Lavjibhai Makwana

Comedy

3  

Lavjibhai Makwana

Comedy

ચંદ્ર પર વસવાટ

ચંદ્ર પર વસવાટ

3 mins
128


પત્ની : "સાંભળો છો, તમે નહાવા ગયાં ત્યારે તમારા ભાઈબંધ બકુલનો ફોન હતો. ગામનાં ચોરે ચંદ્રની ચર્ચામાં જવાનું છે."

ભીંતે ઝૂલતાં કેલેન્ડર પર મારી નજર પડી. ઈ.સ.૨૦૭૧નું વર્ષ છે. મારું મન માનવની પ્રગતિનાં વિચારે ચડ્યું. મનુષ્યએ પૃથ્વીથી ચંદ્ર પર જવા માટે અવકાશ માર્ગ પર શૂન્યાવકાશને વીંધીને રોકેટ ગતિએ આરપાર નીકળી શકે તેવાં મોટાં કેપ્સ્યુલનાં વાહનો શોધી લીધા. શહેરે-શહેરે સ્પેસ એજન્સીનો રાફડો ફાટયો. બીજી બાજુ, પૃથ્વી પર માનવ વસ્તી કીડીની જેમ ઉભરાઈ. શહેરી વિકાસનો અજગર ભરડો ગામડાં અને ખેતજમીનને ગળી ગયો. મનુષ્યને રહેવા માટે જમીન અને ખાવા માટે અનાજ ખૂટી પડ્યું. પેટાળમાંથી પાણી ખેંચાઈ ગયાં. વસાહતનો ભાર હવે સહન થતો નથી. જેથી પ્રશાસને માનવીને ચંદ્ર પર ખસેડવાની તજવીજ હાથ ધરી. આ નિર્ણય સામે બધા ગ્રામ્યજનો એકઠાં થઈ ચર્ચા કરે છે. 

ચોરે જવાં મેં ઝડપભેર પગલાં માંડ્યાં. લોકો પોત-પોતાની મંડળી રચી, અલગ અલગ કુંડાળું કરી વાતોનાં વડાં પીરસતાં હતાં. લીમડાનાં ઝાડ નીચેનાં બાંકડામાં મારા લંગોટિયા મિત્ર પ્રભાશંકર(પભો)-કર્મકાંડી બ્રાહ્મણ, ભાસ્કર(ભકો)-વેપારી ફરવાનો શોખીન જીવ અને બકુલ(બકો)-કામચોરને કુંભકર્ણ કંઇક ગુસપુસ કરતાં હતાં.

જર્જરીત અને હાલકડોલક થતાં ગોળ સીમેન્ટનાં બાંકડા પર ત્રણ જણ બેસી શકે. જેથી બકો ઊભો થયો, બાજુમાં પડેલી એક ઈંટ બાંકડા સામેની જમીન પર મૂકી બેઠક ગ્રહણ કરતાં બોલ્યો : "આવો ફાંદાળા સાહેબ, તમારું સ્વાગત છે, જાળવીને બેસજો નહીંતર ખુરશી દગો કરશે."

પભો (મુદ્દાની-વાતે) : "સરકાર ગુજરાતીઓને ચંદ્ર પર ખસેડવા માંગે છે. એમાં મારો વિરોધ છે, ગુજરાતી ચંદ્ર પર હખે જીવી નહીં શકે."

બકો : મારો વિરોધ નથી, મેં સાંભળ્યું છે કે ચંદ્ર પર પંદર દિવસ અને પંદર રાત્રી છે. પંદર રાત્રી સુધી નસકોરાં બોલાવવા જેવો આનંદ તો સ્વર્ગમાં પણ નથી. માનવી કંઈ ઘુવડ તો છે નહીં કે રાત્રે પણ ટગર-ટગર જાગે.

હું બોલ્યો : ગુજરાતી આખા વિશ્વમાં મોજથી જીવે છે તો ચંદ્ર પર શું વાંધો..?

પભો : ગુજરાતી લોકો સદીઓથી આપણા કેલેન્ડર પ્રમાણે જીવન જીવે છે. પૂનમ, અમાસ, સાતમ, આઠમ, દશેરા, અગિયારસ વગેરે દિવસો ચંદ્રને જોઈને તો નક્કી થાય છે. અંધારિયું-અજવાળું ચંદ્ર પર કઈ રીતે શક્ય બને ? 

ભકો : ઓહો ! ગુજરાતી તહેવારોનો ચંદ્ર પર હિસાબ રાખવો કઠીન બને. અમારે ભીમ અગિયારસ, સાતમ-આઠમ પરનાં તહેવાર તેમજ તરણેતરના મેળાનો આનંદ કેમ માણવો ? અરે...શ્રાવણિયો જુગાર.?....શરદ પૂનમની રઢીયાળી રાતની યાદો..!

હું બોલ્યો : સત્ય કીધું ? તિથિ મુજબ તહેવાર ઉજવતા ગુજરાતી માટે ચંદ્ર પર જીવન કઠીન તો છે.

બકો : મારાં બાળકો તો ચાંદામામાને ખોળે જવા થનગની રહ્યા છે.

પભો : એ..કુંભકર્ણ તને કંઈ ખબર પડે છે..!! એમ બોલતાં વજનદાર પભો નીચે બેઠેલાં બકા તરફ ખિજાઈને શરીર નમાવી હાથ ઉપાડવા જતાં બાંકડો નદીમાં આપધાત કરવા જતો હોય એમ નમ્યો. બાંકડા સાથે મારું અને ભકાનું શરીર પણ આગળ ઝૂક્યું. પડવાની બીકે પભાએ ફરી પાછળની બાજુ નમી જોરથી ટેકો આપતાં જર્જરીત બાંકડાએ પાછળની દિશાએ અમારાં શરીરને સાથે લઈ ધડામ અવાજ કરતાં પડતું મૂક્યું. 

અરે.. ભૂમિ જો તો...અવાજ શેનો થયો..?

એ..મમ્મી..,પપ્પા ઊંઘમાં સેટી પરથી પડ્યાં નીચે..!

પછડાટના અવાજ અને મારી દીકરી ભૂમિના અવાજથી ઊંઘ ઊડી ગઈ.

પત્ની : અરર..! આતે કેવી ઊંઘ, સવારનાં આઠ વાગ્યા અને હજી નીંદરમાં આળોટીને પડો છો..!

ભૂમિ : સારું ઊંધા પડ્યાં અને ખાલી પેટ હતું એટલે ઓછી હવાનો ફૂટબોલનો દડો જેમ લાદીમાં ચીપકી જાય એમ તમારી ફાંદ પણ લાદીમાં ચોંટી ગઈ.

પત્ની :..(હસતાં-હસતાં)..હે..ભૂમિ ગઈકાલે અગિયારસ ન હોત અને ફૂલ પેટે જમ્યાં હોત તો..! ફાંદનો લાદીમાં ટપ્પો પડી, પાછા સેટી પર ગોઠવાય જાતને..!

બંનેના હસવાનાં અવાજ અને "અગિયારસ" શબ્દ કાને પડતાં, "ચંદ્રની ચર્ચા અને ચંદ્ર પર માનવીનાં વસવાટનાં નવનિર્માણ" નું સ્વપ્ન ફરી મગજ પર તાજું થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy