વાત એ પથ્થરની
વાત એ પથ્થરની
સંગ્રહાલય એક એવી વસ્તુ છે જ્યાં જઈને આપણે આપણી ઐતિહાસિક ધરોહરને જાણી અને માણી શકીએ છીએ. મારા સદભાગ્યે વડોદરામાં દેવ દુર્લભ સંગ્રહાલય આવેલું હોવાથી હું અવારનવાર તેની મુલાકાતે જતો હોઉં છું. મુંબઈથી કોઈ સગાવહાલા આવે તો તેમને ફરાવવાના બહાને અથવા મારા વિદ્યાર્થીઓને કોઈક બાબત સમજાવવાના બહાને હું વારંવાર સંગ્રહાલયની મુલાકાતે જતો જ હોઉં છું. મેં જેટલી વાર સંગ્રહાલયની મુલાકાત લીધી છે એટલી વાર મને કંઈક નવું જાણવા અને શીખવા મળ્યું છે. અમારા વડોદરાના સંગ્રહાલયના ચોગાનમાં ઘણા પથ્થરથી બનેલા પ્રાચીન શિલ્પો મુકેલા છે. જોકે આજે મને વાત કરવાની છે તે શિલ્પોમાં મુકેલા એક પથ્થરની!
****
અમૃતસરમાં ઈ.સ. ૧૮૭૮માં જન્મેલ ગુલામ મહોમ્મદ ઉર્ફ ગામા પહેલવાન દુનિયાના એક માત્ર એવા પહેલવાન છે કે જે આજીવન કોઈની સામે હાર્યા નથી. તેઓ દરેક સ્પર્ધામાં વિજેતાજ રહ્યા છે. તેમની બે પત્નીઓ હતી એક પાકિસ્તાનમાં અને બીજી વડોદરામાં. તેમના સમયના સૌથી શક્તિશાળી પહેલવાન પંજાબના ગુજરાનવાલાના રહીમબક્ષ સુલતાનીવાલા હતા કે જેઓને કોઈ હરાવી શકતું નહોતું. ગામ પહેલવાને માત્ર ૧૭ વર્ષની વયે શક્તિશાળી એવા રહીમબક્ષને પડકાર આપ્યો હતો. જયારે લોકોએ આ જાણ્યું ત્યારે તેમને ખૂબ કૌતુક થયું. બધાએ વિચાર્યું હતું કે રહીમબક્ષ ચપટીમાં ગામાને ચોળી નાખશે કારણ રહીમબક્ષની ઊંચાઈ સાત ફીટ જેટલી હતી જયારે ગામાની માત્ર ૫ ફીટ ને ૭ ઈંચ ! પરંતુ સહુએ ધાર્યું હતું એમ થયું નહીં. ગામા અને રહીમબક્ષ વચ્ચે કલાકો સુધી કુસ્તી ચાલી અને આખરે મેચ ડ્રો થઇ ! એ મેચમાં ભલે કોઈની જીત કે હાર થઇ નહોતી પરંતુ તેનાથી ગામા પહેલવાનને ઘણી પ્રસિદ્ધિ મળી હતી.
આ કુશ્તી પછી ગામા પહેલવાને વિદેશ જઈ વિશ્વ વિખ્યાત પહેલવાનોને હરાવ્યા. વિદેશથી પાછા આવ્યા બાદ તેમનો રહીમબક્ષ સુલતાનીવાલા જોડે અલ્હાબાદમાં ફરી એકવાર મુકાબલા થયો. જેમાં મોટા સંધર્ષબાદ ગામા પહેલવાનનો વિજય થયો. આ સ્પર્ધામાં જીતવા બદલ ગામા પહેલવાનને “રૂસ્તમે હિંદ”નો ઈકલાબ મળ્યો હતો. ઈ.સ ૧૯૨૨માં પ્રિન્સ ઓફ્ વેલ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા એ દરમિયાન તેમણે ગામા પહેલવાનને ચાંદીની ગદા ભેટ આપી હતી. ગામા પહેલવાન જોડે કેટલીક અતિશયોક્તિભરી લાગે તેવી વાતો સંકળાયેલી છે. જેમકે તે રોજના ૫૦૦૦ બેઠક અને ૩૦૦૦ દંડ લગાવતા, ઉપરાંત તે રોજના ૬ ચીકન, ૭.૫ લીટર દૂધ, દોઢ પાઉન્ડ બદામ પીસીને ખાતા... વગેરે વગેરે... પરંતુ હવે આપણે ગામા પહેલવાન અને પથ્થર સાથે સંકળાયેલ વડોદરાના એ પ્રસંગ વિષે જાણીએ કે જે મને સતત પ્રેરણા આપે છે.
વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તૃતીય ખેલકૂદના ઘણા શોખીન હતા. તેઓ અવારનવાર વડોદરામાં કુસ્તી-સ્પર્ધાઓનું આયોજન કરતા રહેતા. તા. ૨૩ ડીસેમ્બર ૧૯૬૦ના રોજ ગામા પહેલવાન વડોદરાની આવીજ એક કુશ્તી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતા ત્યારે તેમણે પોતાની શક્તિનો પરિચય દેખાડતા માંડવી પાસે આવેલ નઝરબાગ પેલેસમાં ૧૨૦૦ કિલો વજનનો પથ્થર ઉઠાવ્યો હતો ! આ જોઈ ત્યાં હાજર સહુ કોઈ દંગ થઇ ગયા હતા. આ પથ્થર ઐતિહાસિક મહત્વ ધરાવતો હોવાથી આજે પણ સયાજીબાગના સંગ્રહાલયના ચોગાનમાં તે સહુ કોઈ જોઈ શકે તેમ રાખેલો છે.
ગામા પહેલવાને ઉઠાવેલો એ ૧૨૦૦ કિલો વજનનો પથ્થર મને એ વાતની પ્રેરણા આપે છે કે અડગ મનનો માનવી આજીવન ગામા પહેલવાનની જેમ અપરાજીત રહે છે. તેથીજ જયારે પણ હું કોઈ પરિસ્થિતિથી નાસીપાસ થઇ જાઉં છું ત્યારે અચૂક એ પથ્થરની મુલકાત લેવા સયાજી સંગ્રહાલયમાં જઉં છું. એ પથ્થર મને હિંમત આપે છે! મારામાં અનોખી શક્તિનો સંચાર કરે છે. એ પથ્થર મને યાદ દેવડાવે છે મનુષ્યમાં રહેલી અફાટ શક્તિનો... એ પથ્થર મને યાદ દેવડાવે છે કે જો હિમંત રાખીએ તો પાંચ ફીટનો વ્યક્તિ પણ સાત ફીટના વ્યક્તિને પછાડી શકે છે. જોકે ગામા પહેલવાને એકવાર તેમના સન્માનમાં યોજાયેલ કાર્યક્રમમાં ખૂબ સરસ વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, “મિત્રો, હું આપ સૌને નમ્ર વિનતી કરું છું કે, આપ મારા જેવા બનશો નહીં. કોઈને પાડીને ઉપર આવવું એ સારી વાત નથી.”
બસ આટલી જ હતી વાત એ પથ્થરની.