બાળ શહીદ
બાળ શહીદ
પશ્ચિમ ખાનદેશનાં નંદુરબાર શહેરની આ સત્ય શૌર્યકથા છે.
" શિરીષ....એ શિરીષબેટા... લાડુ વાળવાને આવ બેટા !" સવારમાં દાદીએ શિરીષને હાંક મારી.
" એ આવ્યો દાદી ! પરંતુ દાદી આજે મને નિશાળમાં વહેલાં જવું છે." શિરીષ બોલ્યો.
" કેમ બેટા ?" દાદીએ ચિંતાથી પૂછ્યું.
"દાદી આજે ૯ સપ્ટેમ્બર ૧૯૪૨.'ચલે જાવ' ચળવળને આજે એક મહિનો પૂરો થયો. અમે નિશાળમાં જઈને ઝંડો લઈને મોર્ચો કાઢીશું." શિરીષ દાદીને સમજાવે છે.
" પણ....પણ....બેટા ! શું અંગ્રેજો આપણો દેશ છોડીને જશે ?" દાદી જરા ડરતાં જ બોલ્યા.
"હાં દાદી, એમને જવું જ પડશે. અમે એમને જરૂર ભગાવીશું. એ માટે ગમે તે કરીશું.લઢીશું અથવા મરીશું."શિરીષ ઉત્સાહથી બોલ્યો.
" ભલે, પહેલાં મને લાડુ વાળવા મદદ કરે છે ને ? તને બહુ ભાવે છે ને ?"દાદીએ પૂછ્યું.
" હા દાદી.." કહીને શિરીષ દાદીને લાડુ વાળવા લાગ્યો.
શિરીષ ભણવામાં બહુ હોંશિયાર છોકરો હતો. એ રસોઈમાં પણ મદદ કરતો. વીજળીનો દીવો બગડતાં એ પણ ઘરે સુધારી લેતો.
ઘડિયાળમાં અગિયારનાં ટકોરા પડ્યા અને શિરીષ ઊભો થયો. "ચાલો દાદી ,હવે હું જાવું." કહીને શિરીષ નિશાળમાં ગયો.
આઠમાં ધોરણમાં ભણતાં શિરિષને જોતાજ એના બધા દોસ્તોનું ટોળું એના પાસે આવ્યું."શિરીષ એ જો પોલીસ.પોલીસે ઝેન્ડો લેવાની ના કહી છે." એક દોસ્ત એને કહે છે.
"જુવો, આપણે ડરવાનું નથી. પોલીસ આપણને કશું નહીં કરશે. બહુ થયું તો તેવો લાઠી ચાર્જ કરશે.આપણે તો આપણાં દેશનાં શૂર સિપાઈ છે.ડરવાનું નહીં." શિરીષ બધાને ગોળાકારમાં ઊભા રાખે છે, વચ્ચે એક છોકરાને ઝેન્ડો લઈને ઊભો કરે છે.પોલીસે ઝેન્ડો જોયો અને એ લેવા આવ્યો પણ છોકરાઓ તો એક હાથમાંથી બીજાના હાથમાં ઝેન્ડો આપવા લાગ્યા એટલે એના હાથમાં ના આવ્યો. તે ગુસ્સાથી ચાલ્યો ગયો.
" કરીશું અથવા મરીશું, કોઈથી નહીં દબાઈશુ." જયઘોષ કરતો મોર્ચો આગળ વધ્યો. બારી બારણાંમાંથી મોટા લોકો તો આ નાનકડાં છોકરાઓની હિંમત જોઈ દંગ થઈ ગયા. મોર્ચો છોકરીઓના નિશાળ પાસે આવ્યો તો છોકરીઓ પણ એમાં શામિલ થઈ ગઈ. મોર્ચો કોર્ટ પાસે આવ્યો.ત્યાં શિરીષ ભાષણ આપે છે તો બધા વકીલો પણ બહાર આવીને સાંભળતા રહી ગયા.
મોર્ચો આગળ વધ્યો, એટલામાં પાછળથી પોલીસ લાઠીચાર્જ કરતા આવ્યા. ડરપોક બાળકો ભાગી ગયા. કોઈક છોકરીઓ પણ છુપાઈ ગઈ પણ ઘણી બહાદુર છોકરીઓ ત્યાં જ ઊભી રહી. જેવા પોલીસ છોકરીઓને મારવા ગયા ત્યાં શિરીષ વચ્ચે આવ્યો અને બોલ્યો, "છોકરીઓને શું મારો છો ? હિંમત હોય તો અમને મારો. લો મારી છાતી ઉઘડી છે."અને પોલીસે ગોળીબાર કર્યો.
નેમ ચૂકી જતાં ,"અરે અરે નેમ ચૂકી ગયો કે ડરી ગયા કે પછી ગોળી ખલાસ થઈ ગઈ ? "શિરીષ હસીને બોલ્યા. અધિકારીએ તો ચિડાઈને પાસેથી ગોળી મારી અને શિરીષ મહેતા પડ્યો. એના બાજુમાં જ એનો પ્રાણપ્રિય મિત્ર લાલદાસ શાહ પણ ગોળી લાગી પડ્યો. દસ વર્ષનાં ધનસુખ વાણીને ,શશીધર કેતકરને અને આઠ વર્ષના ઘનશ્યામને પણ ગોળી લાગી. છોકરાંઓ" પાણી... પાણી..." કરતાં હતાં પણ પોલીસે પાણી પણ ના આપવા દીધું. "જો કોઈ પાણી આપશો તો એમને પણ ગોળી મારી ઠાર કરીશું." એમ ધમકાવ્યા.
સ્વરાજ્ય, સ્વતંત્રતા, ગાંધીજીનું સ્મરણ કરીને,"જયહિંદ ! વંદે માતરમ !! ભારત માતાની જય !!!" એવું બોલીને આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા આ બાળકો શિરીષકુમાર મહેતા અને તેમના બાળદોસ્તો શહીદ થઈ ગયા. અમર થઈ ગયા. આ શૌર્ય બાળકોની યાદગીરીમાં તેમને વંદન.
નંદુરબારમાં શિરીષકુમાર મહેતાનું શહીદ સ્મારક છે.એમના ભત્રીજા નિતીનભાઈ મહેતા આજે એમનાં નામથી સુરત શહેરમાં અને નંદુરબાર શહેરમાં અનેક ગુણવંત વિદ્યાર્થીઓને બક્ષિસ આપે છે. અનેક મહાન કાર્ય કરે છે. એમના પર પિક્ચર પણ બનાવી રહ્યા છે.અમને બાળપણમાં બાલભારતીનાં પુસ્તકમાં 'શિરીષ કુમાર' એવો એમનો પાઠ હતો.
(આ બાળ શહીદોની સત્ય શૌર્યગાથા લખતાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છું.)
