Lavjibhai Makwana

Comedy

4.4  

Lavjibhai Makwana

Comedy

સંસારના સફરની એક ઝલક

સંસારના સફરની એક ઝલક

3 mins
261


માનવી લગ્નનાં ફેરા ફર્યા બાદ જે જીવનની શરૂઆત કરે તે જ સાચી શરૂઆત, વાંઢા માણસને આ ઉતાર-ચઢાવની શું ખબર પડે ?

કારતક-માગશર વિક્રમ સવંત ૨૦૭૯ની શરૂઆત થઈ ચૂકી છે, લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે. ઘરમાં કંકોત્રીનાં ઢગલાં ખડકાયા છે. રવિવારના બપોરનો રસોઈનો સમય છે. મારી પત્ની રસોડાંમાં રસોઈમાં વ્યસ્ત છે, અચાનક હાથમાંથી સ્ટીલની થાળી છટકી નીચે પડે છે. લોકમેળામાં જેમ ટોરાટોરા રાઇડ ઉપર-નીચે થઈ ફરે એમ થાળી પણ લાદીમાં ગોળ ફરી સ્થીર થઈ જાય છે. 

ડાઇનિંગ ટેબલ પરથી મારો અવાજ : "બિચારી થાળી રોઈ રોઈને થાકી પણ ઉઠાવતી નથી ?"

પત્ની : "તમને એમાં કંઈ ખબર ન પડે, થાળી લેવાં જવું તો રોટલી બળી જાય."

"ઠીક એવું છે".

"કંકોત્રી વાંચી ?" 

"ના..!" ( માથું ખંજવાળતા મેં ગુનો કબૂલ કર્યો )

"તમારાં કાકાનાં છોકરાં મહેશની છોકરીનાં લગ્ન છે, ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ અને ઘેર આવી મોબાઈલમાં વાર્તા વાર્તા બીજો કોઈ ધંધો નથી." 

"મારાં શોખ ઉપર ઘા ના કર, હવે હું ક્યાં સ્ટોરીમિરર ખોલું છું, ફાંદ ફૂટબોલ જેવી બની પછી એને ઓગાળવા માટે વોકિંગમાં જ સમય જાય છે." ( મારો ધીમા અવાજે બચાવ )

"હા, એતો તમારાં ડાયાબિટીસના ડૉકટર ખિજાયા એટલે,  કાલથી એકાંતરે ટિફિનબોક્સમાં કારેલાં જ ભરી દેવા છે." 

"હે.. ! ના હો, તને ખબર તો છે કે કારેલાંથી મન સખત નફરત છે."

(મનમાં ! ટિફિનમાં જ્યારે કારેલાનો વારો હોય, ત્યારે જેમ કોમ્પ્યુટરમાં વાયરસથી એરર આવે એમ કારેલા જોઈ મને આખા શરીરમાં એરર... આવે.. ! પણ શું થાય ? આ ખાવાનાં ફરજિયાત છે )

"લગ્નમાં જવા માટે હું અને ભુમી (ભુમી મારી દીકરી) બ્યુટીપાર્લરમાં જવાનાં છીએ, ઓછામાં ઓછો ખર્ચો થાય તે લક્ષમાં રાખ્યું છે, છતાં ૧૦,૦૦૦ રૂ.ની ગણતરી રાખજો."  (પત્નીએ પેટમાં દુઃખતી મૂળ વાતની ઉલટી કરી)

"બૈરાંઓએ મોટાં મોટાં ઘુમ્મટ તાણવાને વળી મોઢાં ઉપર પૈસા ખર્ચીને ખોટાં લપેડા શું કામ કરતાં હશો ?"

"હમણાં જ મને પૂછ્યા વગર બાપ- દીકરો ટેબલ જેવડું ટીવી હપ્તે ઉપાડી લાવ્યાં, ઘરનું બજેટ બનાવતાં શીખો. જન્મ દિવસ પર હોટલમાં જવાનું બંધ કરી, ઘેર બેઠાં પાઉંભાજી મંગાવી ખવડાવતા શીખો, ૫૦૦૦ સામે ૫૦૦નો ખર્ચ થશે..સમજ્યા."

"વાત મુદ્દાની કરી, આ મકાનની લોન, ટીવી, વીમાના હપ્તાને કારણે મારો બળદ જેવો પગાર બટકી બટકીને બકરીનું બચ્ચું બની જાય છે, જીવનની છેલ્લી ઘડી સુધી પગાર અને હપ્તાનો હિસાબ જ લગાવ્યાં કરવો પડશે કે શું ?"

"ખબરદાર જો હવે મને પૂછ્યા વગર નવાં ખર્ચ કર્યા તો." (પત્નીનાં અવાજનો સુર બદલાયો)

એટલું બોલી રોટલી વણતાં વણતાં વેલણનો છૂટો ઘા મારી દિશામાં કર્યો, બીકનો માર્યો હું નીચે નમી આંખો મીંચી ગયો, મીંચેલી આંખે અવાજ સંભળાયો :  "વાલી..મૂઈ આજ સવારે મારું રાતે જમાવેલું દહીં ખાઈ ગઈ "  

વાક્ય કાને પડતાં મને હાશકારો થયો કે હુમલો મારી ઉપર નહીં, પરંતુ બાજુના રવેશથી કુદી અમારાં બેડરૂમથી હોલમાં પ્રવેશ કરી રહેલ બિલાડી ઉપર થયેલ છે. 

"હાશ, મને એમ કે તે મારી ઉપર વેલણ ફેંક્યું." (છાતી ઉપર હાથ રાખી હું બોલ્યો)

"શરમાતાં નથી બોલતાં, પતિ ઉપર એવા વેલણનાં ઘાં કોઈ બૈરાં થોડાં કરતાં હશે."

આ રવિવારની રામાયણ ઉપરથી ફરી યુદ્ધ ન છેડાઈ તેવાં એક અજાણ્યા ડરથી મે તેમની વિનંતી ઉપર મંજૂરીની મહોર મારી દીધી. વિજયના એક આછાં સ્મિત સાથે તેને કડાઈમાં ગરમ તેલ ઉપર વઘારનો છમકારો માર્યો.

છમકારો સાંભળી મેં મારાં કટાઈ ગયેલ બુઢ્ઢી તલવાર જેવા બંને હાથથી ગુવારના પૂંછડાં અને માથા વાઢવાની ઝડપ વધારી, રખેને વળી ક્યાંક બીજો હુમલો થાય.


Rate this content
Log in

Similar gujarati story from Comedy