Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

mariyam dhupli

Action Inspirational Thriller


4.0  

mariyam dhupli

Action Inspirational Thriller


ત્રીસ મિનિટ

ત્રીસ મિનિટ

7 mins 469 7 mins 469

મને ફક્ત ત્રીસ મિનિટ મળી હતી. 

ફક્ત ત્રીસ મિનિટ !

એ ત્રીસ મિનિટ મારા માટે સો વર્ષો સમાન હતી. એની એક એક ક્ષણ મોટો પડકાર હતી. મને ખૂબજ ડર અનુભવાઈ રહ્યો હતો. જો કોઈ ચૂક થઈ ગઈ તો ? મનમાંથી ઊઠી રહેલો એ પ્રશ્ન મારા ડરને વધુ ડરામણો બનાવી રહ્યો હતો. અન્યના વિશ્વાસની વાત તો દૂર. હું મારા ખુદ પરના વિશ્વાસને ટકાવી શકીશ ? 

મેં એક ઊંડો શ્વાસ ભર્યો. મનોમંથન ચરમસીમાએ પહોંચ્યું હતું. મારા પગ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. હાથની આંગળીઓમાં કંપન હતું. એ આંગળીઓને શીખવવામાં આવેલી કસરતને અનુસરતી એ તમામ સ્નાયુઓના તણાવને હળવો કરવા અનાયાસે ખોલ બંધ થઈ રહી હતી. માનસિક તણાવનું કેન્દ્રબિંદુ બનેલી કાચબા જેવી સખત પીડાદાયક ગરદનને મેં હળવેથી ચકડોળ જેમ દરેક દિશામાં ફેરવી. આમ તો ત્રીસ મિનિટ માટે મારી પાસે કોઈ પણ સામાન છોડવામાં આવ્યો ન હતો. બધું જ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ખાસ કરીને મારો વોલૅટ, મારા બધા પૈસા અને મારો મોબાઈલ. હાથમાં એક માત્ર રિસ્ટવોચ રહેવા દેવામાં આવી હતી. એ પણ આપવામાં આવેલા સમયની ગણતરી રાખી શકાય એ એકમાત્ર ઉદ્દેશ્ય જોડે.

મેં ઘડિયાળમાં નજર કરી. દસ મિનિટ ભયરૂપી વિચારોના વંટોળે ગળી લીધી હતી. ધીમે ધીમે મારા ડગલાં હિંમત ભેગી કરતા વોટરફ્રન્ટના પાછળ તરફના ખુલ્લા ભાગ તરફ આગળ વધ્યા. વિસ્તાર અત્યંત ભેંકાર હતો. માત્ર નીચે તરફ વહી રહેલા પાણીના શાંત હિલોળા સિવાય કોઈ સ્વર કાનમાં પડઘાઈ રહ્યો ન હતો. વોટરફ્રન્ટના આગળના હિસ્સામાં લોકોની અવરજવર ઘણે દૂરથી પૃષ્ઠભૂમિમાં નજરે ચઢી રહી હતી. પણ લાંબા અંતરને કારણે એ ભીડનું દ્રશ્ય નજર આગળ મૌન જ ભજવાઈ રહ્યું હતું. 

એ ભીડનો સામનો કરવાનું કાળજું મારી પાસે ન હતું. મને તો જોઈતું હતું એક એવું એકાંત જ્યાં મારી આંખોમાં અને હૈયામાં ભેગો થયેલો અપરાધભાવ કોઈની નજરે ચઢી ન શકે. ન મને કોઈ એક પણ પ્રશ્ન પૂછે, ન હું કોઈના એક પણ પ્રશ્નનો ઉત્તર આપું. એ ઉજ્જડ, સુમસાન વિસ્તાર મારી બેચેન, વ્યાકુળ જાતને સંભાળી લેશે એવી આશ જોડે મેં અત્યંત ખૂણાના એક બાંકડા ઉપર ધ્રુજતા હૃદયે બેઠક જમાવી.

માથા ઉપરથી પસાર થયેલા કાગડાના ટોળાએ અચાનકથી કા ..કા ...કરી મૂકી. હું થરથરી ગયો. હવે એમ જ થતું હતું. આમ નાની નાની વાતે દિલ બેસી પડતું. મારા શ્વસનતંત્રને મળેલી તાલીમ અનુસાર એણે ઊંડા ઊંડા શ્વાસ લઈ શરીરને તાણમુક્ત કરવાનો પ્રયાસ આદર્યો. હૈયાની ગતિ સામાન્ય થતાં મેં કમર બાંકડાને લગોલગ સ્પર્શી દીધી. થોડી રાહત અનુભવાઈ. આસપાસના વૃક્ષોમાંથી પડઘાઈ રહેલા પંખીઓના ટહુકા સાંભળ્યાને જાણે એક સદી વીતી ગઈ હતી ! એ ટહુકાઓને વધુ ધ્યાનપૂર્વક ઝીરવવા મેં આંખો ધીમેથી મીંચી દીધી. એ હજી પણ એટલાજ મીઠા હતા. એજ સંગીત, એજ લય,એજ મીઠાશ...

