mariyam dhupli

Drama Crime Children

4  

mariyam dhupli

Drama Crime Children

તારણહાર

તારણહાર

3 mins
539


મારા હાથમાંની ભેટ જોતાજ એ પાંચ વર્ષનું બાળક અતિઉત્સાહિત થઇ ઉઠ્યું.

"પપ્પા, હું સામેના ટેબલ ઉપર ડ્રોઈંગ કરું ? "

પપ્પા તરફથી હામીનો ઈશારો મળતાંજ સામેના ટેબલ ઉપર ઉપર બધીજ કલર પેન્સિલ નિરાંતે ફેલાવી નાનકડા હાથ ધ્યાનમગ્ન કામે વળગ્યા. 

"તો આપને આર્ટ ગમે છે? "

ફુડકોર્ટના ટેબલ ઉપર મારી જોડે એકાંતની ક્ષણો મળતાંજ સામે તરફથી વાતનો સેતુ રચાયો. 

"જી, હા. સંગીત, ચિત્રકલા, લેખન, સ્થાપત્ય કલા...જો કલા ન હોત તો માનવીના અંદર ધાંધલ મચાવતી રહેતી લાગણીઓ, વેદનાઓ, પીડાઓ, અનુભૂતિઓ કદાચ અત્યંત ભયંકર સ્વરૂપે બહાર અભિવ્યક્ત થતે...કલા તો તારણહાર છે."

મારી વાત સાંભળી એ મૃદુ મૃદુ હસ્યાં. 

"હું તો બિઝનેસમેન છું. નફા ખોટનો માણસ. ફિલોસોફી જોડે ૩૬નો આંકડો."

મારા ચહેરા પર પણ હાસ્ય ફરી વળ્યું. આ નિખાલસતા તો મને આકર્ષતી હતી. તેથીજ અંતિમ એક મહિનાથી હું એમને ડેટ કરી રહી હતી. 

"ચિરાગ એની મમ્મીને મિસ નથી કરતો ? " સામેના ટેબલ ઉપર ચિત્રકલામાં ડૂબેલા બાળક તરફ મારી માતૃત્વસભર દ્રષ્ટિ પહોંચી. 

એક ઊંડો ઉચ્છવાસ પહેલા બહાર નીકળ્યો અને પછી ઉત્તર.  " જે સ્ત્રીને બાળક કરતા કેરિયર વ્હાલું હોય..." 

પોતાના ડિવોર્સ પાછળનું કારણ અલ્પ શબ્દોમાં સમેટી એમણે મારા અંતરનો દરવાજો ખટખટાવ્યો. 

"આપ પોતાના પતિને મિસ નથી કરતા ? " 

હવે ઉચ્છવાસ મારા શરીરમાંથી બહાર નીકળ્યો અને પછી ઉત્તર.

"મારી પીઠ પાછળ સ્મોકિંગ શરૂ કરી દીધું હતું. મારાથી જુઠાણું સહેવાતું નથી. મમ્મી પપ્પાને લાગે છે કે એ ડિવોર્સ માટેનું કારણ ન હોય શકે. પણ જે વ્યક્તિ પોતાના શરીરને , સ્વાસ્થ્યને પ્રેમ ન કરે એ અન્યને શું પ્રેમ કરવાનો ? " 

મારી નજર એમની નજરમાં ઊંડે ઉતરી. એ આંખો મીઠું હસી. 

"હું સ્મોકિંગ નથી કરતો. શરાબની ટેવ નથી. મારું સ્વાસ્થ્ય મારું પ્રાધાન્ય છે. જો હું સ્વસ્થ હોઈશ તો મારા કુટુંબનું ધ્યાન રાખી શકીશ. રાઈટ ? "

એમની વાતોના ઇશારાથી મારા ચહેરા ઉપર શરમની લાલીમા છવાઈ ગઈ. એ લુચ્ચાં સ્મિતમાં કદાચ એમને આજની ડેટને અંતે થનારા પ્રપોઝલનો ઉત્તર અગાઉથીજ મળી ગયો હોય એમ એમનો ચહેરો પણ સંતોષથી ચળકી ઉઠ્યો. 

