STORYMIRROR

Lavjibhai Makwana

Others

4  

Lavjibhai Makwana

Others

અતૃપ્ત આત્માઓનું મિલન

અતૃપ્ત આત્માઓનું મિલન

3 mins
12

વિશાળ પવિત્ર નદીનાં સ્થિર થયેલ પાણી પર સંધ્યા સમયે ડૂબતાં સૂર્યનાં કિરણો છેલ્લી ચમક બતાવી રહ્યાં છે, સૂરજનો અંતિમ પ્રકાશ વિશાળ નદીમાં ડૂબી જાય, એ પહેલાં પક્ષીઓ પોતાનાં માળા તરફ ઝડપભેર જઈ રહ્યા છે. નદી કાંઠે આવેલ મંદીરમાં સાંજની આરતીનો લ્હાવો લેવા માનવે પણ દોટ મૂકી છે. 

માનવી અને પક્ષીઓનાં કોલાહલ વચ્ચે મંદિરથી થોડેક દૂર નદીનાં કાંઠા અને બગીચાને ચોતરફથી જોડતી જાડી દીવાલની પાળી પર બે યુવા દિલ એક બીજાનાં હાથ પકડી ગુમસુમ અને ગમગીન ચહેરે ડૂબતાં કિરણોને નિહાળી રહ્યાં હતાં. બંને આત્માનાં બંધનો પર સમાજની ઊંચ-નીચ અને અમીર - ગરીબની કાળમીંઢ દીવાલને કારણે, તેમનાં મન પર સમાજ પ્રત્યે નફરતની આંધી સવાર થઈ ચૂકી છે. સૂડી વચ્ચે સોપારી જેવી હાલત છે, જો મિલન થાય તો મોત મળે અને છૂટા પડે તો વિરહથી ઝૂરી ઝૂરી જીવન જીવે એવી પરિસ્થિતીનું સર્જન થયું છે.

માનવી અને પક્ષીઓનો કોલાહલ શાંત થઈ ગયો છે. આકાશમાં કોઈ કોઈ તારલાઓએ ચમકવાનું ચાલું કર્યું. બરાબર ત્યારે જ નદીનાં પાણીમાં એક જોરદાર ધબાકો પડ્યો, અવાજનો પડઘો એટલો ભયંકર હતો કે બાજુનાં વૃક્ષોમાં રાતનો વિશ્રામ કરવા બેઠેલ પક્ષીઓ ફફડાટ કરતાં ઊડી જાય છે. નદીનાં પાણી પર એક મોટું કુંડાળું બની, બે દિલની જીવન સંધ્યા હંમેશને માટે પાણીમાં ડૂબાડી વિખેરાઈ જાય છે. બીજી તરફ મંદિરની આરતીનો ઘંટારવ ગાજે છે.

અંગ્રેજોનું શાસન પૂરું થયું. રાજા રજવાડાનાં રાજ તૂટી ગયા. હવે, કોઇક વિસ્તારમાં રાજપરિવાર રહ્યાં. આવો જ એક પૃથ્વીસિંહનો નાનો પરિવાર ગુજરાતના પહાડી ગામ એવા પ્રતાપપુરાનાં પેલેસમાં રહે છે. પેલેસની વિશાળ જગ્યા પર પાલતું ઘોડાં અને ગમાણમાં પુષ્કળ ગાયો તેમજ પક્ષીને રહેવાને ચબુતરો છે. વારસાગત ધનદોલતને કારણે પરિવારની સેવામાં નોકર ચાકર અને ચોકીદારો પણ ચોગાનમાં બનેલ ઓરડીમાં નિવાસ કરે છે.  

આજે રાજપરિવારમાં આઘાતનાં સમાચાર ફરી વળ્યાં છે કે અનુપસિંહ નામે જુવાનજોધ એકનો એક પુત્ર ગુમ થયેલ છે. પરિવારનાં મોભીઓ અને ચોકીદારો પર ખૂન સવાર છે. ઘોડાં સાથે હથિયારબંધ માણસો આજુબાજુના બધાં જ ગામો ખૂંદી વળે છે, પરંતુ ક્યાંય સગડ મળતાં નથી.

લઘુમતી કોમના ખોરડાં ગામથી દૂર છેવાડાના વિસ્તારમાં આવેલા છે, જેમ કાદવમાં કમળ ખીલે તેમ કરશન નામનાં ખેત મજૂરનાં ખોરડે રૂપ રૂપના અંબાર સમી એકની એક જુવાન દીકરી અંજુ ગાયબ છે. એક મા જ દીકરીના વર્તનથી બધું જ પારખી શકે. પરંતુ સામે રાજનો દીકરો ગુમ થયેલ છે, જો આ વાત તેમનાં કાન સુધી પહોંચે તો કોમનાં બધા જ ઘર ખોરડાં સળગી જાય, એવા ડરને કારણે વાત ચાર દીવાલ વચ્ચે ધરબાઈ ગઈ.

અનેક દિવસો વીતી ગયા, પુત્ર અને પુત્રી માટે બંને બાજુ એક માતાનું દિલ રડે છે. બંને તેમનાં સુખની ઈશ્વરને પ્રાર્થના કરે છે.

પ્રેમી બીજા ભવમાં ફરી મળવાનાં કોલ સાથે પાણીમાં કૂદી પડે છે. વહેતાં પાણીમાં શરીરના ખાલી બે ખોળિયા વહી જાય છે. ન જાણે કેમ, શરીરથી નીકળી બંનેના આત્મા મંદિરમાં થતી આરતીનાં પડઘા ઝીલી, મંદિર ફરતે પ્રદક્ષિણા કરતાં ત્યાં જ અટકી જાય છે. મોડી રાત્રે ખરતાં તારાના તેજ લીસોટાનાં પ્રકાશમાં મંદિરનાં ઘુમ્મટ પર કબૂતરનાં કરેલ માળાનાં ઈંડામાં બંને આત્મા સમાઈ જાય છે. સવારે જ્યારે સૂર્યનાં સોનેરી કિરણો માળામાં પડ્યા ત્યારે પૂર્વના માળામાં કબુતરી અને પશ્ચિમનાં માળે નર કબૂતરનો જન્મ ધારણ કર્યો.

દિવસો નદીનાં પ્રવાહની જેમ વહી ગયાં, રાજ પેલેસમાં એક મા ગુમસુમ ફરે છે. એક દિવસ દીકરાની યાદે તેમનો બંધ રૂમ ખોલવા માટે જાય છે. બંધ રૂમ અંધકાર અને અવાવરૂ વાસથી ભરેલ જોઈને, રૂમમાં તાજી હવાના પ્રવેશ માટે ઝરુખાની વિશાળ બારી ખુલ્લી કરવા માટે તે પગ ઉપાડે છે. બારી ખોલતાં જ એક કબૂતરની જોડી અંદર ઘૂસી જાય છે. શયનખંડના ઉપરનાં ગોખલે બેસી.. ઘૂટર ઘુ.. ઘૂટર ઘુ.. બોલતાં તેમનામાં ખોવાય જાય છે. કોઈ એક અગોચર શક્તિ એક માતાની મમતા પર સવાર થઈને એ નાના જીવમાં ખેંચાય છે અને જરુખાની બારી હંમેશને માટે ખુલ્લી છોડી જાય છે. 

કબૂતરની જોડી કોઈપણ જાતનાં ડર વગર પેલેસના ચબૂતરની ચણ લે છે, સાંજ પડે ફરી રૂમમાં પેસી જાય છે. હથિયારબંધ ફરતાં પડછંદ કાયાનાં માનવીનો હવે તેમને ડર નથી. આજે તેમના માળામાં પણ બચ્ચાં છે, એક પ્રેમી યુગલ સજોડે તેમનું સ્વપ્ન પૂરું કરે છે. 

"ફક્ત ખોળિયું અલગ છે, પરંતુ આત્મા એક છે."


Rate this content
Log in