Sunita Mahajan

Inspirational

3  

Sunita Mahajan

Inspirational

જય ગજાનન

જય ગજાનન

5 mins
211


 મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં શેગાંવ તાલુકામાં સંત શ્રી ગજાનન મહારાજનું સુંદર મુખ્ય મંદિર આવ્યું છે.

આ મંદિરની ધાર્મિકતા, સત્યતા, નમ્રતા, પ્રામાણિકતા અને સ્વચ્છતા તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં.

શેગાંવ નિવાસી સંત શ્રી ગજાનન મહારાજની આ પાવનભૂમીનું વર્ણન કરવાનું સામર્થ્ય મારામાં નથી. તે છતાં ભારતદર્શનનો એક હિસ્સો આપણાં ભારતવાસીઓને બતાવવા જ આ લખું છું.

સ્વામી સંત ગજાનન મહારાજ સદા રટતાં રહેતાં હતાં ' ગણ ગણાત બોતે'. આ મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવાથી જ ભક્તોની હર મનોકામના પૂર્ણ થાય છે.

એકવાર આ પવિત્ર પાવન ભૂમિના દર્શનને જવા માટે અમારા જયુનિયર કોલેજમાંથી એક ટ્રીપ કાઢવામાં આવી હતી. અમે વીસ વિદ્યાર્થી અને બે સર અને બે મેડમ એમ ચોવીસ જણની સુરત અમરાવતી ટ્રેનમાં સુરતથી શેગાવ ટિકિટ બુકીંગ કરી હતી. અમે બુધવારે રાતનાં નીકળીને, ગુરુવારે ત્યાં રહીને શુક્રવારે પાછા જવાનાં હતા.

અમારી આવવા જવાની ટિકિટનું રિઝર્વેશન હતું.

પુરી ટ્રેનમાં અમે અંતાક્ષરી રમતાં, ધમાચકડી કરતાં હસી મજાક કરતાં આવ્યાં હતાં.

શેગાંવમાં મંદિરના ભક્ત નિવાસમાં રોકાયાં હતાં. ગામ આમ નાનું હતું પણ ત્યાં ધાર્મિક સ્થળ હોવાથી ઘણી હોટેલો હતી. રહેવાની અને ખાવા પીવાની ખૂબ સુખ સુવિધા હતી.

 અમે બધાં ગુજરાતી, લગભગ ત્યાં બધા મરાઠી પણ અમારા સાથે હિંદીમાં બોલતાં હતા.તેથી અમને બહુ મુશ્કેલી ના આવી. બીજે દિવસે સંત ગજાનન મહારાજનાં દર્શન કર્યા, ગુરુવાર અને ગુરુપુષ્યામૃત યોગ હોવાથી ભીડ બહુ હતી.લગભગ બે કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી દર્શન થયાં. પરંતુ ત્યાં વચ્ચે પાણી અને ચા મળતી.

 માવલી એટલે મા કહેતાં ત્યાંના ભક્તજનો થાકતા ન હતા. ખૂબ જ પ્રેમથી બોલતાં હતા. ત્યાંજ દર્શન કર્યા પછી મંદિરમાં જ નિઃશુલ્ક મળતી પ્રસાદી થાળી અમે બધા જમ્યાં અને તૃપ્ત થયાં

ત્યાંની વ્યવસ્થા અને સ્વચ્છતા પણ અદભૂત હતી. ભક્તનિવાસમાંથી આનંદસાગરની બસો જતી હતી .પછી ત્યાંના આનંદસાગર બગીચાના દર્શને એટલે વિહાર કરવા ગયાં. તે પણ ખૂબ જ સુંદર હતો. એક સુંદર પર્યટક સ્થળ,મનોરમ્ય દરેક દૃશ્ય આટલાં નાના ગામમાં જોઈને અમે બધા ખૂબ જ ખુશ થયાં ત્યાંના રાતનાં સંગીતની ધૂન પર થતાં રંગબેરંગી ફવારાઓ જોઈને તો કોઈનું પણ મન ડોલી ઊઠે.

