"વિસરાતું માતૃત્વ... દૂધનું કર્જ "
"વિસરાતું માતૃત્વ... દૂધનું કર્જ "
વહેલી સવારે સુર્યના કિરણો ફેલાઈ તે પહેલાં મોબાઈલ રીંગનાં સૂરીલા સ્વરો ફેલાઈ ગયાં. ઉગતી પરોઢે કોણ હશે ? નાં પ્રશ્ન સાથે મેં એક વેધક નજર મોબાઈલના ટચુકડા પડદે કરી. "દૂધવાળા બહેન" નો ફોન હતો.
હાલો..!!
બહેન : આજે દૂધ લેવાં ન આવતાં "વાછડું ધાવી ગ્યું છે".
ઉંઘમાં મારા મુખ પરથી "ભલે" એટલો જ શબ્દ સરી પડ્યો.
ઉપરોક્ત સંવાદ મેં પથારીમાં અર્ધજાગ્રત અવસ્થામાં રહેલી મારી અર્ધાંગનીને કહી સંભળાવી.
રસોઈપ્રધાનને રસોડામાં વહેલી સવારે કટોકટી લાદતો શબ્દ એટલે " દૂધ ".
નાના મગજમાં સતત તરતું વિચારોનું હુડકું 'ચા' નામનાં પેટ્રોલથી ચાલે છે. પેટ્રોલ વિના મધદરિયે જેમ હોડી થીજી જાય તેમ સવારમાં ચા વગર વિચારો પણ થીજી જાય.
દૂધ ખલાસ થાય તે પહેલાં, ...ફટાફટ દૂધની ડેરીએ પહોંચો.! તૈયાર થવાનું નથી...!! (જૂનાં જમાનામાં જેમ મશીનમાંથી ઇમરજન્સી તાર ઉતરે તેમ પથારીમાંથી મારાં માટે અવાજરૂપી સંદેશો ઉતર્યો.)
રાત્રે અકળાવતી ગરમીને કારણે આખી રાત પડખું ઘસ્યું. માથું આમથી તેમ અફળાતાં વાળ અને ઓશિકા વચ્ચે દંન્દ્રયુદ્ધ ફાટી નીકળ્યું. યુધ્ધને કારણે બદલાની આગમાં માથાં ઉપરનાં વાળ ક્રોધે ભરાયને શાહુડીની પીંછી જેવા થઈ ગયેલાં. મોબાઈલનાં વોટસએપ પર ફુલકાજળી જેવું જાગરણ કરી બંન્ને આંખો ડગમગતી હતી. હોઠનાં કમાડમાં બંધ જીભ અને દાંત હજુ પણ ઉંઘમાં હતાં, તેમને ભાનમાં લેવાં બ્રશ વડે કોલગેટનો ડોઝ આપું તે પહેલાં જ મારા અર્ધ જાગેલા કાને ઉપર મુજબનો હુકમ અથડાયો.
હંમેશની ટેવ મુજબ દર્પણ પર એક નજર ફેંકી. ગુસ્સે ભરાયેલ વાળને કાંસકાથી પંપાળવાની કોશિશ કરું તે પહેલાં જ હુકમનું બાણ ફરી છૂટયું . ત્રીજો મેમો મળે અને દિવસ આખો ટર્મીનેટ થાય તે પહેલાં હું રૂમમાંથી ભાગી છૂટ્યો.
પાંચ દિવસ બાદ રવિવારનાં રોજ, વહેલી સવારે ફોનમાં ઉપર મુજબની હકીકત બીજીવાર બની.
"વાછડું ધાવી ગ્યું. '.
મારાં હ્ર્દયમાં "વાછડું ધાવી ગ્યું." શબ્દ એ ગહેરી અસર પહોંચાડી. રવિવારની રજા એટલે ફુરસદનો દિવસ. નાનું મગજ વિચારોનાં વમળમાં ફસાઈ ગયું.
"વાછડું ધાવી ગ્યું ત્યારે... "દૂધ ન મળ્યું"
ત્યાર બાદ અને પહેલા.. "દૂધ મળતું રહયું."
એનો મતલબ એ થયો કે "દૂધ મળતું રહયું" એ દિવસમાં નાના વાછરડાંનાં ભાગનું દૂધ આપણે "છીનવી લીધું" એ વાત પૂરવાર થઈ ગઈ.
