Lavjibhai Makwana

Comedy Drama

4.7  

Lavjibhai Makwana

Comedy Drama

ભેળપૂરી

ભેળપૂરી

4 mins
292


મને મારાં જીવનમાં બે શોખ ગીતો સાંભળવા અને વાંચન કરવું. જે માનવી વાંચન કરતો હોય તેમને એક દિવસ લખવાની પ્રેરણા જાગે અને ગીત સાંભળીને, ગીત ગાવાની ઈચ્છા સળવળે.

મેં ગીત ગાવાની છાને ખૂણે અથાગ કોશિશ કરી. પરંતુ ગળામાંથી અવાજ જ બેસુરો નીકળે. માઈકમાં ભૂલથી જો ગીત ગવાય જાય તો ભરઊંઘમાં સૂતેલું કૂતરું ભડકીને ભસવા લાગે એવો અવાજ નીકળે. જાહેરમાં નિષ્ફળ શોખીન જીવ અંતે બાથરૂમ સિંગર બને તેમ હું પણ "બાથરૂમ સિંગર" બન્યો.

જમાનો આધુનિક યુગમાં પ્રવેશી ગયો. વહેલી સવારે એક હાથમાં બાવળનું દાતણ દાંતે ઘસાતા અને બીજા હાથમાં પાણી ભરેલું ડબલું લઈ ગામનાં સીમાડે જતાં એ બંધ થયું. શૌચાલય અને બાથરૂમ બંને ઘરની દીવાલ અંદર જ સમાય ગયાં. આ બે સ્થળની જગ્યા એવી છે કે ત્યાં માનવી મનથી હળવાશ અનુભવે. માણસ માટે આ સ્થળ પણ એટલાં જ મહત્ત્વના જેટલાં ખોરાક, પાણી અને શ્વાસ.

શહેરની અમારી જ્ઞાતિની હોસ્ટેલ, બારમાં ધોરણનું મારું વર્ષ. ચોમાસાની ઋતુ બરાબરની જામી હતી. સાંજનો સમય હતો. હોસ્ટેલમાં રહેતાં અમો ત્રણ મિત્રોને ભજિયાં ખાવાની ઈચ્છા જાગી, હોસ્ટેલનાં વડાની મંજૂરી લઈને નીકળી ગયાં. બજારમાં પહોંચ્યાને જોરદાર વરસાદ તૂટી પડ્યો. ભજિયાંની રેંકડી હતી, ત્યાં પાણી ભરાયાં. અમારી ભજિયાં ખાવાની ઈચ્છા પર પાણી ફરી ગ્યું. અંતે દિલખુશ નામની દુકાનમાં પેટ ભરીને ભેળપૂરી ખાઈને ભીંજાતાં ભીંજાતાં હોસ્ટેલ આવ્યાં. ત્રણેય રૂમ પાર્ટનર કપડાં બદલાવી, સૂકા થઈ. રોજની જેમ પોઢી ગયાં.

અડધી રાતનો સમય વિત્યો હશેને, પેટમાં વાદળ જેવી ધીમી ગર્જના ચાલું થઈ. ગરબડને કારણે ઊંઘ ઉડી ગઈ. મારાં જેવાં હાલ નકુલ (નકો) ને ભાસ્કર (ભકો) નાં હતાં. હું તેમનાં હાલ પૂછું એ પહેલાં તો બંને બહાર દોડી શૌચાલયમાં ઘુસી ગયા. 

અમારી જુનવાણી હોસ્ટેલમાં બહાર બે શૌચાલય હતાં. એકમાં અંદરથી કડી તૂટી ગયેલી. કડી બીજી ફીટ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીએ અંદર હોય ત્યારે બેસુરા અવાજે પણ ગીત ગાવું ફરજીયાત.

એકમાં નકો, બીજામાં ભકો. બંનેની વચ્ચે હોઠ દબાવીને પગથિયે રાહમાં હું બેઠો. 

(રોજની ટેવ મુજબ નકો રાતની ભેળ યાદ કરતાં, કણસતા કરુણ અવાજે ગીત આલાપે છે ) 

" હમસે યે ક્યાં ભૂલ હુઈ, જો યે ભેળપૂરી હમને ખાઈ ".

હું ખિજાઈ બોલ્યો : અત્યારે અડધી રાતે ગીત ગાવાની જરૂર નથી. બહાર અત્યારે હું એક જ છું...ફટાફટ પતાવ.

મને ચીડવવા ફરી ગીત ઉપાડે છે : 

" ગાડી ગા રહી હૈં, સીટી બજા રહી હૈ."

...એ નાક વગરના નકટા નક્લા, ચૂપ થા ! 

મારો ગુસ્સો જોઈ .. બાજુમાં રહેલ ભકાને મશ્કરી સૂઝી તેને ગીત ચાલું કર્યું. 

