વાયદો
વાયદો
રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઈક ફૂલોની દુકાન નજીકથી પસાર થતા થોડી ધીમી પડી. અટકવુંં કે આગળ વધી જવુંની મૂંઝવણ થોડી ક્ષણો સુધી યથાવત રહી અને ત્યારબાદ બાઈકને આખરે બ્રેક લાગી.
હેલ્મેટની અંદર બાઈકનો એકતરફ્નો અરીસો લપાઈ ગયો. બંને પગ બાઈકનું સંતુલન સાધતા થોડા સમય માટે સીધા ટટ્ટાર થયા. એક હાથ જીન્સના પાછળના ખિસ્સાની અંદર પ્રવેશ્યો અને એક હળવો ફૂલ પાકીટ બહાર નીકળી આવ્યો. ધીમે રહી એ મધ્ય ભાગમાંથી આછા સંકોચ જોડે ઉઘડ્યો. નામની છૂટી છવાયેલી નોટમાંથી એક નોટ બહાર નીકાળવી કે નહીંના લાંબા મનોમંથન પછી આંગળીઓની પકડમાં આવી. એ પકડ અર્ધી મિનિટ સુધી એકજ પરિસ્થતિમાં સ્થિર રહી અને પછી અતિ ઝડપે નોટ ફરીથી પાકીટના અંધકારભર્યા ખૂણામાં ગરકાવ કરી દેવાઈ. અરીસો હેલ્મેટના અસહ્ય ભારથી મુક્ત થયો. એક પગ જમીન ઉપર પકડ જોડે જડાયો અને બીજા પગ દ્વારા પુરજોશ કિક લગાવવામાં આવી. જોતજોતામાં બાઈકનું એક્સિલેટર ધકધક કરતું સજીવન થયું અને થોડીજ ક્ષણોમાં બાઈક ફૂલોની દુકાનથી દૂર ભાગી છૂટી.
લાલ સિગ્નલ જાણે એ ભાગતી બાઈકને આગળ ન વધવા દેવા ઈચ્છતું હોય એમ સમયસર કામે લાગ્યું. હેલ્મેટની અંદર એક જૂનો વાર્તાલાપ જોરજોર શોર મચાવા લાગ્યો.
" સોરી, અવની. બધા વેલેન્ટાઈન ઉપર કેટલો બધો ખર્ચો કરે. કાર્ડ, ભેટસોગાત, ફાઈવ સ્ટાર હોટેલ...પણ તું જાણે છે. હમણાં મારી આર્થિક પરિસ્થિતિ મને એની પરવાનગી નથી આપી રહી. તારા માટે હું ઘણું બધું કરવા ઈચ્છું છું. પણ..."
" સાર્થ ,આમ કેમ બોલે છે ? શું હું નથી જાણતી ? તારું હૃદય કેટલું વિશાળ છે ! તે મારા માતાપિતાને વાયદો કર્યો હતો કે તું મને હંમેશા ખુશ રાખીશ. અને તું તારા તરફથી બધું કરી છૂટે છે. એક સ્ત્રીને ખુશ રહેવા માટે એક પુરુષ તરફથી શું જોઈએ ? પ્રેમ અને સન્માન ! એ બંને તું છલોછલ આપે છે. એમાં કદી તું કંજુસાઈ કરતો નથી. તો મને ફરિયાદ કરવાનો શો અધિકાર ? ને જ્યાં સુધી વેલેન્ટાઈનનો પ્રશ્ન છે, તો ઠીક છે. વાયદો કર. તું દર વેલેન્ટાઈન દિવસે મારા માટે મારો ગમતો ગુલાબનો ગજરો લાવીશ. આટલું તો કરીશ ને મારી માટે ? "
વાયદો કરતી વખતે થયેલા એ સુંવાળા હાથના પ્રેમસભર સ્પર્શથી આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. એ ઝણઝણાટીની અસર સમજાઈ ગઈ હોય એમ સાથ આપતું લાલ ટ્રાફિક સિગ્નલ ત્વરિત લીલા રંગમાં ફેરવાઈ ગયું.
યુ ટર્ન લઈ બાઈક ઝડપ જોડે ફરીથી પાછળની દિશામાં છૂટી ગયેલી ફૂલોની દુકાન ઉપર પહોંચી ગઈ. ફરીથી હૃદય પલટો થાય એ પહેલા હળવા પાકીટમાંથી આંગળીઓની પકડમાં આવેલી નોટ દુકાનદારને ચિત્તાની ઝડપે ધરી દેવામાં આવી. કોઈ પણ મનોમંથન કે મૂંઝવણ મન ઉપર હાવી થાય એ પહેલા તાજા લીલા પાનમાં બાંધીને આપવામાં આવેલો ગુલાબનો ગજરો જેકેટના અંદર તરફના ખિસ્સામાં છુપાઈ બેઠો. નોટમાંથી પરત થયેલા પરચુરણે પાકીટમાં નિયત ખાનાઓમાં સમજણપૂર્વક પોતાનું સ્થળ લઈ લીધું.
કોઈ પણ વિચારવિમાસણમાં પડવાનો ઈન્કાર કરતી બાઈક સડસડાટ ઘરની દિશામાં ઉપડી પડી.