પ્રકૃત્તિ કેટલી ભાગ્યશાળી હોય છે ! 

એ હજારો વર્ષો પહેલા જેવી હતી એવીજ છે. પ્રગતિ અને વિકાસ એને છેતરી બદલવા માટે વિવશ કદી ન કરી શકે. એ માનવી જેમ લોભી નહીં ને ! એ તો સદાકાળથી એવી ને એવીજ તૃપ્ત. 

મારી મીંચાયેલી નજરમાં છવાયેલા તૃપ્તિના સમુદ્રને ચીરતી અચાનક અતૃપ્તિની સુનામી ભયન્કર દ્રશ્યો થકી મનસપટ પર ધસી આવી. એ દ્રશ્યોમાં અનુભવાઈ રહેલી એ જાણીતી અનુભૂતિ થકી મારું રોમ રોમ કંપી ઉઠ્યું. શરીરમાં વ્યાપેલી અરેરાટી થકી મારા રુંવાડા ઉભા થઈ ગયા. એ દ્રશ્યો ભૂતકાળની ભયાવહ વાસ્તવિકતા ભલે રહ્યા હોય પણ વર્તમાનનો માત્ર આભાસ જ છે, એ વાતની ખાતરી કરવા મેં ઝડપથી આંખો ચોપાટ ઉઘાડી કરી નાખી. 

એ દ્રશ્યોએ મને ફરી ઝંઝોડી મૂક્યો હતો. હું રીતસર હાંફી રહ્યો હતો. માંડમહેનતે સામાન્ય થઈ રહેલું મન ફરી અસામન્ય ન થઈ ઊઠે એ હેતુસર મેં મારા મનને અન્ય દિશામાં વાળવાના પ્રયાસ સ્વરૂપે નજર ચારે દિશામાં દોડાવી. 

કેમેરાની માફક એ નજર દરેક દિશાને તાકી રહી. મન વાળવા માટે કોઈ વિષય હાથ લાગી જાય ....

વોટરફ્રન્ટના પાણીના વહેણથી લોકોના જીવનું રક્ષણ કરવા ઊભા કરાયેલા લોખંડના સળિયા ઉપર એક હાથ ટેકવ્યો હતો અને બીજા હાથમાં મોબાઈલ ઉપરની દિશામાં ઉઠ્યો હતો. 

કોણ હતી એ ? 

હું જાણતો ન હતો એને. કે પછી જાણતો હતો ?

હા, જાણતો તો હતો. એ એક માનવી હતી. હાડમાંસની બનેલ માનવી. મારી જેમ. એક માથું, એક ધડ,એક શરીર ધરાવતી માનવી. એક ખૂબજ ભારે, વજનદાર હૈયાનો ભાર બળજબરીએ ઉપાડતી માનવી.  

ભાર જ હતોને ?નહીંતર આંખો આમ વહી ન રહી હોત ...એ અશ્રુ ખુશીના હોય એવો કોઈ પુરાવો ચહેરાના હાવભાવો પૂરો પાડી રહ્યા ન હતા. એવા ગમગીન હાવભાવો જોડે કોઈ સેલ્ફી શા માટે લેતું હોય ? હૈયાફાટ રુદનને કેમેરાના ફ્લેશ જોડે કેવો સંબંધ વળી ? કોઈ રહસ્યમય ફિલ્મનું ક્લાઈમેક્સ દ્રશ્ય ઉકેલતો હોઉં એમ હું દ્રશ્યને ધ્યાનપૂર્વક નિહાળવા મારી બેઠક ઉપર આગળ પાછળ થઈ ડોકું દ્રશ્યની દિશા જોડે મેળવી રહ્યો. રહસ્યમય દ્રશ્ય આગળ વધે એ પહેલાજ મેં બેઠક છોડી રીતસર દોટ મૂકી. 

એક ક્ષણ માટે હું બધું જ વિસરી ગયો. મારો ભૂતકાળ, મારુ વર્તમાન, મારુ ભવિષ્ય ...બધું જ. જો કઈ યાદ હતું તો એ આંખો આગળ ભજવાઈ રહેલું દ્રશ્ય. જેને ભજવનારની મરજી માફકનો અંત ન મળે અને મારી મરજીનો વણાંક મળે એ મક્કમ ઈરાદા જોડે હું રીતસર ભજવનાર તરફ ધસી ગયો. મારો હાથ એના હાથને એક ઝાટકે વોટરફ્રન્ટના સળિયા ઉપરથી એવો હડસેલી ગયો કે સળિયા ઉપર ઊંચકાઈ બેવળ થયેલું શરીર બુરખા જોડે ભોંય ઉપર સુરક્ષિત ઉતરી આવ્યું. મારો શ્વાસ નિરાંત થયો જ કે બુરખામાં પછડાયેલા શરીરમાંથી હૈયાફાટ રુદનની ધાર છૂટી. 

ઝંપલાવવા પહેલા પાછળ છોડવા યોજનાબદ્ધ થયેલ પર્સ ઉપર ટેકવાયેલો મોબાઈલ અનાયાસે મારા હાથમાં આવ્યો અને થોડી ક્ષણો પહેલા રેકોર્ડ થયેલો વિડીયો મેં પ્લે કરી નાખ્યો. 

રુદન હજી યથાવત હતું. 

એ રુદનમાં છલકાઈ રહેલી પીડા જાણીતી કેમ લાગતી હતી ? એ અસહાય પરિસ્થિતિ કશેક નિહાળી હતી ? 

મારા મનમાં અફળાઈ રહેલા પ્રશ્નોનો ઉત્તર જાણે એ વિડીયો રેકોર્ડિંગમાંથી મળવાનો હોય એમ હું ગંભીરતાથી એ વિડીયોમાંથી સંભળાઈ રહેલ યુવતીના એક એક શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો. 

"સોરી, અમ્મી,અબ્બા. લેકિન અબ બરદાસ્ત નહીં હોતા. હમીદ ઔર ઉસકે વાલીદકો ખુશ રખને કે લિયે મેને સબ કુછ કિયા. આપને ભી. દહેજ માંગા. દે દિયા. ગાડી માંગી. વો ભી દે દી. મુજે કેરેક્ટરલેસ કહા. વો ભી સુન લિયા. અબોર્શન ચાહા. વો ભી કરવા લિયા. પતા હે કયું ? ક્યુકી બોહત પ્યાર કરતી હું હમીદકો. ઉનકે બીના જી નહીં શકતી. વો જાનતે હે. ફિરભી પૈસો કે લિયે દૂસરા નિકાહ કરનેકે લિયે તૈયાર હો ગયે. જબ મેને ઉનસે કહા કી મેં ખુદખુશી કર લૂંગી. તો પતા હે ક્યા કહા ? ઠીક હે. લેકિન મરને સે પહેલે એક વિડ્યો બનાકે ભેજ દેના. વહી કરને જા રહી હું. આપ મુજે માફ કર દેના. મજબુર હું. હમીદકે બીના જી નહીં શક્તી. અલ્લાહાફિઝ !"

યથાવત રુદનની ધાર જોડે મારી સાથે એણે પણ પોતાના મોઢે ઉચ્ચારાયેલ દરેક શબ્દ સાંભળ્યો. મેં ધીમે રહી મોબાઈલ ફરી પર્સ ઉપર ગોઠવી દીધો. 

" અફીણ, ગાંજો, ચરસ. જોયા છે કદી? "

મારા મોઢામાંથી નીકળી રહેલા શબ્દો ઉપર મારું નિયંત્રણ હતુ જ નહીં. મનમાં ઉછળી રહેલા વિચારોના મોજા કોઈ પણ પૂર્વચેતવણી વિના ધસી આવેલ પૂર સમા ધસમસતા મોઢાની બહાર નીકળતા ગયા. 

એક મિનિટ પહેલા બધા જ ડર નેવે મૂકી જીવનનો સાથ છોડવા તૈયાર થયેલી એ યુવતી મને ભયભીત આંખે તાકી રહી. એવો જ ભય સમાંતર મારી નજરમાં પણ સળવળી ઉઠ્યો. 

મારી ધૂન મને સક્રિય મગજથી કશે દૂર ઘસડી રહી હતી અને એ પ્રવાહમાં હું નિષ્ક્રિય તણાઈ જઈ રહ્યો હતો.

" પહેલીવાર કસ લગાવોને તો સાલું પ્રેમમાં પડી જવાય.

લવ એટ ફર્સ્ટ સાઈટ !

પછી ધીમે ધીમે એના નજીક ખેંચાતા જવાય. એ આકર્ષણ પછી ભાન ભૂલાવે. જેટલું મળે ઓછું પડે. હજુ વધારે..... હજુ વધારે......"

મારી ધૂની આંખો વધુ પહોળી થઈ. મારું શરીર એની વધુ નજીક સરક્યું. ભોંય ઉપર બે હાથના ટેકા વડે એ ગભરાટ જોડે સહેજ પાછળ હટી. એ પ્રત્યાઘાતની નોંધ લેવા જેટલું મન સભાન ન હતું. 

