Lavjibhai Makwana

Comedy Romance

4  

Lavjibhai Makwana

Comedy Romance

પ્રેમપત્રનું રહસ્ય

પ્રેમપત્રનું રહસ્ય

4 mins
388


મિત્રોની અમારી ચારની ચંડાળ ચોકડી, એમાં બકુલ સૌથી નાનો. કુટુંબમાં જેમ સૌથી નાનો લાડકો એમ અમારે મિત્રમાં લાડકો. ઉભો વાંસ જોઈ લો એવું એમનું શરીર. રાતનું વાળું પૂરું કરી રોજ સૌ મિત્રો ગામને પાદરે મળે, ફલાણા ફલાણા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એવું લખેલા સિમેન્ટનાં બાંકડા પર  દિવસ દરમ્યાન થયેલ ઉથલ પાથલ અંગેની ચર્ચાઓની મીટીંગ અડધી રાત સુધી જામે. મોડી રાતે સૌ પોતપોતાના ઘેર રવાના થાય.

એક રાતની વાત, બાંકડે ભકો એક હાજર હતો,  હું અને પભો જોડાયાં ત્યાં જ ભકો બોલ્યો :  ટબકુલ પડ્યો !'

હેં  ! ક્યાં પડ્યો..કેવી રીતે..કેટલું વાગ્યું ! (મારા મુખેથી ઉદ્દગાર સરી ગયાં)

'અરે ! એમ નથી પડ્યો, પ્રેમમાં પડ્યો !'

'હેં. !' (અમારાં બંનેનાં મુખેથી આઘાત અને આશ્ચર્યથી શબ્દ સરી પડ્યો).

'કોણ છે ? ક્યાં રહે છે ?' (બંનેના એક શ્વાસે પ્રશ્નો)

'કોલેજથી છૂટી આપણે જ્યાં મહેતાની દાબેલી ખાવા જઈએ છીએને તેમની બરાબર સામેની ગર્લ્સ હોસ્ટેલમાં.'

પભો : 'હોસ્ટેલમાં બધા જ પરદેશી હોય, પેલા ફિલ્મનાં ગીત જેવું " પરદેશીઓ સે ન અખીયા મિલાના, પરદેશીઓ કો હૈ એક દિન જાના" 

ભકો :  'પ્રેમ તો આંધળો છે તે ક્યાં મહેલ કે ઝૂંપડું જોવે છે.' 

હોસ્ટેલની બારીના ઝરુખે છુપાયેલ તિષ્ણ તીર જેવી નજરથી ઘાયલ થઈને બકુલ પ્રેમરોગનો શિકાર બન્યો, પ્રેમ એવો રોગ છે કે સફળ થાય તો મુખ પર હાસ્ય આવે નહીતર રાતની ઉંઘ હરામ થઇ જાય. બકુલનાં સ્વભાવમાં ફેરફાર દેખાયો, આખો દિવસ વિચારમાં ખોવાયેલો રહેવા લાગ્યો.

એ સમયમાં મોબાઈલ ન હતાં. છોકરીને ફરવાની છૂટછાટ ન હતી. મિલન અને મુલાકાતો કઠીન હતી. દૂરથી જ નજરો મળતી, પ્રેમ એક ચાંદ અને ચકોર જેવો બની રહેતો.  હોસ્ટેલની ચારે બાજુ ઘેરાયેલી દિવાલના પ્રવેશદ્વાર પર એક ચોકીદાર હંમેશાં રહેતો. દિવસો પાણીની જેમ વહી ગયા. ઉનાળો બેસી ગયોને વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ. પ્રેમિકાએ હોસ્ટેલની બારીમાંથી વિદાય અંગેનાં કરેલ ઈશારા પરથી બકુલ જાણી ગયો કે આવતી કાલે તે ઘર જવા રવાના થઈ જશે. 

તે દિવસનાં રાતની અમારી બેઠક સમયે બકુલ મનથી આકુળવ્યાકુળ જણાયો. બકુલનો આગ્રહ એવો હતો કે બીજે દિવસે કોઈપણ ભોગે તેમને મળી તેના રહેઠાણનું સરનામું જાણવાની કોશિશમાં અમારે તેનો સાથ સહકાર આપવો. 

તેની લાગણીને વશ થઈને બીજે દિવસે હું, બકુલ અને પભો સાયકલ લઈને હોસ્ટેલથી દુર રોડ પર પ્રવેશદ્વાર તરફ મીટ માંડીને ઉભા રહ્યાં. અડધી કલાક બાદ એક રિક્ષા દરવાજે આવી. હોસ્ટેલમાંથી ત્રણ છોકરી અને એક મેડમ બહાર નીકળ્યાં. પ્રેમિકા સાથે મેડમને જોતાં જ બકુલનાં મુખ પર ઉદાસી છવાઈ ગઈ.  તેમને બેસાડી રીક્ષા આગળ નીકળી અને ત્યાર બાદ અમે તેની પાછળ દોરવાયા. બસ સ્ટેશન આવ્યું, બંને  સામાન સાથે બસમાં બેસી ગઈ. મેડમ અને ત્રીજી છોકરી કે જે બંનેને વળાવા આવેલ તે નીચે ઉભા રહી બારીમાં બેઠેલ તેની બહેનપણીઓને કંઇક જરૂરી સૂચના આપતી નજરે પડી. 

