Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Classics Inspirational

2.5  

Medha Antani

Classics Inspirational

યંગસ્ટાર્સ ક્લબ

યંગસ્ટાર્સ ક્લબ

5 mins
21.7K


"અકેલે..એ..અકે..લે..એ...એ..કહાઁ જા રહે હો..રહે..હો..રહે હો...ઓ.."

કિરીટભાઈએ લલકારવાનું હજુ શરૂ જ કર્યું હશે ત્યાં ડોરબેલ વાગી. ગાતાં ગાતાં જ એમણે ઈશારો કર્યો, એટલે પચ્ચીસ જણાના ધરખમ હાઉસફૂલ ઓડીયન્સમાંથી કોઈકે ધીરેથી ઊઠીને બારણું ખોલ્યું. ઊદય અને અસ્મિ સૌ તરફ અછડતી નજર નાખી, ઔપચારિક આછું પાતળું સ્મિત આપી પોતાના રૂમમાં ચાલ્યાં ગયાં.

રૂમનું બારણું બંધ કરતાં જ ઊદય બબડ્યો: "આ પપ્પા અને એનું યંગસ્ટાર્સ ક્લબ. આમાંનાં એકેય યંગ છે?કે છે કોઈ સ્ટાર લેવલના? પણ કરાઓકે ક્લબ તો એવી રીતે ઊભું કર્યું છે, જાણે જિંદગી આખી આ લોકોએ જ ફિલ્મમાં ગીતો ગાયાં હોય. દર મહિનાની આ હથોડાછાપ લપ..."

અસ્મિ મેકઅપ રીમૂવ કરતાં કરતાં બોલી: "એ જ તો, અને હાજરી ફુલ હોય. કોઈ ચૂકી જાય એવું ય ન બને. એકાદ વારનું હોય તો સમજ્યા, પણ આ દર વખતનું, એ પણ આપણે જ ઘેર... અનફેર! આ બધાંનું ડીનર, મોડી રાત માટે ચા નાસ્તા, સાઉન્ડ માઈકની વ્યવસ્થા, હોલનું ફર્નિચર ખસેડવું, આ બધું અઘરું પડે. તું શું માને છે ?આ બધાંય ગાવા આવે છે? નોટ એટ ઓલ. ફ્રીમાં પાર્ટી કોને ન ગમે? આજની જ વાત લે ને. આજે આપણે પણ બહાર એક પાર્ટી એટેન્ડ કરવા જવું જ પડે એમ હતું, તો પપ્પાજીએ એક દિવસ પાછો ન ઠેલાય આ વિવિધ ભારતીકા ગાનમંજરી કાર્યક્રમ? હું ય ડીનરમાં મદદ કરાવી શકત. પણ ન જ માન્યા ને. પપ્પાજી શુડ હેવ કમ વીથ અસ ટુ સ્ટે. ત્યાં કૃતિ પણ સચવાઈ જાય. અને એ તો..."

આગળનું વાક્ય બહારનાં માઈકના અવાજમાં દબાઈ ગયું. બહારથી એંશી વર્ષનાં સરયૂબેનનો બોખો અને બેસૂરો અવાજ આવ્યો. કરાઓકે ટ્રેક અને એમનાં સૂરોના ટ્રેક અને સ્પીડ મેચ જ નહતા થતા.

ઊદયે અસ્મિ સામે જોઈને આંખથી ઈશારો કર્યો... "આ જો."

અસ્મિ જવાબમાં બોલી: "ગ્રુપની 'લતા મંગેશકર..!' પાછું ગીત તો જો... કેવું અઘરું સીલેક્ટ કર્યું ?! 'આપકી નઝરોંને સમજા'... એમને પોતાને ખ્યાલ નહીં આવતો હોય, કે પોતે સૂરમાં ય નથી અને ટ્રેક સાથે મેળમાંય નથી? પાછું તાળીઓય પડશે જોજે હમણાં..."

અને એવું જ થયું. ટ્રેક વહેલો પૂરો થઇ ગયો અને ગીત ડગુમગુ કરતું પછીથી.. ને છતાંય ઓડીયન્સે વન્સ મોર... વન્સ મોરના નારા લગાવ્યા.

અંદર ઊદય અને અસ્મિએ એકબીજા સામે હાથથી પ્રશ્નાર્થનો સાંકેતિક લટકો કર્યો... વન્સ મોર? અને દબાયેલું હસી પડ્યાં. પાર્ટીનો થાક ઊતારવા ઊદય હેડફોન લઈ લેપટોપમાં જોતરાઈ ગયો અને અસ્મિ પોતાનો હેડફોન લઈ નેટફ્લિક્સ જોવા બેઠી.

