મોસમ મહેફિલની
મોસમ મહેફિલની
જૂનાં જમાનામાં માનવી કોઈ સારું કાર્ય સિદ્ધ કરવા અથવા પોતાનાં ભરણપોષણ માટે જાહેર સ્થળ એવાં ગામનાં ચોરામાં કે ગામનાં મેદાનમાં ભવાઈના ખેલ કે કોઈ નાચ ગાનનો કાર્યક્ર્મ ગોઠવતા. આવી પ્રવૃત્તિ દરેક સમાજનાં લોકો વચ્ચે થતી, પછી એ જંગલનાં આદિવાસી, ગામડામાં રહેતાં અભણ માણસો હોય કે શહેરમાં વસતા શિક્ષિત લોકો. હરેક પોતપોતાની રીતે જે તે કાર્યને સફળ બનાવવા માટે પોતાની કાર્યક્ષમતા મુજબ કાર્યક્રમનું આયોજન કરતાં.
આધુનિક સમાજ હવે ડિજિટલ યુગમાં આવી ગયો છે તો કાર્યક્રમની રૂપરેખા થોડી બદલાય છે. જૂનાં જમાનાનાં ઢોલ નગારા વગાડવાને સ્થાને હવે આધુનિક સંગીત સાધનોએ કબ્જો જમાવી લીધો છે, હાલમાં પણ અઢળક કાર્યક્રમ થાય જ છે. કેટલીય પ્રવૃત્તિ પાર પાડવા તેનું આયોજન કરવામાં આવે છે. કુટુંબમાં કે નાતમાં છોકરાં પાકી ગયાં હોય ત્યારે તેમને ઠેકાણે પાડવા માટે પોતપોતાની નાતનાં મિલન કાર્યક્રમો. સ્કુલમાં પરીક્ષાનાં પરિણામ બાદ હોંશિયાર વિદ્યાર્થીનું સન્માન સાથે ડિસ્કો ડાન્સનાં પોગ્રામ. સમસ્ત જ્ઞાતિ કે પરિવારો, જુદાં જુદાં મંડળો, કવિઓ કે લેખકો, પરણેલી સ્ત્રીઓ વચ્ચે વાર્તાલાપ (આડા અવળા ચાલતાં પતિદેવોને કેમ પાડી દેવાં), કુંવારી કન્યાઓ વચ્ચે ગોષ્ઠી વગેરે વગેરે વચ્ચે વાર્તાલાપ અને ગીત સંધ્યાના કાર્યક્રમ.
હાલનાં સમયમાં આવા કાર્યક્રમ પાણીની સરવાણીની જેમ ગમે તે જગ્યાએ અને ગમે તે સમયે ફૂટી પડે. લગ્નની જેમ ચોઘડિયા જોવાં પડતાં નથી. શિયાળો, ઉનાળો કે ચોમાસું બધી જ મોસમમાં ફીટ બેસે. ટૂંકમાં બારેમાસ ગમે ત્યારે લાગે, વરસાદનો સમય હોય તો હોલમાં, શિયાળાનો સમય હોય તો સૂર્યનાં તાપમાં ઠંડક ઉડાડતાં ખુલ્લાં બાગ- બગીચા, ઉનાળે નદી કિનારે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે. પરંતું જે કામનાં ઉદ્દેશથી આયોજન થયું હોય તે હેતું પર રસ ધરાવતાં લોકો વચ્ચે થાય તો જ તે મિલન સફળ થઈ ખીલી ઉઠે. જેમ સિંહનાં ટોળામાં શિયાળ ન શોભે અને હંસના ટોળામાં કાગડો ન શોભે, એમ આવા મિલન કે કાર્યક્રમમાં સમ રૂચિ ધરાવતા માનવી વચ્ચે શોભે.
જૂનાગઢ અને આસપાસ રહેતાં અમો કવિઓએ ગીરમાં પ્રકૃતિને ખોળે એક રિસોર્ટમાં ગીત અને ગઝલોનો કાર્યક્રમ ગોઠવ્યો. સાથે જ જમણવારમાં ગીરની કેસર કેરીનાં રસનું આયોજન કર્યું. કવિઓએ બીજાં તેમનાં મિત્રોને પણ પરાણે આમંત્રણ પાઠવ્યાં. એમાં જે મદિરા પ્રેમી મિત્રો હતાં તેમને સ્નેહમિલન દીવમાં રાખવાં સૂચન કર્યું. કોઈએ અમારા ગઝલ શેર બાબતે ટિપ્પણી કરી કે તમો કવિઓ નશો, જામ, પ્યાલી, કબર, કફન એવું બધું ગઝલમાં ખાલી ખાલી બોલ્યાં કરો, એમાં અમને નશો ન ચડે. શેર બાબતે કવિઓનું અપમાન થાય એવું સાંભળીને ગુસ્સો ગળી એવા મિત્રોને પડતાં મૂક્યાં. બાકી બીજા વધેલ મિત્રો ભમરાને જેમ રસમાં જ રસ હોય તેમ બળજબરીથી ફક્ત કેરીનાં રસ પાછળ ખેંચાય ગયા.