"ઓર્ડર તૈયાર થઇ ગયો હશે. ગીવ મી ફ્યુ મિનિટ્સ. "

પોતાના ફોર્મલ સફેદ શર્ટની બાંય મનમોહક અંદાજ વડે ઉપર ચઢાવતા તેઓ પીઝાકોર્નર તરફ આગળ વધ્યા. પાછળ છોડી ગયેલ પરફ્યૂમની મોહક મહેકથી મંત્રમુગ્ધ થતી હું એકીટશે એમને નિહાળતી રહી. પહેલીવાર મમ્મી પપ્પાની સલાહ ઉપર હું ફિદા થઇ ગઈ. જો એમણે બીજી વાર લગ્ન કરવા મને પ્રોત્સાહિત ન કરી હોત તો...

મારા મેઘધનુષી વિચારોને આગળ વધતા અટકાવતો એક નાનકડો હાથ મારા ડ્રેસની ઓઢણીને ધીમે રહી હલાવી રહ્યો હતો. મારા હાવભાવોને સમેટી મેં એક પ્રેમભર્યું સ્મિત એ નિર્દોષ ચહેરા તરફ વેર્યું. પોતાનો હાથ આગળ કરી એણે સ્કેચપેડમાંથી કાઢેલું એક કાગળ મારી દિશામાં આગળ વધાર્યું. મારા ભેટનો સદુપયોગ થયો હતો એ વિચારતાંજ મને મારી ભેટ પસંદગી ઉપર મનોમન ગર્વ થઇ આવ્યો. મારા માટે ખાસ તૈયાર થયેલ એ ડ્રોઇંગને ધ્યાનપૂર્વક નિહાળવાના હેતુસર મેં પર્સમાંથી નજીકનો ચશ્મો કાઢી આંખો પર ચઢાવ્યો. 

એ ડ્રોઈંગ નિહાળતાંજ મારી આંખો ફાટી પડી. મેં તરતજ બાળકને પ્રેમથી નીતરતું એક આલિંગન આપી દીધું. એના કપાળ ઉપર એક સ્નેહસભર ચુંબન કર્યું. થોડી ક્ષણો માટે એનો મીઠો નિર્દોષ ચહેરો મારી બે હથેળી વચ્ચે રહ્યો. મારી આંખોનું ભેજ ઉભરાઈ પડે એ પહેલા એને ડૂમા બાઝેલા અવાજે "થેન્ક યુ" કહી ત્યાંથી શક્ય એટલી ઝડપે નીકળી પડી. 

થોડા સમયમાંજ હું એક ટેક્ષીમાં પાછળની સીટ પર બેઠી હતી. મેં ધીમે રહી બારી ખોલી. તાજગીસભર હવાથી મારો તણાયેલો ચહેરો થોડો નિરાંત થયો. મેં રાહતનો દમ ભર્યો. બારી તરફથી પાછળ છૂટી રહેલ અનુભવથી મન ધીમે ધીમે હળવું થયું.  ધીમે રહી મેં પર્સ ખોલ્યો. પર્સમાંથી ડૂચો વળી ગયેલો થોડા સમય પહેલાં હાથમાં મળેલ કાગળ બહાર નીકાળ્યો અને ફરી એકવાર ડ્રોઈંગ ઉપર ધ્યાનપૂર્વક નજર ફેરવી. 

સ્ત્રી જમીન ઉપર પડી હતી. રડી રહી હતી. પુરુષનાં હાથમાં કમરપટ્ટો હતો. એક બાળક પડદા પાછળ છુપાઈને દ્રશ્ય નિહાળી રહ્યો હતો. 

મારા શરીરમાં ફરી અરેરાટી વ્યાપી ગઈ. મારા રુંવાડા ઉભા થઇ ગયા. કાગળ ડૂચો કરી મેં ટેક્ષીની બહાર ઉડાવી મૂક્યો અને મક્કમ રીતે આગળ વધી રહેલી ટેક્ષી નીચે એ ખોફનાક દ્રશ્ય કચડાઈને ચુરા થઇ ગયું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama