ઉજળી દિવાળી
ઉજળી દિવાળી
પૂનગેશ નિવાસને ખૂબ સુંદર લાઇટિંગ અને સુંગંધિત તાજા ફૂલોથી સજાવ્યું હતું. જ્યાં ત્યાં સુંદર દિવાની હારમાળા હતી અને આંગણામાં ખૂબ સુંદર દીપકની રંગોળી હતી.
અનેક મહેમાનો અને મિત્રોથી હોલ ખચાખચ ભરેલો હતો. સ્વાદિષ્ટ ભોજનની સોડમ મઘમઘતી આવતી હતી.
તાળીઓના ગડગડાટ વચ્ચે સીડીઓથી ઉતરી બે સુંદર દંપત્તિ ધીમેધીમે એકબીજાનો હાથ પકડીને હોલમાં પધાર્યા હતા.
પૂનમ અને ડૉ.યોગેશના પ્રેમવિવાહને આજે ત્રીસ વર્ષ પુરા થયાં હતાં. તે સાથે જ આજે દિવાળીનો શુભ દિવસ હતો. ખૂબ સુંદર સુખી દામ્પત્યજીવનના લગ્નગાંઠ અને દિવાળીનો તહેવાર ઉજવવા તેમના એકના એક કુળદીપક સ્મિતે મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના મિત્રો અને સગાસંબંધીઓની શુભેચ્છાઓ, પુષ્પગુચ્છનો સ્વીકાર કરી સસ્મિત કેક કાપીને તે દંપતીએ બધાનો આભાર માન્યો હતો અને બધાને જમીને જ જવાનો આગ્રહ કર્યો હતો.પાર્ટીનો આનંદ લઈ બધા છૂટા પડ્યા હતા.
સીન:૨
પૂનગેશ હોસ્પિટલની બે મજલી ઇમારત દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. ડૉ. યોગેશ એક સેવાભાવી, હોંશિયાર ડોકટર હતા.તો પત્ની પૂનમ પેથોલોજિસ્ટ હતી.કોરોનાના અસંખ્ય દર્દીઓને એમણે ઠીક કર્યા હતા અને સાજા થયેલા દર્દીઓ અને એમના પરિવારના એમને આશીર્વાદ મળ્યા હતા.
સીન:૩
કોરોનોમાં લોકોની સેવા કરતાં કરતાં ડૉ. યોગેશ પણ કોરોનાની ભારી ઝપટમાં આવ્યા હતા.એમનો કોરોના તો ઠીક થઈ ગયો હતો પરંતુ ડૉ. યોગેશની બંને કિડનીઓ ખરાબ થઈ ચૂકી હતી એ જ્યારે ખબર પડી ત્યારે પરિવાર પર આભ ફાટ્યું. બધાને લાગ્યું કે બસ જિંદગીમાં હવે અમાસ છવાઈ જશે.
તાત્કાલિક એક કિડની મળવી જરૂરી હતી. બહુ તપાસ કરી પણ કિડની દાતા મળતા ન હતા.
તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છતાં યોગ્ય કિડની દાતાનો કોઈ મેળ ખાતો ન હતો. બધા ચિંતિત થયા હતા.
માતાની કે દીકરાની કે પત્ની પૂનમની કિડની મળતી નથી. બધા જ હિંમત હારી ગયા હતા. બધાને લાગતું હતું કે સદા ઉજ્જવલિત અને પ્રકાશિત પરિવારના માથે અમાસનું અંધારુ મંડરાઇ રહ્યું છે કે શું ? યોગેશની પત્ની પૂનમને વિશ્વાસ હતો એવું કશું નહીં થાય. એની ઈશ્વર પર શ્રદ્ધા હતી. એ મનોમન પ્રભુ નામ-સ્મરણ પણ કરતી હતી અને સાસુને, પતિને અને દીકરાને ધીરજ પણ આપતી હતી.
સીન:૪
મુંબઈની મોટી હોસ્પિટલમાં દાખલ પતિની સેવા કરતાં કરતાં પૂનમ તો બધે દાતા શોધતી જ હતી. એવામાં એને ખબર પડી કે એક બેનને કિડનીની જરૂરત છે. તેણે તો તરતજ નિઃસ્વાર્થ ભાવનાથી પોતાની કિડની એને આપવાની ઈચ્છા જાહેર કરી. એની કિડની એ બેનને મળતી આવી.
પ્રભુનો જાણે ચમત્કાર થયો એ બેનનાં જ, પતિની કિડની પૂનમના પતિને મળતી આવી. પૂનમે એ બેનને કિડની આપી એમની જિંદગીમાં અમાસ આવતી અટકાવી, તો સામે પક્ષે એ ભાઈએ પણ પૂનમના પતિ ડૉ. યોગેશને કિડની આપી અને પૂનમનાં ઘર પર અમાસ આવવા ના દીધી. બંનેએ આમ અરસપરસ એકબીજાની મદદ કરવાથી બે ઘર પરિવારમાં અમાસ આવતી અટકી. બંને પરિવારમાં ખુશીની લહેર દોડી.
હા,અમાસ અને પૂનમ ક્યારેય ભેગાં થતાં નથી પણ એક નારી ચાહે તો નારાયણી બની શકે. જેમ સાવિત્રીએ સત્યવાનના પ્રાણ પાછા લાવ્યા એમ આપણી પૂનમે બુજતાં જ્યોતિ અને દીપક બંનેને ફરી પ્રકાશિત કરી પોતાના અને બીજાના પણ જિંદગીમાં પ્રકાશ પાથર્યો, શીતળતાની ઠંડક અને ખુશીની લહેર પૂનમે અજવાળી અમાસ અને બે ઘરે ખુશીથી ઉજળી દિવાળી.