અમે ત્રણેય મિત્રોએ દૂર બસ સ્ટેશનનાં મોટાં દરવાજાની બહાર રોડથી નીચે સાઈડમાં ઉભા રહીને આ દૃશ્ય જોયું. બકુલનાં મુખે ગમગીની વધુ ધારણ થતી દેખાઈ. પ્રેમમાં હારી હતાશ થઈ ગયો એવું લાગ્યું.  ઘરઘરાટી સાથે બસ ઉપડી, અમે ઉભા હતાં ત્યાંથી બસે એક ગોળ ચક્કર માર્યું, બારીની અંદરથી એક નજર બકુલ પર પડી,  બંને તરફ એક દુઃખનું આખરી સ્મિત રેલાયું, બસની બારીનાં સળીયામાંથી એક ચુડીદાર હાથ નીકળ્યો અને બારી બહાર અમારી સામે હવામાં "કાગળનો ઘા" થયો. બરાબર ત્યારે જ બસ રોડ પર એક ઝાટકા સાથે ચડતાં, પવનનો એક તેજ સૂસવાટો ચાર ઘડી કરેલ કાગળને લાગ્યો. કાગળની ઘડી વિખાય જતાં તે ઝડપભેર પાછળની બાજુએ ફંગોળાયો. અમારી ત્રણેયની નજર એ કાગળનાં પત્ર પર ચોંટી ગઈ.

પત્ર જમીનથી એક વેંત હતોને એકાએક ઉનાળુ વંટોળ ફૂંકાયો. તે ફરી છ ફૂટ આકાશે ચડી ઘૂમરી ખાતા દૂર ભાગ્યો. પત્રને દૂર જતો જોઈ હું મોટેથી બોલ્યો : "બકુલ દોડ,  કાગળ પકડ."

પત્રને પકડવા બકુલે તેની પાછળ આંધળી દોટ મૂકી. રોડથી દૂર વીસ ફૂટનાં અંતરે ઉનાળામાં સુકાય ગયેલા ઘાસને બળજબરીથી પોતાનાં દાંતથી તોડતી એક ગાય ચરી રહી હતી. જેમ પવનથી પતંગ એકાએક નીચે ગોથ મારે એમ પત્રએ  ગાયનાં નાકનાં ટેરવાં પાસે જ ગોથ મારી. મુખ સામે કાગળ પડતો જોઈ, ગાય જીભનાં એક લબકારા સાથે પત્ર મુખમાં લઈ ગળી ગઈ. 

આ દૃશ્ય જોઈને ગાયથી ફક્ત ચાર ફૂટ દૂર બકૂલના પગ જમીન સાથે ચોંટી ગયા અને થોડીવાર અનિમેષ ઉભો રહી 

જમીન પર ફસડાઇ પડ્યો. ફક્ત સાઈઠ સેકંડના આ ખેલથી બધા મિત્રો આઘાતમાં સરી ગયા. સૌથી વધારે દુઃખ બકુલને લાગ્યું. છેક ત્રીજા દિવસે રાત્રે ફરી બધા મિત્રો સાથે મળ્યાં. 

બકુલ (એક નિસાસો નાખીને) : 'હવે તે ફરી હોસ્ટેલ નહીં આવે તેનું કોલેજનું આ છેલ્લું વર્ષ હતું. પત્રમાં શું લખ્યું હશે ? સરનામું હશે ? પત્ર મને મળી ગયાની વાતથી એ કેટલી ખુશ હશે ? તેમને તો શું ખબર કે એનો પત્ર અંધકારમાં ઓગળી ગયો છે.'

'હા, મને યાદ આવ્યું,  મારી નજર બસ પાછળના ભાગમાં લાગેલ બોર્ડમાં પડી હતી. તેમાં રાજકોટ થી સુરેન્દ્રનગર લખેલ હતું.'  (પભો બોલ્યો).

ભકો: 'રાજકોટ થી સુરેન્દ્રનગર કેટલાં ગામ, તાલુકા અને શહેર આવે એની ક્યાં શોધ કરવી.'

આ સાંભળી બકુલ ફરી ઢીલો થઈ ગયો. 

'એક આઈડિયા છે.' (હું એકાએક બોલ્યો).

'હેં શું..?'(બકુલ)

'તરણેતરનો મેળો ! આ પવિત્ર જમીન છે. મારું દિલ કહે છે કે ત્યાં ખોવાયેલો પ્રેમ ફરીને પાછો મળે છે. બસ સુરેન્દ્રનગરની હતી એટલે તે જરૂર આસપાસના તાલુકાની હશે અને આપણા ગુજરાતી લોકો એક દિવસ તો મેળો માણવા જરૂર આવે જ.'

મારા આ શબ્દ સાંભળીને બકુલનાં મુખ પર ચમક આવી. આ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં બાદ એક રાતે બકુલ મને ભેટી પડ્યો. આંખોમાં હર્ષનાં આંસુ હતાં. બે દિલ તરણેતરના મેળામાં મળી ગયાં હતાં.

મેં વિચાર્યું કે ત્રણ વર્ષનો પ્રેમમાં વિયોગ લખ્યો હશે એટલે જ પેલો પત્ર ગાય ગળી ગઈ.  મને એ પત્રના લખાણ વિશે જાણવાની તાલાવેલી જાગી. મેં બકુલને એ વિશે પૂછ્યું. 

બકુલ : પત્ર વિશે મેં એને બધી વાત કરી ! એમાં લખાણ વિશે મેં પૂછ્યું, પરંતુ પાંપણ ઢાળી નીચું જોઈને એ શરમાઈ અને હસીને બોલી,  "પત્ર લખનાર ખુદ મળી ગઈ, પછી એનાથી વધુ વિશેષ શું જોઈએ."

આમ, પ્રેમપત્રનું રહસ્યમય લખાણ ગાયની નસેનસમાં  ફરી રહ્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy