શેરબજાર અને શહીદી
શેરબજાર અને શહીદી
સને ૨૦૦૭નો ડિસે.નાં સમયનો ગાળો હશે, શેરમાર્કેટમાં ફૂલ તેજીના વાદળો ઘેરાયેલ હતાં. પાનના ગલ્લે, ચાની હાટડીએ, તેમજ જુદી જુદી દુકાને ટોળે વળતા લોકોના મુખે એક જ ચર્ચા શેરબજારની.
બધાનાં ચહેરા ઉપર શેરની કમાણીની ખુશી છલકતી હતી. કંપનીના શેર ફોર્મનાં ભૂંગળાં બનાવીને તેમાં શીંગદાણા વેચતાં અભણ ફેરિયા પણ શેરબજારમાં ખૂંચેલા. અભણ માણસોને બજારમાં પડેલાં જોઈ, અમારા જેવાં ભણેલ ગણેલ માણસને પણ ઈર્ષા જાગી કે અમે કેમ રહી જાય ?
અફાટ સાગર જેવા શેરબજારમાં ઊછળતાં તેજીનાં મોજાંને જોઈ, ચાની લારીએ મળતી અમારી ચારની ચંડાળ ચોકડી પણ શેરબજારનાં રવાડે ચડી.
આમ, જોવો તો શેરબજાર એક સાગર જ છે. દરિયામાંથી સાચાં મોતી શોધવાં મુશ્કેલ છે, એવી રીતે શેરબજારમાંથી સારા શેર શોધવાં કઠીન છે. સાગરને જાણનાર મરજીવા ડૂબી જાય અને નવાં તરવૈયા કેટલાંય તરી પણ જાય એવી પરિસ્થિતિ બજારમાં છે.
વિરાટ સાગર જેવી શેરબજારની સપાટી ઉપર એક શેરદીઠ સુઝલોન ૫૦૦૦/-, અબાન ઓફસોર ૪૦૦૦/-, જિંદાલ સ્ટીલ ૪૫૦૦/-, તેમજ સેસાગોવા જેવી અનેક કંપની હજારોની કિંમતે વિહાર કરી રહી હતી.
જેની કિંમત ચાર અંકની છે તે બે વર્ષમાં તો ડબલ થઈ જશે, એવા લીલાંછમ સપનાં જોતાં. સાગરરૂપી માર્કેટમાં તરવાનું અજ્ઞાન ધરાવતાં અમે સીધા સાદા હરણ જેવા જાંજવાનાં નીરને ઓળખી ન શક્યાં અને ભપકાથી અંજાઈને બીજાં પાસેથી ઉછીનાં નાણાં લઈ મલકાતાં અને હરખાતાં ચહેરે નૌકારૂપી કંપનીમાં બેસી ગયાં.
બધી નૌકામાં મારી જેવા કેટલાંય સવાર હતા, પોત પોતાનાં રૂમમાં ડિમેટખાતાં રૂપી છલોછલ ભરેલ પાણીમાં મોજથી પડ્યાં પડ્યાં સાગરમાંથી જાણે મોતી વીણી લીધાં હોય તેવાં આનંદ સાથે દિવાસ્વપ્ન જોવાં લાગ્યાં.
નસીબની બલિહારી કહો કે અમારાં ભાગ્ય, કાગનું બેસવું અને ડાળનું પડવું. જાણે બજાર અમારી જ રાહમાં હોય એમ, અમે પડ્યાં ને ત્રણ જ મહિનામાં, સને ૨૦૦૮માં શેરબજારનાં સાગરમાં તોફાન ઊઠ્યું અને એક મોટી સુનામી આવી, વાદળને આંબતા તાકાતવર મોજાં જેમ દરિયાની સપાટીમાં તરતી નૌકાને એક જ થપાટથી કિનારાની રેતી ઉપર ફેંકી દે, એવી જ રીતે શેરબજારમાં રહેલી કંપનીને ફિલ્મ ટાઈટેનિકની જેમ દરિયાના પેટાળમાંથી ઉઠેલાં મોજાંની એવી થપાટો પડી કે બધી કંપનીના ભાવ ગગડી ગયા. ચાર અંક ધરાવતી કંપની પણ કડડભૂસ થઈને ચારમાંથી બે અંકની થઈ ગઈ, બેવાળી એક થઈ અને એકવાળી નષ્ટ થઈ, તેનું બજારમાંથી અસ્તિત્વ ભૂલાય ગયું.
માનવીનાં સપનાં એક જ ઝાટકે છિન્નભિન્ન કરી નાખ્યાં, ડિમેટરૂપી હોજનાં છલોછલ ભરેલ પાણી ઢોળાય ગયાં. હાંફળા ફાંફળા થઈ ઢોળાયેલાં પાણી ખોબામાં પાછાં ભરવાની કોશિશ કરી પણ ઢળેલું પાછું કદી હાથમાં આવે ખરું.