" અરે , આજે આટલી જલ્દી ? મો હાથ ધોઈ લે ..હું જમવાનું પીરસું છું. "
મધ્યમવર્ગીય ઘરના મધ્યમવર્ગીય રસોડામાંથી હોંશેહોંશે ગૂંજી ઉઠેલા અવાજના પ્રત્યાઘાતમાં એક હાથ અનાયાસે જેકેટ અંદર છુપાઈ બેઠેલા ગુલાબમાં ગજરાને સ્પર્શી ગયો. એક ક્ષણ માટે ફરી હૃદય પલ્ટી રહ્યાની આંતરિક અનુભૂતિ ચહેરાના બાહ્ય સ્તરોમાં વ્યાપી ઊઠી. સંભાળીને જેકેટ શરીરથી છૂટું પડી ખીંટી ઉપર ટંગાઈ ગયું. એક મોટો ભાર હટ્યો હોય એનો પુરાવો શાંતિનો શ્વાસ લઈ રહેલ શરીરનું દરેક અંગ આપી રહ્યું.
મનમાં યથાવત યુદ્ધને શાંત પાડવા નિયમિત ટેવ કરતા વધુ જોશ વડે પાણીનાં છાંટાઓ નળમાંથી છલોછલ ભરાયેલાં ખોબામાંથી ચહેરા ઉપર વાગી ઉઠ્યા.
લુછાયેલાં ચહેરામાં ન રાહત દેખાઈ, ન ટાઢકના દર્શન થયા. ઘરે પહોંચેલો ચહેરો ઘરની બહાર હતો એનાથી બમણો થાકેલો કેમ વર્તાઈ રહ્યો હતો ? ઉપર તરફથી આછી તડવાળા અરીસાએ પૂછેલા પ્રશ્નને ટાળવા નજર ત્વરાથી એના ઉપરથી સમેટાઈ ગઈ.
" આજે તારી ગમતી રસોઈ કરી છે. ટીંડાનું શાક, રોટલી ને વઘારેલા ભાત. અને હા , શીરો પણ...એ તો હું અંદરજ ભૂલી આવી..."
ટેબલ ઉપર જમણ ગોઠવતું શરીર ફરીથી ઉપર નજર ઉઠાવ્યા વિનાજ હર્ષસભર રસોડામાં ધપી ગયું.
ટેબલ ઉપર હાથ મોં ધોઈ ગોઠવાઈ ગયેલા શરીરે તક ઝડપી એક ચોર નજર સામે તરફ ખીંટીંમાં ટાંગેલા જેકેટ તરફ નાખી. એની અંદર છૂપાયેલો ગુલાબનો ગજરો ઓરડામાં પોતાની હયાતી અંગે કોઈ પુરાવો તો નથી આપી રહ્યો એની ચકાસણી કરતી સુવાસિન્દ્રિયે ટેબલથી જેકેટનું અંતર સુરક્ષિત હોવાનું સાંકેતિક આશ્વાસન આપ્યું.
રસોડાની બહાર હાથમાં શીરો લઈ આવેલ શરીરનું આગમન થતાં જ જેકેટ ઉપરની નજર જાણે ત્યાં પહોંચી જ ન હતી એવો ડોળ રચતી ટેબલ ઉપરના જમણ પર ચકળવકળ ભમવા લાગી.
સામે આવી ગોઠવાયેલા શરીરની હકારાત્મક ઉર્જા અને ચહેરા ઉપરના સ્મિતે થોડાં સમય માટે બધુજ ભૂલાવી જમવાનું બળ પૂરું પાડ્યું હોય એ રીતે સાધારણ, સાદા શર્ટની બાંય ઉપર તરફ ઉઠી અને ફિક્કા સ્મિત જોડે જમણો હાથ રોટલી તરફ આગળ વધ્યો.
" એક મિનિટ. તું કશું ભૂલી તો નથી રહ્યો ? "
માંડમહેનતે ચહેરા પર ફરી રહેલું સ્મિત અચાનક વીજળીનો પ્રવાહ જતો રહેવાથી બલ્બમાંથી ઊડી જતા પ્રકાશ જેમ લુપ્ત થઈ બેઠું. હાથ રોટલીની દિશામાંથી પાછળ હઠ કરી બેઠો. નીચે ઢળી ગયેલી નજર તરફ સામે તરફથી સુંવાળો, મૃદુ હાથ લંબાયો.
" આજે ચૌદમી ફેબ્રુઆરી છે..."
પોતે આપેલો વાયદો મસ્તિષ્કમાં ચકરાવે ચઢ્યો. હથિયાર નાખવાજ પડશે. અન્ય કોઈ વિકલ્પ હતો જ ક્યાં ?
જમણના ટેબલ ઉપરથી ખીંટી સુધીનું અંતર જાણે હજાર માઈલ જેટલું અનુભવાયું.
લીલા તાજા પાનમાંથી આખરે મધમધતો ગુલાબનો ગજરો હાથમાં આવ્યો. શું કરવુંં અને શું નહીં ? મૂંઝવણ ભર્યા પગ જાણે જમીનમાં જડાઈ ગયા.
" ગયા વર્ષે તો થોડા ઘણા બચ્યા હતા. આ વર્ષે તો...કોઈ વાંધો નહીં..."
આગલ વધેલો હાથ બધીજ દુવિધા નો ચતુર ઉકેલ લઈ આવ્યો.
ફ્રેન્ડશીપ બેલ્ટ જેમ ગુલાબનો ગજરો મૃદુ, સુંવાળા હાથમાં સજી ઉઠ્યો. આ પરિસ્થિતિમાં પણ પોતાને પ્રેમની ઉજવણી કરવાનો અધિકાર આપવા બદલ વ્હાલમનું ઋણી હોવાનું મૌન સ્વીકાર કરતું માથું સશક્ત ખભા પર ઢળી પડ્યું.વાયદો નિભાવવાની તક આપી પોતાની સજ્જનતાનું માન જાળવી લેવા બદલ ઋણી હોઠોએ વાળ વિહીન કેન્સર પીડિત માથાને ઝળઝળ્યા ચૂમી લીધું.