રસપાર્ટીનાં જમણ બાદ કવિનાં ગઝલે ઝામનાં કાર્યક્ર્મનું તોફાની તાંડવ ચાલું થયું. પ્રાકૃતિક લીલોતરીની ઠંડક વચ્ચે ગઝલોની રમઝટ બોલી, ખળખળ વહેતાં ઝરણાં અને વાહ..વાહ.. હ્ ની ગુંજ સાથે ગીરનું વાતાવરણ ખીલી ઉઠ્યું. આગલી હરોળમાં બેઠેલાં બે-ત્રણ કવિઓ આ સુંદર પળની તસ્વીરો મોબાઇલનાં કેમેરામાં કંડારવા પોતાની ખુરશી પરથી ઊભા થઈ ફોટો શૂટ કરવા લાગ્યાં. પરંતુ અરે...રે..રે.. આ શું ? વાહ..હ્..ની ગુંજ વચ્ચે રસમાં રસ ધરાવતાં ભમરો નસકોરાંની ગુંજ બોલાવતાં કેમેરાની તસ્વીરમાં ઝડપાઈ ગયા. કવિઓને ગઝલનાં શેરનાં નશામાં બાજુમાં પરાણે આમંત્રિત મિત્રોનાં નસકોરાં પર ધ્યાન કેન્દ્રિત રહ્યું નહીં. કેરીનાં માદક રસ અને ગીરનાં વૃક્ષમાંથી નીકળતી ઠંડી અને શિતળ પવનોની લહેરખીઓથી ઘેનમાં સરી પડેલા જેટલાં ભ્રમર હતાં, તેમાંથી શરીરે હળવાફૂલને ટીંગાટોળી કરી, ભારેખમને ખંભે ટેકો આપ્યો, જે તે કવિનાં નજીકનાં મિત્રો હતાં ત્યાં મૌખિક અને હાથ સફાઈના દૃશ્યો સર્જાયાં. માનવીનાં નિદ્રાધીન અવસ્થાની સામે જેટલાં પગલાં લઈ શકાય તે તમામ પૂર્ણ કરી સર્વે કુંભકર્ણને છેલ્લી હરોળમાં ગોઠવ્યાં. મિત્ર એક જ એવો સંબંધ છે કે તે ઊંઘતો હોય તો ટીંગાટોળી કરી શકો તથા ઢિકા પાટાનાં સ્વાદ પણ ચખાડી શકો. જુવાનજોધ દીકરો કુસંગે ચડી ગયો હોય તો, મા-બાપ કદાચ દીકરા ઉપર હાથ ઉપાડતા અચકાય, પરંતુ લંગોટિયા ભાઈબંધ તેને ધીબેડી નાખતાં અચકાય નહીં.
ફિલ્મમાં જેમ કોઈ ગીત બાદ તરત ફાઈટીંગ ચાલું થાય તેમ અહીં પણ અડધી ગઝલે ઘમસાણ ચાલું થઈ ફરી શમી ગયું. અંતે ફોટો શૂટ કરતાં કવિ મિત્રોને તાકીદની કડક સૂચના આપવામાં આવી કે કોઈએ છેલ્લી હરોળની તસ્વીર લેવી નહીં, કદાચ ભૂલથી લેવાઈ જાય તો, તેમને આપણા પ્રોગ્રામનાં ફોટા સાથે જોડવી નહીં. તેમજ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ક્યાંય પણ વાયરલ ન કરવી.
દોસ્તો ! એક એવા બીજા વર્તમાન કાર્યક્ર્મ કે જેમાં સંગીત સંધ્યા, લોકડાયરો, નાચ ગાન બધું જ સમાવિષ્ઠ થઈ જાય. જેમાં બધી રૂચી ધરાવતાં ભાત-ભાતનાં અને રંગબેરંગી માનવી સામેલ થાય, છતાં એ મિલનનું ઘ્યેય સફળ થાય..! અરે..હા..કદાચ ન પણ થાય હો ...!
ગુજરાતી કૅલેન્ડરમાં અમુક વર્ષે અધિક મહિનો આવે ત્યારે લોકો ભગવાનને રીઝવવા માટે પૂજાપાઠ અને ઉપવાસ કરે. એવી જ રીતે ચોક્ક્સ વર્ષનાં અંતે આપણી ત્રણ ઋતુ ઉપર અધિક ઋતુ "ચૂંટણીની મોસમ" બેસે. (આ મોસમનું જે હું વર્ણન કરું છું તે મારાં ગામડાનું છે, શહેરમાં કદાચ અલગ હશે.) આ મોસમનાં ઉદયથી સૂની શેરીઓમાં સળવળાટ જાગે. માનવી તો ઠીક પણ હંમેશા આખી રાત ભસી, દિવસે શેરીના ખૂળે ટૂંટિયું વાળીને પડી રહેતાં શેરીનાં કૂતરાઓમાં પણ તરવરાટ અને તાજગી દેખાય. કાળી રાત્રે પણ દિવસ જેવો ઝગમગાટ કરતો માહોલ હોય. લોકોને રીઝવવા ઉપવાસ નહીં, પણ જમણવાર અને બીજાં નૃત્ય કલાના કાર્યક્રમનું આયોજન થાય. આ મિલનમાં પણ ભજીયાની સુગંધે ભમરાઓ ગણગણતાં હોય.
આ મિલનનો અંત હું મારી અગાઉ લખેલી એક કવિતાની થોડીક પંક્તિ અહીં રજૂ કરીને પૂરું કરું છું.
ચાર પાયાની ખુરશી ભજીયા પાર્ટીનો અવસર લાવી
હળીમળી સૌએ ઉજવણી કરી, ચૂંટણીની મોસમ છે
ખુશનુમા રાતે રાતરાણીએ ફૂલોની મહેક પ્રસરાવીને
લોકડાયરાની મહેફિલ જમાવી, ચૂંટણીની મોસમ છે.
સો મીટરનાં માર્ગે મતદાન થાય, સૂનકાર શાંતિ ભાસે,
મૂંછમાં હસે સૌ મતદાતા મત પાડી, ચૂંટણીની મોસમ છે.
