ઉર્મિલા
ઉર્મિલા
રામાયણમાં એક પાત્ર ઉર્મિલાનું છે,જેના અમૂલ્ય ત્યાગનો ઉલ્લેખ જોવામાં આવ્યો નથી તો આજે જોઈશું આપણે ત્યાગ લક્ષ્મણ પત્ની ઉર્મિલાનો. રામાયણમાં રામે તો ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. એ સાથે જ સીતાજી પણ સહર્ષ વનવાસ જવા તૈયાર થયાં .
નાનપણથી મોટાભાઈ રામજીની સેવામાં રહેતાં લક્ષ્મણને પણ તેમના સાથે જવું હતું. તેમણે માતા સુમિત્રાને મનાવી તેમની આજ્ઞા તો લઇ લીધી હતી.પરંતુ લક્ષ્મણજીને ચિંતા હતી કે ઉર્મિલાને કઈ રીતે મનાવીશ ? શું તે પણ ભાભી સીતાના જેમ વનમાં આવવાની જીદ કરશે તો ? શું તે મને વનમાં જવા દેવા રાજી થશે ? વિચારમગ્ન લક્ષ્મણજી તો દુવિધામાં જ ધીમે ધીમે પોતાના કક્ષ તરફ આગળ વધ્યા હતાં. જ્યાં તે પોતાના કક્ષમાં પોંહચ્યાં, તો જોઈને એકદમ વિસ્મિત થઈ ગયાં. ઉર્મિલાજી તો હાથમાં આરતીના થાળ સાથે લક્ષ્મણજીની આરતી કરવા સોળે શૃંગારમાં સજીને તૈયાર ઉભા હતા.
તેવોએ લક્ષ્મણને કહ્યું,"સ્વામી, શું વિચાર કરો છો ? તમે ભાઈ, ભાભીની સેવા કરવા માટે નિશ્ચિન્ત થઈ વનમાં જાવો. તમે મારી ચિંતા કરશો નહિ. હું તમને નહિ રોકીશ. તેમજ મારા લીધે તમારી સેવામાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ એટલે તમારા સાથે આવવાની જીદ પણ હું નહિ કરીશ. અહીંયા માતા પિતાનું ધ્યાન રાખવા પણ કોઈ જોઈશે. તમારા બધાના વિરહમાં તડપતા માતાપિતાની સંભાળ કોણ લેશે ? તમે મારી ફિકર કર્યા વિના જાવો."
લક્ષ્મણ તો ચિંતામાં હતા કે ઉર્મિલાને કેમ સમજાવીશ, પરંતુ તેમના કશું કહ્યા પહેલાંજ ઉર્મિલાએજ તેમને સમજાવી ચિંતામુક્ત કર્યાં હતાં. આજ સાચો પત્નીધર્મ છે.પતિનાં બોલ્યા પહેલાંજ તેમના મનની વાત જાણી લઇ તેમની ચિંતા દૂર કરવી એજ તો નારીધર્મ ઉર્મિલા શીખવે છે.ત્યાગમાં પણ પ્રેમ હોય છે.
લક્ષ્મણજી પોતાની પત્ની ઉર્મિલા પર ગર્વ અનુભવતા વનમાં ચાલ્યા ગયા. ઉર્મિલાએ તો મહેલમાં રહી ચૌદ વર્ષ સુધી ખૂબ કઠિન તપશ્ચર્યા કરી. એક તપસ્વી સાધ્વીનું જીવન જીવ્યા.ભાઈ ભાભીની સેવામાં લક્ષ્મણજી ચૌદ વર્ષ સુધી વનમાં સૂતાં નથી, તો ઉર્મિલા પણ આખીરાત જાગી,પોતે પ્રગટાવેલા અખંડ દિવાની જ્યોતને સાચવવા જાગતાં રહેતા હતાં. સિતાહરણ પછી લંકામાં મેઘનાદ સાથે યુદ્ધ કરતાં લક્ષ્મણજીને શક્તિ લાગી હતી અને તેવો બેહોશ થયાં હતાં. હનુમાનજી સંજીવની બુટી માટે દ્રોણગીરી પર્વત ઉઠાવી જતા હતા. રસ્તામાં અયોધ્યા આવ્યું, નંદીગ્રામમાં ભરતજીએ કોઈ રાક્ષસ સમજી બાણ માર્યું. હનુમાનજી નીચે પડી ગયા ત્યારે તેમણે સીતાહરણની બધી વાત કરી અને લક્ષ્મણજી મૂર્છિત છે તેમ કહ્યું.
ત્યારે માતા કૌશલ્યા બોલ્યા,"તમે રામને કહેજો, લક્ષ્મણ વિના એકલો વનમાંથી આવીશ નહિ. લક્ષ્મણ વિના અયોધ્યામાં તેમનો પ્રવેશ નહિ થાય."