ત્યાં માછલીઘર પણ છે, ત્યાં નૌકાવિહાર પણ છે, ત્યાં બેટ દ્વારકા પણ નાનું બનાવ્યું છે. ત્યાં વિવેકાનંદજીનું શાંતિધામ પણ છે. ત્યાં ખૂબ જ શાંતિ મય વાતાવરણ છે.ત્યાંની કલાકૃતિઓ વખાણવા લાયક છે. શેગાવ કચોરી બહુ જ પ્રખ્યાત છે.

આ પ્રવાસ દરમ્યાન રંજના અને આદિત્ય એકબીજાના પ્રેમમાં ક્યારે ખોવાઈ ગયાં તે તેમને પણ ખબર ના પડી. શેગાવ ગજાનન મહારાજની દર્શનની હરોળમાં ઊભા હોય કે આનંદસાગરમાં વિહાર કરતાં તે બંને સાથેને સાથે જ હતાં.

અમે બધાએ જ નોંધ્યું હતું તેમની વધતી નજીકતા પણ જવાનીનો જોશ હતો અને પ્રવાસમાં ક્યાં કોઈને હોંશ હતા બધા પોતાનામાં જ મગ્ન હતાં ત્યાં તેમનાં તરફ કોનું વિશેષ ધ્યાન જાય.

 પૂરો દિવસ આનંદમાં પસાર કરીને રાતનાં આનંદસાગરથી ભક્તનિવાસમાં પાછી આવતી બસમાં અમે પાછા આવ્યાં અને જેવા રુમમાં પોહચ્યાં તેવા જ આખા દિવસનાં થાક્યાં હોઈ બધા ગાઢ નિદ્રામાં પોઢી ગયાં.

અમારી ગાડી બપોરનાં બાર વાગે હોવાથી ફરી એકવાર સંત ગજાનન બાબાનાં સવારના દર્શનનો મોહ રોકી ના શક્યાં વહેલી સવારે જ ગયા હોવાથી જલ્દીથી દર્શન થઈ ગયા હતાં.

 ત્યારબાદ બધાએ ત્યાંની યાદગીરી માટે સુંદર ગજાનન મહારાજની મૂર્તિ કે ફોટો લીધો. ત્યાંના ફેમસ કંધી પેંડા લીધા. અને ત્યાંની કાચની બંગડીઓ અને પાટલા ખરીદ્યા.

ત્યાંજ હોટેલમાં પેટભરીને નાસ્તો કરી લીધો.શેગાવની પ્રખ્યાત સ્વાદિષ્ટ કચોરી બધાએ ભરપેટ ખાધી અને ઘરે લઈ જવા માટે પણ લીધી. પછી સ્ટેશન પર આવીને બેઠાં. સરે બધાને એકવાર ગણી લીધા. બધાં બરાબર ગાડી આવતાં ચઢી જજો , અહીંઆ બહુ ઓછી ઉભી રહે છે અને ઉતરનારા લોકો વધુ હોય છે એવી સૂચના આપી.

ગાડી આવી ગઈ હતી, બધા ચઢી ગયા હતાં.પોતાની સીટ પર ગોઠવાઈ ગયાં હતાં. ગાડી ઉપડી ગયા પછી સરે ફરી એકવાર બધાને ગણ્યા બધાં બરાબર હતા. રંજના અને આદિત્ય બંને પાસે જ બેઠા હતાં.

હવે તે બંને પ્રેમીપંખીડા ક્યારે ફુર થઈ ઉડી ગયા હતાં તે કોઈને ખબર જ ના પડી જ્યારે જળગામમાં બધાને જમવાનો ટિફિન દેવા મેડમ આવ્યાં ત્યારે તે બંને તેમની જગ્યા પર ન હતાં. પહેલાં તો વોશરૂમ ગયા હશે એવું બધાએ માન્યું પણ ઘણીવાર સુધી તેઓ ના આવ્યા.પછી તો પુરી ટ્રેનમાં તેમની શોધ લીધી પણ તેવો ક્યાંયે ન હતા.