" ને પછી એક સમય એવો આવે કે તમે એના વિના રહી નથી શકતા. એ જોઈએ જ જોઈએ. મન અને મગજ બન્ને માટે એ ફરજ બની જાય. જો એ ન મળે તો બેચેની અનુભવાય. મગજ વિચારવાનું કામ છોડી દે. હૈયું લાગણીઓ વિસરી બેસે. 

ઘર, પરિવાર, હૂંફ ... 

કશું જ યાદ રહેતું નથી. એને મેળવવા વ્યક્તિ કઈ પણ કરી શકે છે ... કઈ પણ ... કોઈના પ્રાણ લઈ પણ શકે છે અથવા...."

હું હજી વધુ આગળ ધસી જાણે એ યુવતીની નજરમાં માર્ગ શોધવા મથ્યો. એના શરીરની આછી કંપારી અનુભવી શકું એટલા અંતરેથી મારું અધૂરું વાક્ય પૂરું થયું. 

" પોતાના પ્રાણ આપી પણ શકે છે. "

એ પૂર્ણ થયેલા વાક્ય જોડે એ રડી રહેલી આંખોનો પ્રવાહ બેવડાઈ ગયો. 

" પણ રહી શકાય છે. એના વિના રહી શકાય છે. સાચું કહું છું. વિશ્વાસ કરો મારો. જીવી શકાય છે. એનાથી મુક્ત થઈ. શાંતિથી જીવી શકાય છે. "

મારી આંખોમાં ઊંડે કશે કઈ જડ્યું હોય એમ અચાનક એ હૃદયદ્રાવક રુદન હળવું થયું. મેં ધીમે રહી મારા હોઠ એના કાનના પરદા પાસે ગોઠવ્યા. આ વખતે એ પાછળ તરફ ન હટી.

સ્થિર. 

અત્યંત સ્થિર. 

" એકજ શરત. 'રીહાબ' !"

અચાનક મારા ખભે કોઈએ હાથ ટેકવ્યો.  

હું સફાળો ઊભો થઈ ગયો. મારા સામે ઉભેલું શરીર ચિંતિત હતું. વ્યાકુળ હતું. ઘણું ડરેલું હતું. 

" તું બાંકડા પર ન હતો એટલે ....."

મેં એ શરીરને એક ચુસ્ત આલિંગન આપી દીધું. એ આલિંગન જ મારો ઉત્તર હતો. 

ચિંતિત શરીર નિરાંત થયું. વ્યાકુળતા અદ્રશ્ય થઈ. ડરની જગ્યા સંતોષે લીધી. 

" જઈએ ? મમ્મી ત્યાં બાંકડા નજીક રાહ જુએ છે. "

પપ્પાએ મારા ખભે વિશ્વાસથી હાથ મૂક્યો. મારાં ડગલા એમના ડગલા જોડે તાલ મેળવતા નિરાંતે બાંકડાની દિશામાં ઉપડી પડ્યા. 

થોડા અંતરે પહોંચતા જ કશું ખૂબ જ જરૂરી યાદ આવી ગયું હોય એમ પપ્પાના હાથ ઉપરથી માર્ગ કાઢતી મારી નજર શીઘ્ર પાછળની દિશામાં વળી. 

વોટરફ્રન્ટના લોખંડના સળિયા એકલા અટુલા ઉજ્જડ ઊભા હતાં. ત્યાં કોઈ ન હતું. 

ન કોઈ યુવતી, ન કોઈ પર્સ, ન કોઈ મોબાઈલ ..... 

મારા મનમાં ધ્રાસકો પડયો. 

હું આગળ કઈ વિચારું એ પહેલા મારી નજર વોટરફ્રન્ટના બીજા ખૂણે ખેંચાઈ. પર્સ લટકાવેલું એક બુરખાધારી શરીર અત્યંત ઝડપે દોડતા પગલે વોટરફ્રન્ટના બહાર તરફ નીકળી રહ્યું હતું.

આટલી ઉતાવળ ?

મારા ચહેરા ઉપરનું હળવું સ્મિત જાણે બોલી પડ્યું. 

જાગ્યા ત્યાંથી સવાર !

લત ફક્ત ચરસ, ગાંજો, અફીણ, શરાબ, તમાકુ, સિગારેટની જ થોડી લાગે છે. માનવી અને સંબંધોની પણ લાગે છે. જો એ લત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરે તો જેટલી ઉતાવળે મન રીહાબમાં પહોંચી જાય એટલુંજ સારું. 

એક મન 'રીહાબ' તરફ ભાગી રહ્યું હતું. 

અને બીજું મન .... ? 

એ તો ડ્રગ્સની લત છોડવા ત્રણ મહિનાના રીહાબમાં પુનર્વસન કરી આવ્યું હતું.

એ પુનર્વસન પછીની સૌ પ્રથમ એકાંતની ત્રીસ મિનિટ આજે મેં સફળતાથી પાર પાડી હતી. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Action