય.. ધાંય.. ધાંય...
અવાજ સંભળાય છે.
એના હાથમાંથી બ્રશ, કલર ટ્રે, છૂટી જાય છે
અને ઊડીને પડે છે સામેના કેનવાસ પર.
અને.... સફેદ કેનવાસ પર
છવાઈ જાય છે એક લાલ ધાબુ.
હું તો લાલ રંગ લાવ્યો જ નહોતો...
એ વિચારે છે અને બોલી ઊઠે છે,
"હે રામ ! "