"દેર ન હો જાય..કહી.. દેર ન હો જાય..! "

મને પણ બરાબરની ભીંહ પડેલ. આંતરડાંએ પેટમાં આતંકવાદ ફેલાવનાર આતંકી ભેળપૂરી સામે બળવો પોકારી તેને પેટ નિકાલ કરવા માટે આખરી ચેતવણી મગજને આપી દીધેલ.

વરસાદ ધીમો પડી ગયેલો, જાણે આકાશથી ધરતી પર આવતાં છાંટા રસ્તો ભૂલી ગયા હોય તેમ કોઈક પડતાં હતાં. અંધારી રાતે દરવાજા પર નજર પડી. પરંતુ ત્યાં અલીગઢનું તાળું લટકતું હતું. ઈચ્છા તો એવી થઈ કે દોડીને દીવાલ પકડી ઉપર ચડી, બીજી બાજુ કૂદી પડું. ફરી વિચાર આવ્યો બળજબરીથી દોડવામાં પકડ ઢીલી થઈ જાય તો !

"બળજબરી" શબ્દ મનમાં બેઠો અને નાનાં મગજે યુક્તિ શોધી લીધી, તુરંત આદેશ ચાલું કરી દીધાં. હું બેઠો હતો ત્યાંથી છલાંગ મારી નકાનો દરવાજો ખોલ્યો અને બાવડું પકડી બહાર ખેંચી લીધો. નકો અડધું પેન્ટ હાથમાં પકડી બબડતો રહ્યો..! એ...મારે હજી ધોવાનું !

" ચૂપ..! અત્યારે રાત છે, કોઈ જોવાનું નથી ", 

એમ બોલતાં અંદર ઘુસી મેં ઘડામ કરતાં દરવાજો બંધ કર્યો. અંદર જતાં મારી નજર બારીમાં પડી. બારીમાંથી મારી આંખો પર આકાશમાંથી વીજળીનો એક મોટો ચમકારો પડ્યો અને હું આંખો મીંચી બેસી ગયો.

વીજળીનાં ચમકારા બાદ અનેક કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. 

બંને બાજુનાં કુદરતી કડાકાનાં અવાજો વચ્ચે નકાનો કૈક ન સમજાય તેવો અસ્પષ્ટ બબડાટનો અવાજ સંભળાતો હતો..છેલ્લે મને સંબોધન કરાતો " નફ્ફટ, નાલાયક " શબ્દ સમજાયો...!

નકાનો ગુસ્સો જોઈ, હું ફટાફટ હળવો થઈ, બારણું જરા ખોલીને નકા પર નજર માંડી. બુલ ફાઇટમાં જેમ લાલ કપડું જોઈ, આખલો ભૂરાયો બની, ગુસ્સાથી નાક ફૂલાવે તેમ નકાનું પણ નાક ગુસ્સાથી લાલ થયેલું મેં લોબી પરનાં ઝીરો લેમ્પનાં આછાં પ્રકાશમાં પણ સ્પષ્ટ રીતે જોયું. બંને વચ્ચે હાથ યુદ્ધની શક્યતા ન હતી, કારણ તેમનાં બંને હાથ પેન્ટ પકડવાં માટે રોકાયેલ હતાં. હું નીકળું અને આખલાની જેમ મારાં પેટમાં માથું મારી દે એવી સ્થિતિમાં નકાને જોઈ, બહાર નીકળી મારાથી સમાધાન સ્વરૂપે બોલાય ગયું.

સોરી, હો.. નકા..! તને તો ખબર જ છે કે પેટમાં બારે મેઘ ખાંગા થયા હતા. સમયસર ડેમનાં પાટિયા ખોલ્યાં ન હોત તો, બંધ તૂટીને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોત.

નકાએ મારાં શબ્દ સાંભળ્યાંને કંઇક જાદુ થયું, મોઢાં પરથી ગુસ્સો ગાયબ થઈ ગયો અને .. ..."ફિ ..સ્ ..સ્ ..હોઠ દબાવી હસતો હસતો ફરીને શૌચાલયમાં ઘૂસી ગયો અને ગીત ગણગણવા લાગ્યો. 

હોસ્ટેલની ચાર દિવાલ વચ્ચે એક તોફાની વાવાઝોડું આવ્યું અને શાંત થઈ ગયું. 

પહેલી વાર બાથરૂમ સિવાય બહારની બાજુ મારાં મુખ પરથી ગીત સરી ગયું.. " દિવાને કો કોઈ રોકોના, કુછ ગાને કો દિલ મચલ રહા ! "

(એ ગોઝારી રાતની ઘટનાં બાદ, મે આજીવન ભેળપૂરી સાથે કીટ્ટા કરી દીધી છે)


Rate this content
Log in

Similar gujarati story from Comedy