દર મહિનાનો આ ક્રમ. કિરીટભાઈનું લાકડી - ચશ્માં - ચોકઠાંવાળું યંગસ્ટાર્સ ક્લબ એમને ઘેર એકઠું થાય જેમાં ધર્મેન્દર, દીલીપકુમારો, કે.એન. સાયગલો, નંદા, કાનનબાલાઓ, નરગીસો સમયથી વહેલાં સજીધજીને પહોંચી ગયાં હોય. અને કરાઓકે શરૂ થતાં જ આ બધાંની અંદર એકાએક રફી, હેમંત, તલત, મુકેશ, શમશાદ, નૂરજહાં, આત્માઓ પ્રવેશી જાય.

આ વખતે ઊદય અને અસ્મિ દિલ્હીથી બે ચાર દિવસ માટે આવેલાં એટલે આ તાનસેનોના ગીતોમાં ગુલતાન થવાનો લાભ મળ્યો. જો કે આવું તો અનેકવાર સાંભળવા એમના કાન ટેવાયેલા હોઈ આ બધાંની ગાયકીથી બન્ને બેભાન ન થયાં.

 રાતે લગભગ અગિયાર વાગે "યંગસ્ટાર્સે" પરાણે ઇન્ટરવલનું વિચાર્યું એટલે બન્ને રૂમમાંથી બહાર આવ્યાં. અસ્મિ કીચનમાં જઈ પોસ્ટડીનર ટી-કોફી એન્ડ ટીટબીટ્સની વ્યવસ્થામાં લાગી ગઈ અને ઊદય સહુ સાથે ખપ પૂરતા હાય...હલ્લોમાં.

"‎...અસ્મિ... આઠ કપ ચા શુગરફ્રી બનાવજે, ડાયાબિટીસવાળા માટે અને પાંચ કોફી... એમાં બે માઈલ્ડ.અને મારી ગ્રીન ટી. મારે તો ડાયાબિટીસ, ને... પાછું ગયા મહિને સ્ટેન્ટ મૂકાવ્યો છે. "ધનસુખભાઈ બહારથી ઓર્ડરો છોડતા હતા.

અસ્મિ હોંકારો દેવા જાય ત્યાં તો અવંતિકા બેન ગુસ્સામાં બરાડ્યાં: "આમ ન ચાલે હોં મધુભાઈ... તમે આ વખતે ત્રણ ગીતો ગાઈ નાખ્યાં. તમે જ ગાયા કરો તો બીજાને ચાન્સ ક્યાંથી મળે? મેં અને રેખાબેને "ગોરે ગોરે બાંકે છોરે .."ની કેટલી પ્રેક્ટીસ કરી છે. અમારો તો વારો જ તમે ખાઈ ગયા. કિરીટભાઈ, ક્લબના રુલ્સ સરખા સમજાવી દો આમને."

અસ્મિએ કિચનમાંથી કાન અને ડોકું તાણીને ઉકળતી ચામાંથી હોલ ભણી ધ્યાન કેન્દ્રિત કર્યું.

"આ લે લે... તો આ લોકોના રૂલ્સ પણ છે?એન્ડ ઓ..માય..માય..!શી ઈઝ ઈન પલાઝો એન્ડ વારલી પેઈન્ટિંગ કુર્તી..! વીથ વેઇસ્ટલોંગ બીડનેકલેસ.!!?અવંતિકા આન્ટીએ તો ફેશનને આંટી દીધી."

બહાર થોડી ધાંધલ મચી ગઈ.

કિરીટભાઈ પ્રમુખશ્રીની અદાથી ઊભા થઈ સમજાવવા લાગ્યા.

"જુઓ... આ ક્લબ આપણે સ્વમનોરંજન અને નીજાનંદ માટે બનાવ્યું છે, નહીં કે, આવા ઝઘડા માટે. આપણો નિયમ છે, કે દરેકને ફાળે બે જ ગીતો આવશે. મધુભાઈ, આ વખતે તો મેં મારુ એક ગીત ઘટાડી દીધું, કેમકે તમે ત્રણ ગાઈ નાખ્યાં. પણ હવેથી આવું ઉલ્લંઘન નહીં ચલાવી લેવામાં આવે... અવંતિકાબેન, ઇન્ટરવલ પછી તમારો વારો. અને હા..તમે ગાજો અને હું ને મધુભાઈ બેય બાંકા છોરાઓ, એ ગીત પર ડાન્સ કરીશું..." અને પચીસ બોખાં મોઢાંઓ હસી પડ્યાં.

પાંચ મીનીટનો ઈન્ટરવલ પચીસ મીનીટે પુરો થયો. વાયદા મુજબ ગોરે ગોરે બાંકે છોરેના ટ્રેકવાળી પેનડ્રાઈવ લગાવી.પણ ખબર નહીં કેમ ટ્રેક સ્ટાર્ટ જ ન થયો. દસેક મિનીટ બાદ સ્ટાર્ટ તો થયો પણ સ્પીકરના આઉટપુટ વાયરમાં ગરબડ શરૂ થઇ. સાઊન્ડ ગાયબ. હવે?

