વિષ્ણુવ્રતનું ભાગ્ય
વિષ્ણુવ્રતનું ભાગ્ય
સમય યંત્રની રેતીએ ક્ષણો મપાતી હતો. એ સમય જ એવો હતો કે ઘડિયાળના કાંટાની શોધ જ નહોતી થઈ. રાજ વૈદ્યે મહારાજના શ્વાસને આ સમયયંત્રના એક ચક્રનો સમય આપ્યો હતો. આ એક પ્રહરમાં બે રાજકુમાર પૈકી કોણ યુવરાજ અને મહારાજના સ્વર્ગવાસ પછી રાજ્યના નવા રાજા કોણ બનશે એ નક્કી થવાનું હતું. રાજકુમાર કરતાં પણ રાણીઓ વચ્ચેની હોડ વધુ હતી. ત્રણ રાણી અને એમાંથી બે ને પરાક્રમી રાજકુમારો, અને એક રાણીને સુંદર ચતુર અને મહા પરાક્રમી રાજકુમારી.
સમય યંત્રમાં જેમ રેતી સરકસતી જતી હતી એમ એમ મહારાજના શ્વાસ એમનાં શરીરમાંથી સરકી રહયા હતા. પ્રહર પતે ત્યાં સુધીમાં રાજનીતિએ જોર પકડી લીધું. બંને રાણી પોતાના ખાસ વ્યક્તિઓને સાથે લઈને જૂથ પડાવી રહી હતી. સામાન્ય પ્રજાના આગેવાનો પાસેથી પણ પરોક્ષ પસંદગી જાણી લેતી હતી, રાજકુમારો પોતાના વર્ચસ્વથી સૈન્યને વહેંચી રહયા હતા, સામર્થ્ય ભેગું કરી રહયા હતા. ટૂંકમાં મહારાજના જવાની રાહ જોવાતી હતી એ દરમ્યાન દરેક પોતાનો સ્વાર્થ સાધી વધુ શક્તિશાળી બનવા થનગની રહયા હતા. આ વાતથી મહામંત્રી પણ અજાણ નહોતા, પણ રાજકુમારને કહેવા કે ટોકવા એ તૈયાર નહોતા.
>અચાનક મહારાજે મહામંત્રીને બોલાવ્યા, એમનો શયનકક્ષ ખાલી કરાવ્યો અને એકલતામાં મહામંત્રી સાથે ચર્ચા કરીને પત્ર લખવ્યો, જેના પર મહારાજે રાજવૈદ્ય અને રાજ પુરોહિતની હાજરીમાં હસ્તાક્ષર કર્યા. અને અચાનક થોડી જ ક્ષણોમાં સમયયંત્ર અટકી ગયું. રેતીનો એક મોટો કણ આડો આવ્યો અને... સમય યંત્ર અટકી પડ્યું પણ સમય નહીં, મહારાજ સ્વર્ગે સિધાવ્યા. બે રાજકુમારો વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો ત્યારે મહામંત્રી એ મહારાજના છેલ્લા આદેશરૂપ પત્રનું વાંચન કર્યું. સત્તા અને સુરક્ષા રાજકુમારીને સોંપાઈ, રાજકુમારીને જાણ થતાંજ પહેલો આદેશ આપ્યો કે જેને મહારાજના અંતિમ સમયમાં સત્તા માટે ષડયંત્ર શરૂ કર્યા હતા એ દરેકને એક પ્રહર પછી મૃત્યુદંડ મળે. અને જીવતદાન માટે એજ સમય યંત્રનો ઉપયોગ થાય, જે રાજાના અંતિમ ક્ષણે ઉપયોગમાં લેવાયી હતી.
રાજકુમારો, સેનાપતી અને રાજઆગેવાનો જે કોઈ રાજ્ય હડપવામાં સક્રિય હતા એ દરેકને હવે એક જ આહ હતી કે રેતોનો કણ સમય યંત્ર માં આડો ફસાય અને... પણ ફસાયો નહીં અને સમય યંત્રએ રાજ્યનું ભાગ્ય નક્કી કર્યું.
એ રાજ્ય એટલે પુરાતનકાળનું સમૃદ્ધ રાજ્ય વિષ્ણુવ્રત.