તેમને ફોન લગાવ્યા પરંતુ બંનેના મોબાઈલ સ્વીચઓફ હતાં.

શિક્ષકો સર અને મેડમ ખૂબ ગભરાઈ ગયા હતા. કારણ તેમની જવાબદારી હતી બધાને સુખરૂપ પાછા લાવવાની. તેમાં વળી રંજના તો ખૂબ શ્રીમંત શેઠ ગણપતભાઈની દીકરી હતી જે તેવોની કોલેજનાં મેનેજમેન્ટના અધ્યક્ષ હતાં તો આરોપ તો શિક્ષકો પર જ આવવાનો હતો.

અમળનેર સ્ટેશન પર એક સર ઉતરીને બીજા ગાડીથી તેમને શોધવા પાછા શેગાવ ગયા. નંદરબાર ગયું, નવાપુર ગયું, બધાનાં જીવ ખૂબ ઊંચા થઈ ગયા હતાં.

જો તે બંને ના મળશે તો તેમની ચારેની નોકરી પણ ના રહેશે તેનો ડર શિક્ષક,શિક્ષિકાને લાગી રહ્યો હતો.

બધાનાં ઉદાસ ચહેરા જોઈને નવાપુરમાં એક બેને મરાઠીમાં પ્રશ્ન પૂછ્યો, "કાય ઝાલ? કોણી હરવલ કાં ?"

હા, અમારો એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની નથી દેખાઈ રહ્યાં.મેડમે રડતાં કહ્યું.

"તુમહી શેગાવલાં આલે હોતે કા ?"

" હાં."

" મગ કાળજી કરું નકા, સગળે મનાની ગજાનન બાબા લા આઠવા આણી ત્યાંચા મંત્ર મહણા,

' ગણ ગણાત બોતે...ગણ ગણાત બોતે' શ્રધ્ધા અસુ દયા તે લવકર ચ સાપડેલ."

ડૂબતાને તનખલાનો સહારો અમે બધાએ સંત ગજાનન મહારાજને મનોમન પ્રાર્થના કરી અને તેમનો મંત્ર બોલાવો શુરું કર્યો.

અમારી વાતચીત સાંભળી ફરી એક સહપ્રવાસી ભાઈએ પૂછ્યું કે,

"શું તમારા પાસે તેમનો ફોટો છે ? "

અમે મોબાઈલમાં તે બંનેનો ફોટો બતાવ્યો તો તે ભાઈ પૂરાં ડબ્બામાં બધાને તેમનો ફોટો બતાવ્યો અને પૂછ્યું કે કોઈકે આમને જોયાં છે ?

 ત્યાં જ મલકાપુરથી ચઢેલા એક ભાઈએ કહ્યું કે, "હાં તેવોને મલકપુરમાં ઉતરતાં અમે જોયા છે."

તેમની શોધમાં નીકળેલાં સરને મલકાપુરમાં ઉતરીને જોવા કહ્યું.

ઉધના સ્ટેશન આવી ગયું હતું, સુરત આવવાનું જ હતું. બધાનાં પાલકોને સુરત સ્ટેશને જ પોતાનાં દીકરા, દીકરીને લેવા બોલાવ્યું હતું.

હવે શું થશે ? હજી તેમનો પતો લાગ્યો ન હતો.

બધાનાં જીવ ઊંચા થયા હતા પણ શ્રદ્ધાથી ' ગણ ગણાત બોતે' હજી બધાજ બોલતાં હતાં. અને સુરત સ્ટેશન પર ઉતરતાં જ જાણે ચમત્કાર થયો રંજના અને આદિત્ય સામેથી દોડતાં અમારાં ડબ્બા તરફ આવ્યાં.

તેવો ફાસ્ટટ્રેનમાં બેસી અમારા પહેલાં જ સુરત પહોંચી ગયા હતા. તેમને જોઈને બધાનાં જીવમાં જીવ આવ્યો.

(ક્યારેક મહારાષ્ટ્રના આ રમણીય ભક્તિમય ગામની જરૂર મુલાકાત લેજો. )


Rate this content
Log in

Similar gujarati story from Inspirational