ટેકનોલોજી અને મોબાઈલ બાબતે તો આ સમૂહ બાળક કરતાં પણ".ઢ."હતો.ઘણાં પ્રયત્નો કર્યા. એ લોકોની લાચારી જોઈ ,છેવટે ઊદયે પોતાના મોબાઈલથી ઓનલાઈન ટ્રેક વગાડવાની કોશીશ કરી પણ બેય પક્ષે ફાવટ ન આવી.ભારે મથામણ કરી, પણ વ્યર્થ. 

"શો"નો ટેમ્પો જતો રહ્યો અને "આર્ટીસ્ટો"નો મૂડ પણ... રાત પણ ઘણી થઈ હોવાથી નિરાશ વદને, કમને બધાં વીખેરાઈ ગયાં.

‎લોકોના ગયા પછી કિરીટભાઈ વાયર પકડીને બબડાટ સાથે એકલે હાથે ગડમથલ કરતા રહ્યા.કામ આટોપી અસ્મિ ઊદય સાથે રૂમમાં ચાલી ગઈ.

‎પથારી પર લંબાવતાં બન્ને વિચારતાં હતાં. ઊદય ધીમેથી બોલ્યો: "મેં માર્ક કર્યું. આ બધા જ વડીલો એકલા છે. મમ્મીના ગયા પછી પપ્પા એકલા... અને મારી ને તારી જોબને લીધે આપણેય દિલ્હી જ છીએ ને... પપ્પાની સાથે તો નથી જ, રાજેન્દ્ર અંકલ અને વીણાઆંટીના બન્ને દીકરાઓ ફોરેન છે એટલે એ એકલાં, અવંતિકા આંટીની દીકરી સાસરે એટલે એ પણ એકલાં, પણ છતાં એ લોકોએ પોતાનો સ્પિરીટ કેવો ટકાવી રાખ્યો છે ! આપણને ક્યારેય ફરિયાદ કરી હોય કે પોતાની એકલતા, અસહાયપણાની આડ લઈ આપણા જીવનની ઉડાનને રોકવાનો, પોતાની જાત સાથે બાંધી રાખવાનો પ્રયાસ કર્યો હોય એવું ક્યારેય થવા નથી દીધું..."

અસ્મિ સાઈડલેમ્પ ચાલુ કરી બેઠી થઈ. "વાત તો સાચી. અને આપણે? આપણી મદદ માટે, ગ્રાન્ડચાઇલ્ડ હેન્ડલીન્ગ પર્પઝ માટે આપણી સાથે રહેવાનો આગ્રહ રાખતાં હતાં. પહેલીવાર મને પણ આજે લાગ્યું કે, ઘણા લાંબા સમય પછી એ લોકો, આ ઊંમરે પોતાના માટે જ, પોતાની ગમતી રીતે જીવવા રાજી થયાં છે અને એકઠા પણ. ફ્રીની પાર્ટી કરતાં ફ્રી ટાઈમ ફનટાઈમ એમના રસની વસ્તુ છે... જો ને, ગાવામાં કોઈ જ ભલીવાર નથી તોય કેવાં એકબીજાને એપ્રીશીયેટ કરીને આનંદ લે છે? આ ગાવાનું એમને માટે વેન્ટ અપ થવા જેવું છે. એટલે જ વાયરની તકલીફ પડી તો બધાં કેવાં નાનાં બચ્ચાંની જેમ મૂડલેસ થઈ ગયાં. ખાલી રડવાનું જ બાકી રાખ્યું હતું..."

"હમમ... ગોન આર ધ ટેમ્પલ એન્ડ સતસંગ ડેઝ અસ્મિ... નાઉ વી હેવ ટુ ગેટ રેડી ફોર અવર પેરન્ટસ ન્યુ પેટર્ન ઓફ સતસંગ... ગાઓ, ખાઓ, મીલોજુલો, મસ્ત રહો, ઔર બચ્ચોં કો અપની જિંદગી જીને દો." અને બેય હસી પડ્યાં.

બીજે દિવસે સાંજે ઊદય કિરીટભાઈને બધું શીખવવા સમજાવવા બેઠો, પોતે લાવેલ ન્યૂ બ્રાન્ડ કરાઓકે સિસ્ટમ વીથ સરાઉન્ડ સાઊન્ડ સ્પીકર્સ, એડીશનલ સાઊન્ડ એમ્પલીફાયર એન્ડ રેકોર્ડર અને બે કોર્ડલેસ માઈકના ઓપરેટિંગ ફિચર્સને અને ખાસ નવું બનાવેલ, "યંગસ્ટાર્સ ક્લબ" લખેલું બેનર આવતા મહિનાના કાર્યક્રમ માટે ક્યાં લગાવવું એ પણ.


Rate this content
Log in

Similar gujarati story from Classics