બાળક ગણાતું વાછરડું તેની માતાનું અડધું પડઘું દૂધ પીવે છે અને બાકીનું દૂધ તે જ દિવસે માણસ નામનું પ્રાણી ગટગટાવી જાય છે. એ બાબતનો કુદરતની દ્રષ્ટિએ ન્યાય તોળીએ તો, સંસારમાં ગાયને "ગાયમાતા" નું બિરુદ પ્રાપ્ત થયું તે યથાર્થ છે. ભલે ગાય માનવીની જન્મદાતા બનતી નથી. પરંતુ માનવીને માથે દૂધનું કર્જ તો રહેશે જ કારણ શરીરમાં દૂધ બનવા માટે શરીરના અંશ અને લોહી રેડાઈ છે તેનું મૂલ્ય પૈસા કરતાં હજાર ગણું કિંમતી છે.
સૌરાષ્ટ્રમાં તો મહેમાનગતિનું પીણું જ ચા છે. ઑફિસમાં આખા દીવસમાં ચાર વાર ચાનાં ઘૂંટડા ભરાઈ છે. રઘા ભરવાડની ચા વગર ચેન પડતું નથી. પેટ્રોલ બાળીને પણ ચાની લત પૂરી થાય. ચોખ્ખા ઘીનાં લાડું આરોગી ગોળમટોળ ફાંદ બનાવી સુખેથી ભરબપોરે નસકોરાં બોલે છે. લગ્ન પ્રસંગ કે હોટલમાં બે હાથે માવા મીઠાઈ, રબડી, લચ્છી, છાસ, બાસુંદી
આરોગતાં પણ પેટ ભરાતું નથી.
કદાચ એવું પણ બને કે બજારની ચામાં નકલી દૂધ વપરાતું હોય કે નકલી મીઠાઈ મળતી હોય, તો તેમાં દૂધનું કર્જ બંધાતું નથી.
મને તો લાગે છે કે વર્તમાનમાં માણસ બધું નકલી ખાઇ ખાઇને ભાવહીન, લાગણીહીન અને દિશાહીન થઈ નકલી બન્યો છે. આજથી પચાસ વર્ષ પહેલાં આવી પરિસ્થિતી ન હતી. શેરીનું કુતરું રોડ પર ચગદાઈ જતું તો એક દિવસ ખાવાનું ભાવતું નહીં, તેવો પ્રેમ અને લાગણી હતી. જ્યારે અત્યારે માનવીનાં રોડ ઉપર પિલાઈ જવાની ઘટનાં સમાજ દશ દિવસમાં ભૂલી જાય છે.
બાળક માટે માતાના દૂધનું મહત્ત્વ કેટલું છે તે આપ સૌ જાણો છો. દરેકનાં જીવનમાં માતાનું ૠણ રહે છે. ઝિંદગીની સફરમાં ક્યારેક ઝુંટવેલા દૂધની ચા પીવાઈ ગઈ હશે. આપણાં ઉપર ગાયમાતાનું ઋણ લાગતું જ હશે. ગાય દૂધ આપતી બંધ થાય ત્યારે તેની શી હાલત થાય છે તે જોવા સંસારમાં એક નજર દોડાવજો.
પરંતુ, અત્યારે આ ઋણ, ઉપકાર અને અહેસાનનો બદલો વાળવાનું ઈન્સાન ભૂલી ગયો. સંસારની અત્યારે બગડતી હાલત કેવી છે...!
જુઓ, એક માતા વૃધ્ધાશ્રમમાં અને બીજી પાંજરાપોળમાં બન્ને દુઃખનાં આંસુ સારી રહી છે...!!
માતૃત્વનું ઋણ અદા કરવાનો હજુ પણ સમય છે, સાચવી લો. ફક્ત વર્ષમાં એકવાર તમારા જન્મદિવસ કે વડીલોની પુણ્યતિથિએ તમારી યથાશક્તિએ દાન આપવા માટે બન્ને જગ્યાની મુલાકાત લેજો અને તમારી આંખોથી તેમની આંખોમાં ઝાંખવાની કોશિશ કરજો. તમારા આગમનથી તેનાં
ચહેરા અને આંખોમાં ખુશીની ચમક દેખાશે.
ફક્ત ત્રણ સેકંડ ઉઠેલી ખુશીની એ ચમક એકસરે કિરણો જેવી છે. જે તમારા શરીરમાં પેસી નકારાત્મક ઉર્જા ખતમ કરી તમારી નસેનસમાં ફરવા લાગશે. જીવનમાં જ્યારે દુઃખનો પ્રસંગ આવશે ત્યારે કોઈ અગમ્ય શક્તિ તમને બચાવતી હોવાનો તમે ખુદ અનુભવ કરશો.
ઘણાં પ્રસંગે સંસારમાં માનવી બોલે જ છે ને :
" બચી ગ્યાં હો, ગઇઢાનાં પૂણ્ય આડાં આવ્યાં "
✍️ લવજીભાઈ વી. મકવાણા