માતા સુમિત્રા બોલ્યા,"રામને કહેજો, હું શત્રુઘ્નને મોકલી આપીશ. મારા બંને દિકરા રામની સેવા માટે જ છે."
માતાઓનો પ્રેમ જોઈ હનુમાનજી ગદગદ થઈ જાય છે.તેઓ ઉર્મિલા સામે જોયું. તેમને થાય છે, આ લક્ષ્મણ પત્ની આટલી શાંત કંઈ રીતે ? કેમ મંદમંદ સ્મિત હાસ્ય કરે છે ? શું તેને તેના પતિના પ્રાણની કોઈ ચિંતા નથી ?
હનુમાનજીએ તો તેને પૂછ્યું, "દેવી, તમે આટલા શાંત કેમ ? સૂર્યોદય થતાં જ સૂર્યકુળનો કુલદિપક બુઝાઈ જશે, શું તમને તેની કોઈ ફિકર નથી ?"
ત્યારે ઉર્મિલા એ જે કથન કહ્યું એના પર તો ત્રણે લોકોનાં સર્વે તેમને વંદન કરશે. ઉર્મિલા કહે છે, "મારો દિપક બુજાશે નહિ.મને વિશ્વાસ છે. તમે ચાહો તો થોડા દિવસ અયોધ્યામાં વિશ્રામ કરીને જાવો, તમારા ગયા પહેલાં સૂર્યોદય થશે જ નહિ. તમે જ તો કહ્યું ,મારા પતિ શ્રીરામના ખોળામાં સુતા છે. જે જગતના તાતના ખોળામાં સૂતાં હોય તેને કોઈ કાળ સ્પર્શી ના શકે. આ તો એ બંને લીલા કરે છે. જ્યારથી અયોધ્યા છોડ્યું છે, ત્યારથી મારા પતિ રાત્રે સૂતાં નથી. તેવોએ રાત્રે ના સુવાનો નિશ્ચય કર્યો હતો. તેવો બહુ થાકી ગયા છે. એટલે વિશ્રામ કરે છે અને સુવા માટે પ્રભુની ગોદ મળી છે તો થોડોક વધુ વિશ્રામ કરે છે.તમે ફિકર ના કરો હનુમાનજી,તેવો ઉઠી જશે. અને શક્તિ તો મારા પતિને લાગી જ નથી. શક્તિતો મારા પતિને લાગીજ ના શકે. શક્તિ તો રામને લાગી છે. બેચેન અને વિહ્વળતો પ્રભુ રામ છે. મારા પતિનાં રોમ-રોમમાં રામ છે. અંગ-અંગમાં રામ છે. મારા પતિના હર શ્વાસ, હર ધડકનમાં રામ છે. લોહીના હર ટીપાં -ટીપાંમાં રામ છે. જો તેમનાં શરીર અને આત્મામાં પ્રભુ રામ છે, તો શક્તિ તો રામજીને લાગી છે. વેદના રામજીને થાય છે. હે હનુમાનજી,તમે નિશ્ચિન્ત થઈને જાવો. તમારા પહોંચ્યાં પહેલાં સૂર્યોદય થશે નહીં.
ઉર્મિલાનું કથન સાંભળી, હનુમાનજી તેમને વંદન કરી ઉપડે છે.
રામરાજ્યની સાચી નીંવ તો રાજા જનકની પુત્રીઓ છે. રામે તો ફક્ત રામરાજ્યનો કળશ મુક્યો હતો. પરંતુ ક્યારેક ઉર્મિલા તો ક્યારેક સીતા, ક્યારેક માંડવી તો ક્યારેક શ્રુતકીર્તિ એમના પ્રેમ, ત્યાગ, સમર્પણ અને બલિદાનથી જ સાચું રામરાજ્ય બન્યું હતું.
લગ્ન પહેલાં ઉર્મિલાજી ખૂબ ચંચળ હતા, એજ લગ્નપછી શાંત અને ધીરગંભીર બની ગયા હતા. મને તો લાગે છે તેમને દાંપત્યસુખ પણ બરાબર મળ્યું નહીં હશે છતાં કદી ફરીયાદ કરી નથી. સાચ્ચે તેમનાં પાત્રમાંથી આજની દરેક સ્ત્રીએ બહુ શીખવા જેવું છે. ધન્ય છે, આ ઉર્મિલાને, એના કથનને. વંદન છે રામાયણના આ ગુપિત પાત્ર ઉર્મિલાનાં ત્યાગને, તેના બલિદાનને, તેના સમર્પણને, તેના સમજદારીને.
