Lavjibhai Makwana

Fantasy

3  

Lavjibhai Makwana

Fantasy

માવઠું

માવઠું

2 mins
127


મહાશિવરાત્રીનાં તહેવાર પર શહેરીજનો શિવમંદિરે દર્શન કરવાં ઉમટી પડયાં છે. બધાં જ જીવ શિવમાં ઓતપ્રોત છે. બીલીનાં વૃક્ષની ડાળીએથી (પોતાનાં કુટુંબથી) અલગ થઈને પણ આજે બધાં જ બીલીપત્રોમાં હરખનો પાર નથી. દર્શનાર્થીની મુઠ્ઠીમાં રહેલ આજે પાન શિવજીનાં લિંગને ચરણે અર્પણ થવાં થનગની રહ્યાં છે. શ્રાવણ માસ બાદ ફરી આજે શિવ ચરણે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી એક અનોખા આનંદની અનુભૂતિ કરે છે. સમય સરકતો જાય છે અને મહા વદ તેરસને સવંત ૨૦૭૯નો શિવરાત્રીનો દિવસ પણ ભૂતકાળ બની જાય છે.

****

મહા મહિનો પૂરો થઈ ફાગણની શરૂઆત થઈ ચૂકી છે. ગુલાબી ઠંડીની વિદાય અને હોળીનાં વધામણા માટે કેશુડાનાં ફૂલોએ સોળે શણગાર સર્જ્યા છે. હોળીનાં આ સમયે શહેરમાં બીલીનાં વૃક્ષની ટચલી ડાળીનું એક ઘરડું પાન શિવરાત્રીનાં અવસર પર શિવનાં દર્શનથી વંચિત રહી દુઃખનાં આંસુ સારી રહ્યું છે.

જેમ નદી સાગરને મળવા તડપે, તેમ શિવનાં ચરણે જવા તડપતું બીલીપત્ર આકાશે મીટ માંડીને બેઠું છે. ટુંક સમયમાં જ તે ખરીને જમીનદોસ્ત થશે અને તેમનું અસ્તિત્વ માટીમાં ભળી ધૂળધાણી થઈ જશે એવી એનાં મનમાં બીક સતાવ્યાં કરે છે. આ ડરથી તે ભમરાની જેમ ભાગતા ફાગણી પવનોને પોતાને શિવ ચરણે લઈ જવાં માટે વિનવે છે. બીલીપત્રની વિનંતિનો સ્વીકાર કરી પવનો તેનાં વાયુનાં વરતારા દ્વારા વાદળો એકઠાં કરે છે. બધાં જ વાદળો ટોળે વળ્યાંને, પવનોને પાંખો આવી. આ પાંખોએ બીલીનાં વૃક્ષની ટચલી ડાળીએ આવેલા ઘરડાં બીલીપત્ર પાનને ડાળી સાથેની પ્રિત છોડાવી અને તેમને ગોદમાં સમાવી આકાશમાર્ગે ઉડવા લાગે છે.

ગગને વિહાર કરતાં શિવનાં માનીતાં બીલીપત્ર પાનને હસતું રમતું અને કૂદતું જોઈ, ફાગણી પૂનમનાં એકઠાં થયેલાં બધાં જ વાદળો શિવનાં આર્શીવાદ મેળવવાં માટે બીલીપત્ર પર મોતી જેવાં હર્ષનાં આંસુ છોડી સ્વચ્છ નીરનો અભિષેક કરે છે. જગત પર અષાઢી મેધ છવાયો હોય એવું દૃશ્ય સર્જાય છે. પવનો સાથે આનંદથી ઉડતું પાન દૂર લીલીછમ વનરાઈ વચ્ચે પ્રકૃતિનાં ખોળે આવેલાં એક જૂનાં પૌરાણિક ભાંગ્યા તૂટયાં મંદિરનાં સ્વયંભૂ શિવનાં લિંગ પર બિરાજમાન થઈ પોતાની અંતિમ ઇચ્છા પૂરી કરી કરે છે. ફાગણી પવનોને આભાર માની, ઝગમગતા આભલાનું આકાશી ઓઢણું ઓઢીને દેવોનાં દેવને ચરણે શાંતિથી પોઢી જાય છે.

કુદરતી પ્રકૃત્તિ અને જીવ સૃષ્ટિનાં સર્જનહાર ઈશ્વર માનવથી માંડીને બધાં જ જીવ અને પ્રકૃત્તિની ઈચ્છા પૂરી કરવા હંમેશાં જાગૃત રહે છે. કોઈ એકની જીતમાં બીજાની હંમેશા હાર સમાયેલ હોય તેમ એક જીવ માટે હર્ષનાં આંસુ બીજાં જીવ માટે દુઃખનાં આંસુ પણ બની શકે.અહીં ફાગણી પૂનમનાં હોળીનાં દિવસે વાદળોએ બીલીપત્ર માટે હર્ષનાં આંસુ છોડ્યાં. પરંતુ માનવ માટે માવઠું સાબિત થઈ દુઃખનાં આંસુ બન્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy