માનવીને પાંખ હોત તો
માનવીને પાંખ હોત તો
શેરીનું દૃશ્ય :
રમીલા ભાભી ઝરુખે ઊભા રહી (મોટા અવાજે) : એ..રસીલાબેન મારો મોન્ટુ અને બીજા શેરીના છોકરાં ક્યાંય દેખાતાં નથી.
રસીલાબેન (આંગણાના ઓટા પર શાકભાજી સમારતા) : એ..., સામે છગનબાપાના લીમડે બેઠાં. હમણાં જ મેં મારા બકુને મોબાઈલ આપ્યો અને કડક સૂચના આપી કે લીમડા ઉપર બેસીને બધા વારાફરતી મોબાઈલમાં ગેમ રમજો. ઊડીને દૂર ક્યાંય જવાનું નથી.
રમીલા ભાભી : સારું, જરા મોન્ટુ ઉપર થોડી નજર રાખશો.
રસીલાબેન : કેમ શું થયું ?
રમીલા ભાભી : આ જુઓને દીનિયા દરજીએ મારા મોન્ટુનાં બેય શર્ટમાં પાંખનાં બાયની ગોળાઈ ટૂંકી અને હાથની મોટી કરી નાખી છે, તો અડધી પાંખ બાંયમાંથી નિકળતી નથી. શર્ટમાં દબાય છે તો ઊડવામાં તકલીફ પડે છે. અત્યારે એક શર્ટ તેને પહેર્યો છે અને બીજો હું દીનિયા પાસે સરખો કરવાં જવું છું. એટલું બોલી રમીલા ભાભી ઝરૂખેથી ઊડે છે.
અડધો કલાક પછી,
રસીલાબેનનાં આંગણે ચાર ચોટલાની મિટિંગ જામી છે, રસીલાબેન, સુશીલાબેન, કોકિલાબેન અને મંજુલાબેન પરસ્પર કંઈક ગુસપુસ કરતાં હોય છે, ત્યારે જ રમીલા ભાભી પાંખો સંકોરી બધાં વચ્ચે ઉતરે છે.
રમીલા ભાભી (હાંફતાં હાંફતાં) : હાય.. હાય.. સાંભળો બજારમાં બબાલ થઈ. આપણા ગામના જીવણનો લાલિયો ખરોને તેની પાંખો બાંધી જાળમાં લપેટી ચાર પોલીસ આકાશ માર્ગે ઊડી ગઈ.
સુશીલાબેન : અરર.. લાલિયાએ શું કર્યું ?
રમીલા ભાભી : ગામનાં છેડાનાં મકાનમાં રહેતી પેલી રંભલીની જુવાન છોકરી લીલકીની છેડતી કરી.
રસીલાબેન : લીલકી કંઈ ઓછી નથી, એકલી એકલી છેક સીમમાં ખરાં બપોરે ઊડતી હોય, ત્યાં શું એની ડોશીનો ડાબલો દાટ્યો હશે.
રમીલા ભાભી : હા, ગામનાં લોકો વાતો કરે છે કે સીમમાં એકલી હતી ત્યારે જ લાલિયાએ એના ઉપર ગોથ મારી ઈ દૃશ્ય સરકારે ગગનમાં ગોઠવેલ ઉપગ્રહનાં કેમેરામાં ઝડપી લીધું. પોલીસે એટલે જ એને ઉપાડી લીધો. લીલકીની એક પાંખમાં ફેંકચર થઈ ગયું છે. અત્યારે ગામનાં હાર્ડવેદ પાસે છે.
કોકિલાબેન : ગામનાં પેલાં જુવાનિયા હકલો, ભકલો અને રઘલો પણ છાકટા થયાં છે. સાંજના સુમારે અંધારામાં ઊડતા હોય છે.
મંજુલાબેન : હા..! ઓલા રઘાલાને મે જમકુડીની અગાશી ઉપર અંધારામાં ગોથ મારી ઉતરતા મે કેટલીયવાર જૉયો છે.
કોકિલાબેન : જમકુડી તો જણને પણ ભારે પડે એવી અલ્લડ બાઈ છે. લગનનાં બે મહિનામાં જ પતિ સાથે ઝઘડો કર્યો, પતિની એક પાંખ ખેંચી લીધી. ભાગીને પાછી ઘેર ડોશી પાસે આવી ગઈ. પતિ બિચારો હવે બધે ચાલીને જાય છે, હવે નવી પાંખ આવતાં છ મહિના થશે.
મંજુલાબેન : સાંજે જમના ડોસી બજારમાં જાય ત્યારે જ જમકુડી અગાશી પર કપડાં લેવા જાય છે.
રમીલા ભાભી : જવા દો ને જેનાં જેવા કરમ.
રસીલાબેનના પતિ રસિકલાલ ઉંહકારા ભરતા આકાશમાંથી આંગણામાં ઉતરે છે.
રસીલાબેન : હાય હાય.. શું થયું ? કેમ ઓફિસથી આટલાં વહેલાં આવ્યાં.
રસિકલાલ : તાવ જેવું છે, બંને પાંખો જકડાઈ ગઈ છે.
રમીલા ભાભી : જો જો હો...! ચિકનગુનિયાની અસર નથી ને.
રસીલાબેન : રોજ કહું છું કે રજામાં થોડી કસરત કરો, પણ માનતા જ નથી. ઓફિસમાં બેઠાં બેઠાં ફાંદ વધારી છે તો હવે ઊંચે ઝાઝું ઊડી શકતાં નથી. મકાનમાં અથડાવાની બીકે બારોબર તળાવ ઉપરથી રોજ જાય છે, ત્યાં મચ્છરે કરડી ખાધા હશે.
રસીલાબેન અને રસિકલાલ બંને ઘરમાં જાય છે.
સુશીલાબેન ( બંનેની પીઠ પાછળ ઉદ્દેશી હસતાં હસતાં) : બંને દર રવિવારે ગિરનાર ઉપર ટચલી ટોચે જવાની હરીફાઈ રાખો.
રમીલાભાભી : હાય ..હાય બોલતાં શરમ કરો ..હવે આવડી મોટી ફાંદ લઈને.....!
એટલું બોલે ત્યાં જ, લીમડા ઉપરથી બાળકોનો કીકિયારીનો અને પાંખો ફફડાવી ઊડવાનો અવાજ સંભળાયો, સાથે જ મોન્ટુની પાંખો શર્ટમાં ફસાઈ જવાથી તે ધબ્બ અવાજ સાથે જમીનમાં પટકાયો અને રમીલા ભાભી વાક્ય અધૂરું મૂકી ત્યાં દોડી ગયા.