સેન્સેક્સ ૧૮૦૦૦ થી તૂટી ૯૦૦૦ પર આવી ગયો, નવાં અને જૂનાં બધાં તરવૈયાની નૌકા ડૂબી ગઈ, અમારાં જેવાં નવાં નિશાળિયા આંટીમાં આવી ગયા. ન જાણે કેમ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડમાં લીધાં હોય એવી હાલત થઈ. હંમેશા સવારે ટીવી પર ચાલતી શેરબજારની પટ્ટી જોવાની ટેવવાળા રાતનું વાસી સવારે ફરી આવતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા લાગ્યાં. ટીવી સામે બેસવાનું બંધાણ થયું હોય તે કંઈ છૂટે ખરું.
દિલમાં આઘાત એટલો લાગ્યો કે દર્દ ઉભરાઈને ગળા સુધી આવ્યું, એમાં ઘણાં ગમમાં દર્દીલા ગીત ગાવા લાગ્યાં. હંમેશા કંપનીના શેરના વિચારમાં ખોવાયેલાં કવિ બની શાયરીમાં ખોવાયાં.
ઉછીનાં લીધેલાં બધાં જ નાણાં બજારમાં શહીદ થઈ ગયા. પછી તો બજાર ઉપર ભાગ્યું અને અમે નીચે ભાગ્યાં.
હવે તો બજારે અમને કિનારે છોડી દીધાં, કિનારાથી દૂર નીકળી ગયેલ સાગરનાં લહેરાતાં પાણી ઉપર ડૂબતાં સૂરજનાં સોનેરી કિરણો પડે છે, ન જાણે કેમ અમારી સામે મલકી રહ્યાં છે.
આવી જ એક ઢળતી સંધ્યાએ સોનેરી કિરણોનો એક તેજ લિસોટો, સાગર તરફ મીટ માંડીને બેઠેલી મારી આંખ પર પડે છે, ઝબકીને જીવ મારો જાગ્યો..!
ઠંડાં પવનની લહેરખી કાન પર પસાર થઈને સાથે જ એક ભેદી અવાજ કાનનાં પડદે પડ્યો :
" કવિરાજ " અહી સાગર કિનારે શું કરો છો ?
અવાજ સાંભળી મારી ભીતર દિલનાં ખૂણામાં, થાકેલ અને હારેલ એક કૂતરાની જેમ ટૂંટિયુંવાળી પડેલ એક નાનો જીવ સળવળ્યો અને બોલ્યો :
" હજી મારા પોર્ટફોલિયોમાં પણ થોડાં શેર પડ્યાં છે "
આ સાંભળી ભીતરનો બીજો કવિ જીવ તેની સામે જુએ છે,
પેલો નાનો જીવ તેની સામે એક ઘુરકિયું કરી, ફરી ઊંઘમાં સરી જાય છે....!
આ વાંચીને શેરબજારનાં ચાહકો ઉદાસ ન થતાં,
...હવે મારો બજાર સાથેનો અનુભવ શેર કરું .... !
" શેર બજાર ".. ! શેર એટલે કાઠિયાવાડી ભાષામાં ગીરનો ડાલામથો કેસરી સાવજ જંગલનો રાજા આગળ દોડ કરવા માટે હંમેશા પહેલાં પાછળ ડગલાં ભરે એવી જ રીતે શેરબજારનું સેન્સેક્સ પણ સિંહ જેવું છે, આગળની દોડ માટે પાછળ પગલાં ભરે, હાલ કળયુગ હાલે છે - તો થોડાંક પગલાં પાછળ વધારે ભરાય જાય તો મૂંઝાવું નહિ.
સિંહની દોડ ઉપર તો જંગલનાં બીજા નાનાં નાનાં જીવ શ્વાસ લેતાં હોય ઈ ટેકરી ચડે તો નીચે રહેલા બીજા જીવ ખુશીથી છલકાઈ .. ! ફરી નીચે આવે તો બીજાં નાનાં નાનાં જીવ બીકનાં માર્યા ફફડે અને શ્વાસ રુંધાય, ઘણાં તેની તરાપથી નીચે પણ પછડાય..!
પણ મારાં બહોળાં અભ્યાસ પરથી એક વસ્તું પર ધ્યાન દોરી દઉં.. !
આપણે સેન્સેક્સરૂપી સિંહથી ડરવું નહીં.. આપણે ગીરનાં પાડાં જેવી કંપની પસંગ કરવી, જે એક જ ઢીંકે સિંહનો પણ બરડો ભાંગી નાખે..!
